જુગારધામ પર દરોડો:જુગાર રમતા પાંચ પકડાયા, બે તળાવમાં કૂદી પડ્યા,એકનું મોત

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગોત્રી વિસ્તારમાં જુગારધામ પર દરોડો પડતાં નાસભાગ
  • તળાવમાં કૂદેલો અક તરીને નીકળી ગયો, બીજો ડૂબી ગયો

શહેરના ગોત્રી વિસ્તારમાં તળાવ પાસે જુગાર રમતાં યુવકોના જુગારધામ પર ગોત્રી પોલીસે દરોડો પાડયો હતો પણ પોલીસને જોઇને તળાવમાં કૂદી પડેલા બે ખેલી પૈકી મોન્ટુ હરીશ સોલંકી (ઉ.24, શિવાલય હાઈટસ, ગોત્રી)નું મોત નિપજયું હતું જયારે અન્ય એક ખેલી તરીને તળાવમાંથી બહાર નીકળી ગયો હતો,ગોત્રી પોલીસે બાકીના છ ખેલી યુવકોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

ગોત્રી તળાવ પાસે સ્મશાન પાસે આવેલા દશામાના મંદિર પાસે કેટલાક યુવાનો જુગાર રમી રહ્યા છે તેવી બાતમી મળતા ગોત્રી પોસઇ બારેયા ટીમ સાથે પહોંચ્યા હતા. જયાં પોલીસની ગાડી જોઈને જુગારીયાઓમાં નાસભાગ મચી ી ગઇ હતી. પોલીસે કોર્ડન કરીને પાંચ જુગારિયાને પોલીસે પકડી પાડયા હતા. જયારે પોલીસથી બચવા સચીન લીંબાચીયા અને મોન્ટુ હરીશ સોલંકી નજીકના તળાવમાં કૂદી પડયા હતા.જે પૈકી સચીન તરીને નીકળી ગયો હતો જયારે મોન્ટુ પાણીમાં ડૂબી જતાં તેનું મોત થયું હતું. મોન્ટુ બાન્કો કંપનીમાં નોકરી કરતો હતો એમ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

મોન્ટુના મૃતદેહને પોસ્ટમોટર્મ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી અપાયો હતો. સચીન ઉપરાંત દિવ્યેશ લક્ષ્મણ પરમાર, ઉમેશ અશોક મકવાણા, રસીક ચીમન ચૌહાણ (ત્રણેવ લક્ષ્મીપુરા), સંજય રવજી પટેલ (રહે. સેવાસી) અને મેહુલ ત્રિભુવન પઢીયાર (રહે.બીલ)ની રૂા.3270ના મુદામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ અંગેની તપાસ પીએસઆઇ એમ.એસ. પટેલિયાને સોંપવામાં આવી છે.

સચીન અને મોન્ટુ જુગાર રમતા ન હતા,માત્ર જોવા માટે ઊભા રહ્યા હતા?
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘ સચીને જણાવ્યું હતું કે તે અને મોન્ટુ જુગાર રમતાં ન હતા પણ બંનેે જુગાર રમતા યુવકો સાથે ઉભા હતા પણ પોલીસની રેઇડ પડી એટલે તેમને ભાગવું પડયું હતું જો કે પોલીસ આ બાબતે ગહન તપાસ કરી રહી છે.

અગાઉ પણ આ પ્રકારના બનાવોમાં પોલીસ સામે ગુનો દાખલ થયો હતો
અગાઉ શહેરના નાગરવાડા વિસ્તારમાં આ પ્રકારે પોલીસે જુગારધામ પર રેઇડ કરી હતી ત્યારે એક જુગારીયો ઉપરથી કૂદીને ભાગવા જતાં ઘાયલ થયો હતો ત્યારબાદ સારવાર દરમિયાન તેનું મોત નિપજયું હતું, આ ઉપરાંત અટલાદરા વિસ્તારમાં પણ પોલીસ રેઇડથી બચવા જતાં એક યુવકે ઉપરના માળથી ભુસકો મારતાં તેનું મોત નિપજયું હતું.

અન્ય સમાચારો પણ છે...