પોલી ટેક્નિક:પ્રથમ સત્ર માત્ર 21 દિવસનું, બીજું સત્ર ચૂંટણી પછી !

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ધો.10નું પરિણામ સમયસર આવવા છતાં પોલીટેક્નિકમાં પ્રવેશમાં વિલંબ
  • દિવાળી પછી પોલી. કેમ્પસનો ઉપયોગ વિધાનસભાની ચૂંટણી માટે થશે

એમ. એસ. યુનિવર્સિટીની પોલીટેકનીક કોલેજમાં પ્રથમ વર્ષની શરૂઆત થઇ છે. નવરાત્રીથી શરૂ થયેલું સત્ર માત્ર 3 સપ્તાહ ચાલશે બાદમાં દિવાળી વેકેશન બાદ શરૂ થશે. જોકે દિવાળી પછી વિધાનસભાની ચૂંટણી હોવાથી પોલીટેકનીક કેમ્પસ ચૂંટણી વિભાગ ઉપયોગમાં લેવાનું હોવાથી ડિસેમ્બર અંતમાં જ સત્ર શરૂ થાય તેવી શકયતાઓ છે.

યુનિવર્સિટીની પોલીટેકનીક કોલેજ ખાતે ડિપ્લોમાના પ્રથમ વર્ષનો અભ્યાસ શરૂ કરી દેવામાં આવ્યો છે. ધોરણ 10નું પરિણામ આવ્યા પછી ડિપ્લોમાની પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ કરવામાં આવ્યો હતો. જેના કારણે જૂનમાં પરિણામ આવ્યું હોવા છતાં છેક સપ્ટેમ્બર મહિનાના અંતમાં પ્રવેશ પ્રક્રિયા પૂરી થઇને સત્ર શરૂ થયું હતું. વડોદરા પોલીટેકનીક કોલેજમાં નવરાત્રીના પ્રથમ દિવસથી જ સત્રની શરૂઆત થઇ હતી. જોકે 17 ઓકટોમ્બરથી દિવાળી વેકેશનની શરૂઆત થવાની છે જેના પગલે માત્ર 3 સપ્તાહ સુધી જ પોલીટેકનીકના પ્રથમ વર્ષાન વિદ્યાર્થીઓનું સત્ર ચાલશે.

દિવાળી બાદ સત્ર શરૂ થાય તેવી શકયતાઓ ઓછી છે. ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ હોવાથી દર વખતની જેમ આ વખતે પણ ચૂંટણી વિભાગ દ્વારા પોલીટેકનીક કેમ્પસ પોતાના હસ્તક ચૂંટણી લક્ષી કામગીરી માટે લઇ લેવામાં આવશે. જેના કારણે દિવાળી પછી સત્ર શરૂ થઇ શકશે નહિ. વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થાય અને તેના પરિણામ જાહેર થઇ ગયા પછી તમામ પ્રક્રિયા પૂરી થાય ત્યારે કેમ્પસ પોલીટેકનીક સત્તાધીશોને પરત સોંપવામાં આવશે.

જેથી ડિસેમ્બર મહિનાના અંતમાં અથવા તો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં સત્ર શરૂ થાય તેવી શકયતાઓ છે. માત્ર પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ જ નહિ પરંતુ એસવાય અને ટીવાયના વિદ્યાર્થીઓનું સત્ર પણ નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં ચૂંટણીઓના પગલે થઇ શકશે નહિ. આ વિદ્યાર્થીઓના પણ એક મહિના જેટલો સમય અભ્યાસનો બગડશે.

કોરોનાને કારણે 2 વર્ષ વિલંબ થયો હતો
આ વર્ષે બોર્ડના પરિણામો સમયસર આપી દેવામાં આવ્યા હતા. છેલ્લા બે વર્ષમાં કોરોના કાળના પગલે સત્રમાં વિલંબ થયો હતો અને વિદ્યાર્થીઓને લર્નીંગ લોસ થયો હતો. જેથી આ વર્ષે પરિણામો સમયસર આપવામાં આવ્યા હતા પણ તેમ છતાં પ્રવેશ પ્રક્રિયા સમયસર પૂરી કરી શકાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...