સર્ચ કાર્યવાહી:IT સર્ચના પગલે હોસ્પિટલમાં માત્ર ઇમરજન્સી સેવા જ ચાલુ

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડો.દર્શન બેંકરના નિવાસ સ્થાન, 5 હોસ્પિટલમાં અધિકારીઓના ધામા
  • બેંકર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ખર્ચાની વિગતોની સ્ક્રૂટિની હાથ ધરાઇ

વડોદરા શહેરના બેન્કર્સ હાર્ટ ગ્રૂપની 5 હોસ્પિટલ અને ડો. દર્શન બેંકરના ઘર સહિત સુરત ખાતે પણ ચાલી રહેલા આઇટીના સર્ચમાં સતત બીજા દિવસે ગુરુવારે પણ કામગીરી ચાલુ રહી હતી. બેન્કર્સ હાર્ટ હોસ્પિટલમાં માત્ર ઈમરજન્સી દર્દીઓને જ સિક્યુરિટી દ્વારા એન્ટ્રી આપવામાં આવતી હતી, જ્યારે ઓપીડી અને અન્ય આરોગ્યની સેવાઓ બંધ હોવાનું દરવાજેથી જણાવાતું હતું. શહેરના તબીબી આલમમાં ખળભળાટ મચાવનાર આ સર્ચ અંગે બીજા દિવસે તબીબી આલમમાં ચર્ચા જોવા મળી હતી.

કોરોના મહામારી દરમિયાન રૂપિયા દસ લાખથી 40 લાખ સુધીના પેકેજ આપવામાં આવતા હોવાનું અને કોરોના મહામારી ની બીજી લહેર દરમિયાન લાખો રૂપિયાના બિલ ચૂકવ્યા બાદ પણ દર્દીનો જીવ બચાવવામાં સફળતા ન મળી હોવાની ચર્ચા આજે શહેરમાં ઊભી હતી. કોરોના કાળ દરમિયાન મોટા બીલ ચૂકવીને પોતાના સ્વજનોને ગુમાવનાર નાગરિકો તેમજ તબીબોમાં ઈન્કમટેક્ષનું સર્ચ ચર્ચાની એરણે રહી હતી.

ત્યારે ઇન્કમટેક્સના સર્ચનો રેલો નાના ડોક્ટરો અને ડીએસએમએસ તેમજ કોર્પોરેટ સેક્ટર ક્યાં સુધી જશે તે અંગે ફફડાટ ફેલાતાં લોકોએ પોતાના દસ્તાવેજો પણ ચકાસ્યા છે. બીજી તરફ ઈન્કમટેક્સ વિભાગ દ્વારા બેન્કર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ખર્ચાની વિગતઓની સ્ક્રુટીની હાથ ધરવામાં આવી હતી જોકે હજુ સુધી રોકડ કે જ્વેલરી અંગે કોઇ દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

કોરોના મહામારી દરમિયાન તબીબી આલમના મોટા ગજાના ડોક્ટરો દ્વારા મબલખ આવક થઈ હોવાની ચર્ચા ત્રીજી લહેર વખતે પણ ઊઠી હતી તે સમયે તબીબોએ વૈભવી ગાડીઓ અને જમીનોમાં રોકાણ કર્યા હોવાની ચર્ચા પણ ભારે જોર પકડ્યું હતું. બેન્કર ગ્રૂપને ત્યાં પડેલા દરોડામાં વાસ્તવમાં કેટલું કાળું નાણું બહાર આવે છે તે અંગે ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કર્યા બાદ વાસ્તવિક વિગતો પ્રકાશમાં આવશે, પરંતુ શહેરના તબીબી અાલમમાં બીજા દિવસે પણ ચાલી રહેલી સર્ચની કાર્યવાહીના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.

કોરોનાકાળમાં વધુ પૈસા લીધાની પાલિકામાં 40 ફરિયાદ થઇ હતી
કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા મુજબ બેંકર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં વધુ પૈસા લીધા હોવાની 40 પૈકી 30 જેટલી ફરિયાદોમાં પૈસા પરત અપાયા છે. જ્યારે અન્ય 10 ફરિયાદો નવું નોટિફિકેશન બે મહિના પહેલાં અાવતાં કઈ દવાઓ બિલમાં સામેલ ગણવામાં આવે છે અથવા નથી આવતી તેની સ્ક્રૂટિની વિભાગ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે કોરોના મહામારીમાં રૂમ ચાર્જ સહિતનો કેટલો ભાવ લેવો તે નક્કી કરી આપ્યું હતું, પરંતુ સ્પેશિયલ દવાઓ અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નહોતો.

ઇન્કમટેક્સના સર્ચ પાછળ જાણભેદુ કોણ શહેરમાં ચર્ચા
શહેરના રાજકીય ક્ષેત્રે પણ સારા સંપર્ક ધરાવનાર બેન્કર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટની હોસ્પિટલ અને નિવાસસ્થાનો પર એક સાથે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા હાથ ધરાયેલા સર્ચ અંગે બેન્કર ગ્રૂપના કોઈ અંદરના વ્યક્તિએ ઇન્કમટેક્સ વિભાગને તમામ વિગતો આપી હોવાની ચર્ચા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ લોબીમાં સાંભળવા મળી હતી.

નાનાં દવાખાનાઓ સાથે 30 થી 40 લાખના માૈખિક એમઓયુ
શહેરના આરોગ્ય જગતમાં ચાલી રહેલી ચર્ચા મુજબ કેટલાય નાની હોસ્પિટલો અને નાના ડોક્ટરો સાથે 30થી 40 લાખના માૈખિક એમઓયુ નક્કી થતા હતા. જેમાં દર્દીઓને તેઓ બેન્કર હાર્ટમાં મોકલશે તેવું મૌખિક અન્ડરસ્ટેન્ડિંગ કરવામાં આવતું હતું. આ સાથે ગામડાઓમાં સરપંચ અને તલાટીઓનું નેટવર્ક પણ ખૂબ જ મજબૂત હોવાનું અને તેઓ પણ દર્દી લઈ આવતા હોવાની ચર્ચા પણ સાંભળવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...