રોગચાળો:ઝાડા-ઊલટીના કેસ બાદ હવે દર 10માંથી 8 દર્દીને વાયરલ ફ્લૂ, ચિકનગુનિયા અને ડેન્ગ્યૂનો પણ વાવર

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
મચ્છરજન્ય રોગચાળાના પગલે પાલિકાએ ફોગીંગ શરૂ કરાવ્યું છે. ત્રણ દિવસમાં જ 42 હજાર ઘરોમાં અને 544 કોમર્શિયલ મિલકતમાં ફોગીંગ કર્યું છે. - Divya Bhaskar
મચ્છરજન્ય રોગચાળાના પગલે પાલિકાએ ફોગીંગ શરૂ કરાવ્યું છે. ત્રણ દિવસમાં જ 42 હજાર ઘરોમાં અને 544 કોમર્શિયલ મિલકતમાં ફોગીંગ કર્યું છે.
 • પાલિકાના ચોપડે જ 15 દિવસમાં ડેન્ગ્યૂના કુલ 83 અને ચિકનગુનિયાના 35 કેસ,3 દિવસના સર્વેમાં તાવના 400થી વધુ દર્દી મળ્યા
 • 2019માં ડેન્ગ્યૂ- ચિકનગુનિયાના કેસો વધ્યાં હતા, આ વર્ષે પણ કેસોમાં વધારો થવાની શકયતા : મુખ્ય આરોગ્ય અમલદાર

છેલ્લા 10 દિવસથી સતત વાદળછાયા વાતાવરણ વચ્ચે બિમારીનો વાવર વધી રહ્યો છે. ખાનગી દવાખાના દર્દીઓની ઉભરાઇ રહ્યા છે. તો સયાજી હોસ્પિટલની ઓપીડીમાં પણ ભારે ધસારો જોવા મળી રહ્યો છે. મોટાભાગના દર્દી વાઇરલ ઇન્ફેકશન(સિઝનલ ફ્લૂ) નો ભોગ બન્યા છે, તો ડેન્ગ્યૂ અને ચીકનગુનિયાના દર્દી પણ ધીમી ગતિએ વધી રહ્યા છે . પાલિકાના ચોપડે છેલ્લા 15 દિવસમાં ડેન્ગ્યૂના 83 અને ચિકન ગુનિયાના 35 કેસ નોંધાયા છેે.તો ઝાડા-ઉલટીના રોગચાળાને પગલે પાલિકાએ 3 દિવસમાં કરેલા સર્વેમાં 400થી વધુ તાવના દર્દી નોંધાયા છે.

બીજી તરફ ખાનગી દવાખાનામાં દર 10 દર્દીમાં 8 દર્દી વાયરલ ઇન્ફેકશનના અને 2 ડેન્ગ્યૂના આવી રહ્યાં છે.તેમજ સમયાંતરે ચિકનગુનિયાના કેસ પણ મળી રહ્યાં છે.વર્ષ 2019માં ડેન્ગ્યૂના 1247 અને ચિકનગુનિયા ના 231 કેસ પાલિકાના ચોપડે નોંધાયા હતા. જ્યારે આ વખતે બે અઠવાડિયા પહેલા ડેન્ગ્યૂના 16 કેસ હતા તે આંકડામાં સીધો 44નો ઉમેરો થયો છે.

ચિકનગુનિયા ના પણ 2 અઠવાડિયા પેહલા માત્ર 3 કેસ હતા તેમાં હાલમાં 32નો ઉમેરો થયો છે.15 દિવસમાં પાલિકાના ચોપડે ડેન્ગ્યૂના 83 અને ચિકન ગુનિયાના 35 કેસ નોંધાયા છે.પાલિકાના આરોગ્ય અમલદારે જણાવ્યું હતું કે ગત વર્ષ કે કોરોના ના કારણે ડેન્ગ્યૂ ચિકનગુનિયાના કેસોમાં વધારો થયો ન હતો પણ આ વખતે 2019 ની માફક જ કેસમાં વધારો થાય તેવી શક્યતા છે.

છેલ્લા 3 વર્ષ માં શુ સ્થિતિ

વર્ષડેન્ગ્યૂચિકનગુનિયામેલેરિયા
20191247231400
2020231105120
2021833513
(4 ઓગસ્ટ સુધી)

કયા વિસ્તારોમાં ભરડો

 • વાસણા ભાયલી રોડ
 • સેવાસી
 • ન્યુ સમા
 • છાણી
 • નવાયાર્ડ
 • વાડી
 • કારેલીબાગ
 • ચાર દરવાજા
 • મકરપુરા
 • આજવા રોડ

કેવા લક્ષણો: ઠંડી લાગવી, તાવ આવવો, સાંધાનો દુઃખાવો થવો, નાના જોઇન્ટ્સ વધુ દુઃખે

કન્સ્ટ્રકશન સાઇટ આસપાસ વધુ કેસ
હાલમાં ઓપોડીમાં 80 ટકા કેસ વાઈરલ ફ્લુના અને 20 ટકા દર્દીઓમાં ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કન્સ્ટ્રકશન સાઈટની આજુબાજુમાં કેસ આવી રહ્યા છે.> ડો. કિરણ દલાલ, એમ.ડી ફિઝિશિયન

80 ટકા કેસ સિઝનલ ફ્લૂના આવે છે
1મહિનાથી સીઝનલ ફલૂ અને ડેન્ગ્યૂના કેસ વધ્યા છે. જ્યારે ચિકનગુનિયા ઓકેઝનલી આવી રહ્યા છે. હાલમાં રોજના કેસમાં 80 ટકા કેસ સિઝનલ ફ્લુના, 20 ટકા કેસ ડેન્ગ્યૂના સામે આવી રહ્યા છે. > ડો. પરેશ મજમુદાર, બાળ રોગ નિષ્ણાત

સિઝનલ ફલૂ અને ડેન્ગ્યૂના દર્દી વધ્યાં
આજવા રોડ સહિતના વિસ્તારમાં રોજની ઓપીડી વધી છે. જેમાં 10 કેસમાં 8 કેસ ફ્લુના અને 2 કેસમાં ડેન્ગ્યૂ અને પાણીજન્ય રોગના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. ચિકનગુનિયા ઓકેઝનલી સામે આવી રહ્યો છે. > ડો. હેમલ પરીખ, ફિઝિશિયન

SSGમાં 1980 દર્દીની ઓપીડી તાવ, શરદી-ખાંસીના દર્દી વધ્યાં
સયાજી હોસ્પિટલમાં આવેલા ઓપીડી વિભાગમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. બુધવારે 1980 દર્દીની ઓપીડી નોંધાઇ હતી. જે પૈકી મેડિસિનમાં 417 કેસ નોંધાયા હતા. જેમાં તાવ, શરદી, ખાંસી સહિતના દર્દીઓ નોંધાયા છે. જ્યારે મંગળવારે 338 કેસ નોંધાયા હતા. જેમાં તાવ, શરદી, ખાંસીના દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસથી ઓપીડીમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેમાંય સિઝનલ ફૂલ( વાયરલ)ના કેસો વધુ હોવાનું તબીબો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...