હલ્લાબોલ:પાણીની સમસ્યા નિવારો, નહિ તો કાઉન્સિલરો ગુમ થયાનાં પોસ્ટર લગાવીશું

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
શહેરના વહીવટી વોર્ડ નં-5ની કચેરી ખાતે મંગળવારના રોજ સવારે પૂર્વ વિસ્તારની મહિલાઓએ હલ્લાબોલ કરી ઉગ્ર રજૂઆતો કરી હતી. - Divya Bhaskar
શહેરના વહીવટી વોર્ડ નં-5ની કચેરી ખાતે મંગળવારના રોજ સવારે પૂર્વ વિસ્તારની મહિલાઓએ હલ્લાબોલ કરી ઉગ્ર રજૂઆતો કરી હતી.

શહેરના પૂર્વ વિસ્તારમાં વર્ષોથી પાણીની સમસ્યા કાયમી બની ગઇ છે. વોર્ડ 5માં આવતા કિશનવાડી વિસ્તારના જલારામ ચોકના રહીશો છેલ્લા ત્રણ મહિનાથી પાણીની સમસ્યા ભોગવી રહ્યા છે. જેને પગલે કંટાળેલી મહિલાઓએ વોર્ડ 5ની કચેરી ખાતે ઘસી જઈ અધિકારીને ઉગ્ર રજુઆત કરી હતી. વર્ષ 2019માં શહેરના પૂર્વ વિસ્તારના 6 લાખ લોકોને સતત 6 મહિના સુધી ગંદુ પાણી પીવાનો વારો આવ્યો હતો. જોકે કાર્યવાહી બાદ પણ હજી અનેક વિસ્તારમાં ગંદુ અને ઓછા પ્રેશરથી પાણી આવતું હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે. વોર્ડ 5માં આવતા કિશનવાડી વિસ્તારના જલારામ ચોકમાં છેલ્લા ઘણા મહિનાથી પાણીની ભારે સમસ્યા સર્જાઈ છે.

સ્થાનિક લોકોએ વિસ્તારના કાઉન્સીલરો અને વોર્ડ કચેરીના અધિકારીઓને અરજી કરી છે. તદુપરાંત પાલિકામાં પહોંચીને પણ રજૂઆત કરી છે. જોકે તેમ છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે પાણીના ત્રાસથી કંટાળેલા લોકો મોરચો લઈ વોર્ડ 5ની કચેરી ખાતે પહોંચ્યા હતા.

મહિલાઓએ કચેરી બહાર બેસીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને ત્યારબાદ કચેરીમાં પહોંચી અધિકારીનો ઘેરાવો કર્યો હતો. મહિલાઓએ ભારે સૂત્રોચાર સાથે કરી પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી હતી. સ્થાનિક લોકોએ ચીમકી આપતા જણાવ્યુ હતું કે, જો સમસ્યાનો ઉકેલ નહિ આવે તો કાઉન્સીલર ડૉ.હિતેન્દ્ર પટેલ, નૈતિક શાહ, પ્રફુલ્લા જેઠવા અને તેજલ વ્યાસ ગુમ થયા છે તેવા બેનરો લગાવીશું. સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગંદા પાણીની સમસ્યાને પગલે ત્યાં સમારકામ ચાલી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...