વડોદરા શહેરમાં ફાટી નીકળેલા ઋતુજન્ય રોગચાળાને પગલે પાલિકાના ફૂડ વિભાગે આજથી ખાણી-પીણીની લારીઓ ઉપર ચેકિંગ શરૂ કર્યું હતું. આરોગ્ય વિભાગની ટીમે અખાદ્ય જણાઇ આવેલા 25 લિટર પાણીપુરીનું પાણી, ચટણી તેમજ પાણીપુરીમાં ઉપયોગમાં લેવાતા 5 કિલો જેટલા બટાકાનો સ્થળ પર નાશ કર્યો હતો અને ખાણી-પીણીની લારીઓવાળાઓને કડક સૂચનાઓ આપી હતી.
વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી મુકેશ વૈદ્યની સૂચના અને માર્ગદર્શન હેઠળ પાલિકાની ફૂડ વિભાગની ચાર ટીમો દ્વારા વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા, વૃંદાવન ચાર રસ્તા, ન્યાય મંદિર તેમજ છાણી વિસ્તારમાં પાણીપુરીની લારીઓ તેમજ ખાણી-પીણીની લારીઓ ઉપર દરોડા પાડી ચેકિંગ હાથ ધર્યું હતું. આરોગ્ય વિભાગને ચેકિંગ દરમિયાન જણાઇ આવેલ પાણીપુરીનું 25 લિટર જેટલું પાણી સ્થળ પર નાશ કર્યું હતુ. આ ઉપરાત ચટણી અને અખાદ્ય જણાઇ આવેલા બાફેલા 5 કિલો જેટલા બટાકાનો સ્થળ પર નાશ કર્યો હતો.
આરોગ્ય વિભાગના ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર ગોહિલે જણાવ્યું હતું કે, શરૂ થયેલા તહેવારોમાં લોકોનું આરોગ્ય જળવાઇ રહે તે માટે કોર્પોરેશન દ્વારા આજથી ઘનિષ્ઠ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરમાં હાલમાં તહેવારોની શરૂઆત સાથે ઋતુજન્ય રોગચાળાએ પણ માથું ઉચક્યું છે. ત્યારે શહેરમાં આરોગ્ય વિભાગની ચાર ટીમો દ્વારા આજે વિવિધ વિસ્તારોમાં પાણી-પુરીની લારીઓ તેમજ ખાણીપીણીની લારીઓ ઉપર ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે.
ચેકિંગ દરમિયાન તમામ ખાણી-પીણીની લારીઓના સંચાલકોને માસ્ક પહેરવાની, સ્વચ્છતા રાખવાની, હેન્ડગ્લોઝ પહેરવાની તેમજ કોઇ પણ ખાદ્ય પદાર્થને ચટાકેદાર બનાવવા માટે કોઇ પ્રકારનો કલર ન વાપરવા સહિતની કડક સૂચનાઓ આપવામાં આવી છે. સૂચનાઓ આપ્યા પછી પણ ખાણી-પીણીની લારીઓના સંચાલકો સૂચનાઓનું પાલન નહીં કરે તો તેઓ સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમ ફૂડ ઇન્સ્પેક્ટરોએ જણાવ્યું હતું.
વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણી-પીણીની લારીઓ ઉપર દરોડા પાડી કાર્યવાહી કરતા વેપારીઓમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. કેટલાક ખાણી-પીણીની લારીઓવાળા પાલિકાના દરોડાની વાત સાંભળતા જ ધંધો બંધ કરીને ઘરે રવાના થઇ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.