ગુજરાતમાં લવ-જેહાદનો પહેલો કેસ:વડોદરામાં વિધર્મી યુવાને ખ્રિસ્તી નામ ધારણ કરીને હિન્દુ યુવતીને ફસાવી ધર્મપરિવર્તન કરાવ્યું, દુષ્કર્મ કરીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

વડોદરા4 મહિનો પહેલા
  • ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં લવ-જેહાદનો કાયદો 15મી જૂનથી અમલી બન્યો છે
  • સોશિયલ મીડિયાના માધ્યમથી હિન્દુ યુવતી સાથે મિત્રતા કરીને બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો
  • વિધર્મી યુવકે યુવતીની મરજી વિરુદ્ધ બે વખત ગર્ભપાત પણ કરાવ્યો હતો

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ લાગુ કરાયાના ત્રણ દિવસ બાદ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં પ્રથમ કેસ નોંધાયો છે. મુસ્લિમ યુવકે ખ્રિસ્તી હોવાનું જણાવી મિત્રતા બાંધી હિન્દુ યુવતી સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધીને તેની સાથે નિકાહ પઢ્યા હતા. ત્યાર બાદ મારઝૂડ કરીને તેના જાતિવિષયક અપશબ્દો બોલતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

કાયદો લાગુ કરાયાના 3 દિવસ બાદ આજે વડોદરામાં પ્રથમ કેસ નોંધાયો
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધર્મી યુવાનો દ્વારા પટાવી, ફોસલાવીને ધર્માંતરણ કરવાના કિસ્સાઓમાં વધારો નોંધાતાં કાયદો બનાવવાની માગ ઊઠી હતી. આખરે રાજ્ય સરકારે ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ-2021નો કાયદો ઘડ્યો હતો અને 15 જૂનથી લાગુ કરવામાં આવ્યો હતો. નવો કાયદો લાગુ કરાયાના ત્રણ દિવસ બાદ આજે વડોદરામાં પ્રથમ કેસ નોંધાયો હતો.

સોશિયલ મીડિયાના માધ્યમથી હિન્દુ યુવતી સાથે મિત્રતા કરીને બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો.
સોશિયલ મીડિયાના માધ્યમથી હિન્દુ યુવતી સાથે મિત્રતા કરીને બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો.

યુવાને યુવતી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું
ઝોન-2ના DCP જયવીરસિહ વાળાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં રહેતા સમીર અબ્દુલ કુરેશીએ ખ્રિસ્તી નામ માર્ટિન સેમ ધારણ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી હિન્દુ યુવતી સાથે મિત્રતા કરી હતી અને પોતે તેની સાથે લગ્ન કરશે, એવું જણાવી વિશ્વાસ કેળવીને યુવતી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધીને દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ યુવાને યુવતી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. તેણે યુવતીની જાણબહાર તેના નગ્ન ફોટા પણ પાડી લીધા હતા.

યુવકે યુવતીની મરજી વિરુદ્ધ બે વખત ગર્ભપાત પણ કરાવ્યો
યુવકે યુવતીના નગ્ન ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની ધમકી આપીને તેની સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. દરમિયાન યુવતી બે વખત ગર્ભવતી પણ થઇ હતી. યુવતીને પ્રથમ વખત બે માસનો ગર્ભ રહી જતાં મેડિકલ સ્ટોરમાંથી એની દવા લાવીને તેની મરજી વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યો હતો. ત્યાર બાદ ફરી એક વખત યુવતીને પાંચ માસનો ગર્ભ રહી જતાં ડોક્ટર પાસે યુવતીની મરજી વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યો હતો.

ઝોન-2ના DCP જયવીરસિહ વાળા.
ઝોન-2ના DCP જયવીરસિહ વાળા.

