પાલિકાએ કામગીરી શરૂ કરી:વડોદરા પાસે મહી નદીમાં આવેલા પૂરના કારણે ચાર ફ્રેન્ચવેલ પાસે માટીનો ઢગલો થતાં શહેરમાં પાણીની સમસ્યા સર્જાઈ

વડોદરાએક મહિનો પહેલા
વડોદરા નજીક મહી નદી ખાતે આવેલા ફ્રેન્ચવેલની સ્થાયિ સમિતી ચેરમેન અને પાણી પુરવઠા અધિકારીએ મુલાકાત લીધી.
  • માટીના કારણે 15 MLD પાણી ઓછું મળી રહ્યુ છે

મહીસાગર નદી ખાતે રાયકા દોડકા ફ્રેન્ચવેલમાં મહી નદીમાં આવેલા પૂરને કારણે માટી અને રેતી આવી જવાના કારણે શહેરીજનોને પાણી ઓછું મળી રહ્યું છે. શહેરીજનોને પાણી માટે મુશ્કેલી ન પડે તે માટે આજે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલ અને પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર અમૃત મકવાણાએ સ્થળની મુલાકાત લીધી હતી અને ઝડપથી માટીનો કાંપ કાઢી વહેલી તકે પૂરતું પાણી વિતરણ થાય તે માટે કામગીરી કરવા જણાવ્યું હતું.

ઉત્તર અને પૂર્વ વિસ્તામાં પાણીની સમસ્યા
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મહી નદી સ્થિત પાણી પુરવઠાના ચાર ફ્રેન્ચ કૂવા પૈકી રાયકા અને દોડકા કૂવા ખાતે મહી નદીમાં આવેલા પૂરને કારણે માટી અને રેતી નું શિલ્ટિંગ થતાં જેના કારણે હાલ શહેરના ઉત્તર અને પૂર્વ વિસ્તારમાં લો પ્રેશરથી પાણી મળી રહ્યું છે. તાજેતરમાં ભારે વરસાદ થવાના કારણે કડાણા ડેમમાંથી મહી નદીમાં પાણી છોડવામાં આવતા મહી નદીમાં પૂર આવ્યું હતું. પૂરની સાથે માટી તણાઇને આવતા કોર્પોરેશનના ચાર ફ્રેન્ચ કૂવા પૈકી રાયકા-દોડકા કૂવા પાસે માટીનો જમાવડો થયો છે. જેના લીધે કૂવાના રેડિયલમાં 15 એમએલડી જેટલું પાણી ઓછું પ્રાપ્ત થઇ રહ્યું છે.

પાણીની સર્જાયેલી સમસ્યા અંગેનો અભ્યાસ કરતા ચેરમેન.
પાણીની સર્જાયેલી સમસ્યા અંગેનો અભ્યાસ કરતા ચેરમેન.

કોમ્પ્રેસર મારી માટીની સફાઇ
જો કે કોર્પોરેશન દ્વારા ફૂવાના રેડિયલમાં માટી ભરાઇ ન જાય તે માટે વાલ્વ બંધ કરવામાં આવ્યા હતા. આમ છતાં ભારે પૂરના લીધે માટી જામ થઇ છે. આવું સામાન્ય રીતે બનતું જ હોય છે. આમ થવાના લીધે રોજની સરખામણીએ પાણી ઓછું મળી રહ્યું છે. હાલ કોર્પોરેશનના પાણી પુરવઠા શાખા દ્વારા કામ ચલાવ ધોરણે કોમ્પ્રેસર મારીને માટીની સફાઇ કામગીરી શરૂ કરી છે. રાયકા અને દોડકા ખાતેથી શહેરની પૂર્વ ઉતર વિસ્તારની ટાંકીઓમાં પાણી વિતરણ કરાય છે. જોકે દર ચોમાસા પછી ફ્રેચ કૂવાઓમાં માટી અને કાંપનો ભરાવો થતા કોર્પોરેશન દ્વારા સફાઇ કામગીરી હાથ ધરવી પડે છે. હાલ જે ટેમ્પરરી કામગીરી થઇ રહી છે, તે એક અઠવાડિયા સુધી ચાલશે. ચોમાસુ પૂર્ણ થયા બાદ કુવાની પૂર્ણપણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...