વડોદરાની યુવતીનું હિમાલય ભ્રમણ:પહેલા 6500 મીટર ઊંચું શીખર સર કર્યું, પછી તુરંત જ હિમાલયના વિવિધ ઘાટોમાં 600 કિ.મી. સાઇકલિંગ કર્યું

વડોદરા24 દિવસ પહેલા
વડોદરાની નીશા કુમારી.

વડોદરાની સાહસથી સિદ્ધિનો સંકલ્પ ધરાવતી યુવતી નીશાકુમારી હાલમાં એવરેસ્ટ આરોહણનો મહા સંકલ્પ રાખીને હિમાલયના બર્ફિલા અને અઘરાં પહાડોમાં સાહસ યાત્રા કરી રહી છે. હાલમાં તેણે એક બેવડું સાહસ કર્યું, જેમાં નીશાએ પહેલા તો 6500 મીટર ઊંચા અને બરફથી છવાયેલા માઉન્ટનના શિખર સુધી આરોહણ કર્યું અને તે પછી આરામ કર્યાં કે થાક્યા વગર હિમાલયના વિવિધ ઘાટોમાં 600 કિમીની સાઇકલ યાત્રા કરી.

પહાડી ઘાટોમાં સાયકલિંગનું બેક ટુ બેક અભિયાન કસોટી કરનારું
પર્વતનું આરોહણ અને તે પછી તુરંત જ વિકટ પહાડી ઘાટોમાં સાઇકલિંગનું બેક ટુ બેક અભિયાન કસોટી કરનારું હોય છે એવી લાગણી વ્યક્ત કરતાં તેના માર્ગદર્શક નિલેશ બારોટે જણાવ્યું હતું કે, હિમાલયના સર્વોચ્ચ શિખરને સર કરવા પહેલા તો શરીરને ખૂબ કસવું પડે અને પળે પળ બદલાતા વાતાવરણની ઝીંક ઝીલવાની શરીરને ટેવ પાડવી પડે જેના ભાગ રૂપે આ સાહસ યાત્રા તેણે કરી છે.

નીશા કુમારીએ લેહના માર્ગે સાઇકલિંગ કર્યું.
નીશા કુમારીએ લેહના માર્ગે સાઇકલિંગ કર્યું.

9 દિવસમાં 600 કિ.મી.ની સાયકલ યાત્રા
આ અભિયાન હેઠળ નીશાએ મનાલી થી શરૂ કરીને લેહના માર્ગે વિવિધ 6 ઘાટો( પાસ) જે પાસના નામે ઓળખાય છે અને વિવિધ ઉંચાઈઓ પર આવેલા છે. ત્યાં 9 દિવસમાં 600 કિમીની સાઇકલ યાત્રા કરી છે. આ એવી જગ્યાઓ છે જ્યાં વ્યાપક અને અટપટું ચઢાણ ઉતરાણ કરવું પડે છે. બર્ફીલા તેજ પવનો અને વાતાવરણની વિષમતા શરીર અને મનોબળની કપરી પરીક્ષા લે છે. એનું લક્ષ્ય છેક ચીનની ભાગોળે આવેલા ઉમલિંગ્લા પાસ સુધી જવાનું હતું. જો કે સરહદી સુરક્ષાની મર્યાદાના લીધે તે શક્ય ના બન્યું. અગાઉ પણ તેણે આ વિસ્તારના ઘાટોમાં વિકટ સાઇકલ યાત્રા કરી છે.

નિશા કહે છે કે આ મારી એવરેસ્ટ ચઢવાની પૂર્વ તૈયારી છે.ખૂબ ખડતલ શરીર અને મન તેના માટે જરૂરી છે.આ પ્રકારના અભિયાનથી હું એ કેળવી રહી છું.