યુવકે બળજબરીપૂર્વક યુવતી સાથે નિકાહ પઢ્યા હતા
ઘટના બાદ મુસ્લિમ યુવકે યુવતીને કલ્યાણનગર ગોસિયા મસ્જિદ ખાતે લઇ જઇ યુવતીનું હિન્દુ નામ રાખવાને બદલે તેનું મુસ્લિમ નામ રાખીને બળજબરીપૂર્વક નિકાહ પઢ્યા હતા અને તેનું ધર્મપરિવર્તન કરાવ્યું હતું. ત્યાર બાદ યુવતીને મુસ્લિમ ધર્મ પાળવા માટે દબાણ કરવામાં આવતું હતું તથા તેનાં માતા-પિતાને જાતિવિષયક ગાળો આપીને તેની સાથે મેરેજ રજિસ્ટર્ડ કરાવ્યું હતું.

યુવતીએ યુવક સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
આટલેથી નહીં અટકતાં યુવકે સાસરીમાં રહેવા ગયેલી યુવતીને મારીને તું અમારા માટે બની જ નથી, એમ જણાવી ત્રાસ ગુજાર્યો હતો. આખરે સમગ્ર મામલે યુવતીએ યુવક વિરુદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગોત્રી પોલીસે યુવક સામે બળાત્કાર તથા એટ્રોસિટી એક્ટ અને ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ-2021ની કલમો અંતર્ગત ગુનો નોંધીને તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગોત્રી પોલીસ સ્ટેશન.
ગોત્રી પોલીસ સ્ટેશન.

ગુજરાતમાં લવ-જેહાદ કાયદો 15મી જૂનથી અમલી બન્યો
ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ બહુચર્ચિત લવ-જેહાદ કાયદો 15મી જૂનથી અમલી બન્યો છે. આ કાયદાની મુખ્ય જોગવાઇ મુજબ હવે કોઇપણ વ્યક્તિ લગ્નની લાલચે ધર્મપરિવર્તન કરાવશે અને એ હેતુથી લગ્ન કરશે તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે.

ધર્મપરિવર્તન પહેલાં જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડશે
માત્ર ધર્મપરિવર્તનના હેતુથી કરેલા લગ્નના કિસ્સામાં આવા લગ્ન ફેમિલી કોર્ટ અથવા ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે. સાબિત કરવાનો ભાર પણ આરોપી અને તેના સહાયકો પર રહેશે. આરોપીને 3થી 5 વર્ષની કેદ અને 2 લાખ કે તેથી વધુના દંડની જોગવાઇ કાયદામાં કરાઇ છે. ભોગ બનેલી યુવતી અથવા તેનાં માતા-પિતા, લોહીની સગાઇ ધરાવતાં પરિવારજનો પણ આવા ધર્મપરિવર્તન તેમજ લગ્ન સામે એફઆઇઆર દાખલ કરાવી શકશે. આ પ્રકારની પ્રવૃત્તિમાં સંકળાયેલી તેમજ જોગવાઇઓનું પાલન ન કરનારી સંસ્થાનું રજિસ્ટ્રેશન રદ કરવા ઉપરાંત 3થી 10 વર્ષની સજા તેમજ 5 લાખ સુધીનો દંડ થશે. આ પ્રકારના ગુનામાં ડીવાયએસપીથી ઊતરતી કક્ષાના અધિકારી દ્વારા તપાસ કરી શકાશે નહીં. ધર્મપરિવર્તનની વિધિ કરાવનારે જિલ્લા મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી લેવી પડશે.

5 વર્ષ સુધીની સજા અને રૂ. 2 લાખ સુધી દંડની જોગવાઈ
ગુજરાત સરકારે આ કાયદામાં 5 વર્ષ સુધીની સજા અને રૂ.2 લાખ સુધીના દંડની, જ્યારે સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધીની સજા અને રૂ.3 લાખ દંડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષની જોગવાઈ કરાઇ છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે લવ-જેહાદ ઉપરાંત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) વિધેયકને પણ મંજૂરી અપાઈ છે.