અકસ્માત:વડોદરાના માંજલપુરમાં કાર ચાલકે રસ્તા પર બેઠેલા પરિવારને અડફેટે લીધું, પાંચ વર્ષના બાળકનું મોત

વડોદરાએક મહિનો પહેલા
બનાવને પગલે દોડી આવેલા એક લોકોએ કાર ચાલકને ઝડપી પાડી પોલીસ હવાલે કર્યો.
  • ઘર નજીક રસ્તા પર ખાટલો ઢાળી બેઠેલા પરિવારને ઈજા પહોંચી

વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનની સામે મોડી સાંજે અલ્ટો કારના ચલાકે એક્સિડન્ટ સર્જ્યું હતું. રોડની બાજુમાં ખાટલા ઉપર બેઠેલા શ્રમજીવી પરિવારની એક મહિલા સહિત બે બાળકોને અડફેટે લેતા પાંચ વર્ષના બાળકનું સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે આઠ માસના બાળક તથા મહિલાને ગંભીર ઈજાઓ થતા સયાજી હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. આ બનાવને પગલે દોડી આવેલા એક લોકોએ કાર ચાલકને ઝડપી પાડી પોલીસ હવાલે કર્યો હતો.

ખાટલો ઢાળીને બેઠા હતા
મળેલી માહિતી મુજબ વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનની સામે શ્રમજીવી પરિવાર કમલેશ વસુનિયા પરિવાર સાથે રહે છે. કમલેશ વસુનિયાને તેની બહેન લલીતાબહેન મળવા માટે આવી હતી. કમલેશ વસુનિયાના બે બાળકો અર્પિત વસુનિયા (ઉંમર વર્ષ 5 )તથા પુત્રી શિવાની (ઉંમર 8 માસ) સાંજના સમયે રોડની બાજુમાં ખાટલો ઢાળીને ફોઈ સાથે બેઠા હતા.

પુરપાટ ઝડપી ગાડી આવી
દરમિયાન, પુરપાટ પસાર થઇ રહેલી અલ્ટો કારના ચાલકે રોડની બાજુમાં ઢાળેલા ખાટલાને અડફેટે લેતા ખાટલા માં બેઠેલા બે માસૂમ બાળકો અર્પિત વસુનિયા તથા બાળકી શિવાની તેમજ લલીતાબેન ખાટલા સાથે ફંગોળાઇ ગયા હતા. આ બનાવમાં બાળક અર્પિત વસુનિયાને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળ પરજ મોત નિપજયુ હતું. જ્યારે નાની બાળકી શિવાની અને લલિતાબેનને નાની મોટી ઈજાઓ થઇ હતી.

ચાલકને પોલીસ હવાલે કર્યો
આ બનાવને પગલે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા અને આ શ્રમજીવી પરિવારને અડફેટે લેનાર કાર ચાલકને ઝડપી પાડી પોલીસ હવાલે કર્યો હતો. દરમિયાન બનાવની જાણ માંજલપુર પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને કારચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી સાથે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બંનેની હાલત નાજુક હોવાનું તબીબ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.