મેઘ કહેર:વડોદરા પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં પૂર, ડભોઇના 8 ગામો સંપર્ક વિહોણા, જાંબુવા નદીના પાણી પુલ ઉપર ફરી વળ્યા

વડોદરા3 મહિનો પહેલા
જાંબુવા નદીના પાણી પુલ ઉપર ફરી વળ્યા છે. - Divya Bhaskar
જાંબુવા નદીના પાણી પુલ ઉપર ફરી વળ્યા છે.
  • ઢાઢર નદી ગાંડીતૂર બનતા ડભોઇ તાલુકાના 8 ગામોને સંતર્ક કરાયા
  • આજવા સરોવરમાં પાણીની આવક વધી, સપાટી 208 ફૂટે પહોંચી
  • જિલ્લા કલેક્ટર દ્વારા તંત્રને એલર્ટ કરવામાં આવ્યુ

વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં થયેલા ભારે વરસાદને પગલે વડોદરા નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં પૂરની સ્થિતી સર્જાઇ છે. જાંબુવા નદી ઉપરના પુલ ઉપર પાણી ફરી વળતા સાત ગામોને અસર પહોંચી છે. તો બીજી બાજુ ઢાઢર નદી ગાંડીતૂર બનતા કિનારાના ડભોઇ તાલુકાના 8 ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. વડોદરાને પાણી પૂરું પાડતા આજવા સરોવરમાં પાણીની આવક વધતા સપાટી 208 ઉપર પહોંચી છે. વડોદરા જિલ્લા માટેના ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ફ્લડ રિસ્પોન્સ એક્શન પ્લાન-2022 બનાવવામાં આવ્યો છે.

ઢાઢર નદી ગાંડીતૂર બની છે.
ઢાઢર નદી ગાંડીતૂર બની છે.

છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ થતાં ઢાઢર નદી ગાંડીતૂર બની
છોટાઉદેપુર જિલ્લામાં 8થી 22 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર જિલ્લો જળમગ્ન બની ગયો છે. ચારે બાજુ પાણી પાણી થઇ ગયો છે. નદી-નાળા છલકાઇ ગયા છે. વડોદરા સુધી આવતી ઢાઢર નદીમાં પૂરની સ્થિતી સર્જાતા વડોદરા જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. વડોદરા નજીકથી પસાર થતી જાંબુવા નદીના પાણી રસ્તા ઉપર ફરી વળતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. નદીના પાણી પુલ ઉપરથી વહેવાનું શરૂ થતાં આસપાસના સાત ગામોને અસર પહોંચી છે. નદી કિનારાની આસપાસમાં આવેલા ખેતરમાં પણ પૂરના પાણી ફરી વળ્યા હોવાના અહેવાલો મળ્યા છે. ખેતરો તળાવોમાં ફેરવાઇ ગયા છે.

નદીમાં આવેલા પૂરના પાણી જોવા ગામ લોકો ઉમટ્યા
નદીમાં આવેલા પૂરના પાણી જોવા ગામ લોકો ઉમટ્યા

તલાટીઓને ગામ ન છોડવા જિલ્લા કલેક્ટરનો આદેશ
આ ઉપરાંત ઢાઢર નદીના કિનારે આવેલા ડભોઇ તાલુકાના લુણાદરા, કબીરપુરા, અમરેશ્વર, બંબોજ વસાહત સહિતના ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ તમામ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ગામના તલાટીઓને બીજો સંદેશો આપવામાં ન આવે ત્યાં સુધી ગામ ન છોડવા આદેશ જારી કરી દેવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં થયેલા ભારે વરસાદને પગલે વડોદરા જિલ્લામાં પણ થઇ રહેલી અસરના પગલે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. હાલ છોટાઉદેપુર જિલ્લામાં અને વડોદરા જિલ્લામાં વરસાદ બંધ હોવાથી તંત્રએ રાહત અનુભવી છે.

વડોદરા જિલ્લાને નર્મદા, મહિસાગર, ઢાઢર, વિશ્વામિત્રી, દેવ નદીનું જોખમ
વડોદરા જિલ્લા માટેના ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ફ્લડ રિસ્પોન્સ એક્શન પ્લાન ૨૦૨૨ બનાવવામાં આવ્યો છે. આ પ્લાનમાં જણાવ્યા પ્રમાણે વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને ચોમાસામાં અસર કરતી મુખ્ય મોટી અને બારમાસી નદીઓ નર્મદા અને મહી છે. આ ઉપરાંત ઓરસંગ પણ પ્રભાવ પાડે છે.જ્યારે ઢાઢર,વિશ્વામિત્રી, દેવ જેવી નદીઓ છે જે બારમાસી નથી પણ બંધ કે સરોવરમાંથી અને ઉપવાસથી પાણીની ભારે આવક થતાં ચોમાસામાં એકાદવાર તો ચિંતા ઊભી કરે જ છે. આજવા અને પ્રતાપપુરા ઉપરાંત કેટલાક સિંચાઇ તળાવો અને ગામ તળાવો પણ છે જેની સપાટીનું ધ્યાન રાખવું પડે છે. જ્યારે નર્મદા ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું હોય ત્યારે ગરુડેશ્વરના પૂલ પર પાણીની સપાટી અને મહી નદી પરના વણાકબોરી આડબંધમાં થી છોડવામાં આવતા પાણીની અસરની શક્યતાઓ અનુસાર બચાવ અને રાહતનું આયોજન કરવું પડે છે.

વીજળી અને વાદળ ગરજતા હોય ત્યારે ઝાડ નીચે ઉભા ન રહેવા સૂચના
ડી.પી.ઓ. બંતિશકુમાર પરમારે ગ્રામ વિસ્તારના લોકોને પણ વરસાદી પાણી ભરાયાં હોય તેમાં ઉતરવાનું જોખમ ન ખેડવા,ચોમાસામાં નદીઓના કાંઠે રોકાણ ન કરવા અને ઢોર ઢાંખરને પાણી પીવડાવતી વખતે સપાટી વધતી ન હોવાની ખાત્રી કરવા,વીજ પ્રસ્થાપનોથી સલામત અંતર જાળવવા અને આકાશમાં વીજળી અને વાદળ ગરજતા હોય ત્યારે વૃક્ષ નીચે આશ્રય ન લેવા જેવી તકેદારીઓ પાળીને સહયોગ આપવા અનુરોધ કર્યો છે.

જળાશયભયજનક સપાટીહાલની સપાટી
નર્મદા ડેમ138.68 મીટર115.54 મીટર
દેવ ડેમ87.47 મીટર90.15 મીટર
વઢવાણા તવ55.63 મીટર52.70 મીટર
મહી વીયર14 મીટર8.70 મીટર
વિશ્વામિત્રી26 ફૂટ6 ફૂટ
આજવા સરોવર214 ફૂટ208 ફૂટ
પ્રતાપપુરા સરોવર229.50 ફૂટ
પાનમ ડેમ127.41 મીટર119.25 મીટર
કડાણા જળાશય127.71 મીટર115.90 મીટર
ગોલ્ડન બ્રિજ7.15 મીટર02 મીટર
ગરુડેશ્વર બ્રિજ31.09 મીટર15.10 મીટર
વણાકબોરી જળાશય71.93 મીટર219 ફૂટ
ઢાઢર નદી35.25 મીટર