કંટાળો દૂર કરો:લોકડાઉનમાં વડોદરાવાસીઓનો નવો કિમિયો, ધાબેથી પતંગ ચગાવો ને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જાળવો

Vadodara2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંગલજ્યોત સોસાયટીના પરિવારો સાથે ટેરેસ પણ પતંગો ચગાવે છે
  • કારેલીબાગની મંગલજ્યોત સોસાયટીમાંથી ‘લપેટ-લપેટ..’ની બૂમો પડવા લાગતા આજુબાજુવાળા પણ ધાબે ચઢવા લાગ્યા
  • બપોરનો તડકો કૂણો થાય કે તુરત સોસાયટીના બધા બાળકો-મોટેરા-ઘરડાં ધાબે ચઢીને ઉત્તરાયણ જેવી મજા લે છે

જીતુ પંડ્યા. વડોદરા: કોરોના વાઈરસના 21 દિવસના લોકડાઉનને કારણે લોકો ઘરમાં કંટાળવા લાગ્યા છે. આવામાં શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી મંગલજ્યોત સોસાયટીના રહીશોએ કંટાળો દૂર કરવાનો અનોખો કિમિયો શોધી કાઢ્યો છે. સોસાયટીના તમામ લોકો રોજે તડકો કૂણો પડે એટલે સાંજે એક કલાક સુધી પતંગ ચગાવીને ફ્રેશ થઇ જાય છે. સાથે-સાથે દરેકજણ પોતાના ધાબે જ હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાઈ રહે છે અને લોકો કોરોના વાઈરસના વિચારોમાંથી મુક્ત થઇ જાય છે. ઉત્તરાયણ ન હોવા છતાં મંગલજ્યોત સોસાયટીના લોકોને પતંગો ચગાવતા જોઇને આસપાસની સોસાયટીના લોકો આશ્ચર્ય ચકિત થઇ ગયા. હવે તો બીજી સોસાયટીના લોકો પણ કંટાળો દૂર કરવા પતંગબાજીના રવાડે ચઢ્યા છે.
સોસાયટીના પ્રમુખે કહ્યુ: વોટ્સએપ ગૃપમાં પતંગ ચગાવવાનું નક્કી કર્યું
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી મંગલજ્યોત સોસાયટીના પ્રમુખ ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, કોરોના વાઈરસને વધતો અટકાવવા માટે રાજ્યભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનમાં દિવસ પસાર કરવો અમારા માટે મુશ્કેલ થઇ જાય છે. સોસાયટીમાં અમે ક્રિકેટ અને ફૂલ રેકેટ જેવી રમત પણ રમી શકતા નથી. ઘરની બહાર નીકળી શકાતું નથી. કોરોના વાઈરસને લિંકને તોડવા માટે ડિસ્ટન રાખવું જરૂરી છે. અમારી સોસાયટીના હરીશભાઇ, ગિરીશભાઇ, પુષ્પાબહેન અને મેહુલભાઇ સહિત સોસાયટીના સભ્યોનું વોટ્સએપ ગૃપ ચાલે છે. આ ગૃપમાં અમે લોકોએ મિટીંગ કરી હતી. જેમાં અમે પરિવારના 5થી 7 સાથે પોતાના ટેરેસ ઉપર પતંગ ચગાવવાનું નક્કી કર્યું છે.
સાંજે 4:30 વાગે પતંગો અને નાસ્તો લઇને ટેરેસ ઉપર પહોંચી જઇએ છીએ
સોસાયટીના રહીશો નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 3 દિવસથી અમે સાંજે 4:30 વાગે પતંગો અને નાસ્તો લઇને ટેરેસ ઉપર પહોંચી જઇએ છીએ. અમારા પરિવારના તમામ સભ્યો અમારી સાથે આવી જાય છે. અમે વારાફરથી પતંગો ચગાવીએ છીએ. જે લોકો ફ્રી હોય તે ટેરેસ ઉપર જ બેસી રહે છે. અને અમારી સોસાયટીનો ઉત્તરાયણનો આનંદ લે છે અને બાળકો પણ ટેરેસ પર જ રમે છે.
કોરોના વાઈરસના વિચારોમાંથી મુક્તિ મળી ગઇ છે
નીતિનભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, લોકડાઉનને કારણે દિવસ દરમિયાન ઘરના તમામ સભ્યો કંટાળી જતા હતા. સતત કોરોના વાઈરસના વિચારોમાં દિવસ પસાર થઇ જતો હતો. જેથી છેલ્લા 3 દિવસથી સાંજના સમયે પતંગો ચગાવવાનું શરૂ કર્યું છે, ત્યારથી કોરોના વાઈરસના વિચારોથી મુક્તિ મળી રહી છે. આ સાથે ટેરેસમાં સમય પસાર કરવાથી નવી એનર્જી મળે છે. મારી પત્ની અલ્પાબહેન, પિતા ડાહ્યાભાઇ અને બાળકો ફ્રેશ થઇ જાય છે. 
અમારી સોસાયટીમાં ફરીથી ઉત્તરાયણ આવી હોય તેવું લાગે છે
સોસાયટીના રહીશ પુષ્પાબહેન પટેલે જણાવ્યું હતું કે, કોરોના વાઈરસના ડર વચ્ચે અમે સાંજના સમયે ટેરેસ ઉપર જઇએ છે, ત્યારે કોરોનાના વિચારોમાંથી મુક્તી મળી જાય છે. અમારી સોસાયટીના 72 જેટલા લોકોને ટેરેસ ઉપર જોઇને મન પ્રફૂલ્લિત થઇ જાય છે. સાથે અમારી સોસાયટીના લોકો પોતાના ટેરેસ ઉપર પતંગ ચગાવીને આનંદ મેળવે છે, ત્યારે જાણે અમારી સોસાયટીમાં ફરીથી ઉત્તરાયણ આવી ગઇ હોય તેવું લાગી રહ્યું છે. સોસાયટીના દરેક વ્યક્તિ પોતાના ટેરેસ ઉપર જ હોવાથી શોશ્યલ ડિસ્ટન્સિંગ પણ જળવાઇ રહે છે. અને લોકોનો સમય પણ પસાર થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...