દુર્ઘટના:છાણીમાં ઝૂંપડાનો કાટમાળ હટાવાય તે પહેલાં જ આગ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
છાણીમાં દબાણો હટાવ્યા બાદ કાટમાળમાં ભેદી રીતે આગ લાગી હતી. - Divya Bhaskar
છાણીમાં દબાણો હટાવ્યા બાદ કાટમાળમાં ભેદી રીતે આગ લાગી હતી.
  • દબાણ શાખાની ભૂમિકા શંકાસ્પદ હોવાનો રહીશોનો અાક્ષેપ
  • પથ્થરમારો થતાં જેસીબીના કાચ તૂટ્યા : અાગમાં સામાન ખાખ

છાણીમાં શુક્રવારે તોડેલા ઝુંપડાનો કાટમાળ શનિવારે ખસેડાય તે પૂર્વે જ આગ લાગી હતી. આ આગ પાલિકાની દબાણ શાખા એ લગાવી હોવાનો આક્ષેપ રહીશોઅે કર્યો હતો. એક તબક્કે,પથ્થરમારો થતા પાલિકાના જેસીબીના કાચ પણ તૂટ્યા હતા .શહેરના છાણી ટી પી13 પાસેના સોમેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં 20 જેટલા પરિવારો કાચા-પાકા ઝૂંપડા બનાવીને વર્ષોથી રહતા હતા.પાલિકાની દબાણ શાખા દ્વારા ઝૂંપડાવાસીઓને ઝૂંપડાઓ ખાલી કરવા માટે અગાઉ નોટિસો આપવામાં આવી હતી. પરંતુ, ઝૂંપડાવાસીઓએ ઝૂંપડા ખાલી કર્યા ન કરતા શુક્રવારે દબાણ શાખાએ પોલીસ બંદોબસ્ત સાથે ઝૂંપડા તોડી પાડયા હતા.

દરમિયાન શુક્રવારે તોડી પાડેલા દબાણોનો શનિવારે પાલિકા ત્યાંથી કાટમાળ હટાવે તે પૂર્વે જ ભેદી સંજોગોમાં આગ લાગી હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જેને પગલે દોડી આવેલા લાશ્કરોએ પાણી મારો ચલાવી આગને કાબૂમાં લઇ લીધી હતી. આગમાં કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ, આગમાં ઝૂંપડાવાસીઓનો માલસામાન બળીને ખાક થઇ ગયો હતો.એક તબક્કે, એક ઝૂંપડામાં ચલણી નોટો બળીને ખાખ થઈ ગઈ હોવાની વાત વહેતી થઈ હતી. સામાન ખાખ થતાં બેઘર બનેલા રહીશોમાં ભારે રોષ ફેલાયો હતો.

દબાણ શાખાઅે અાગ લગાડી : રહીશો
વર્ષોથી રહેતા રહીશોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પાલિકાની દબાણ શાખા દ્વારા ઝૂંપડાઓમાં આગ લગાડીને અમોને બેઘર કરાયા છે. હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે અને તેમાં પણ બે દિવસથી વરસાદ પણ પડી રહ્યો છે ત્યારે અમો ગરીબ લોકો ક્યાં જઇશું? પાલિકા રહેવાની વ્યવસ્થા કરી અાપે તેવી અમારી લાગણી છે.

રહીશો ખોટા અાક્ષેપ કરે છે : દબાણ શાખા
પાલિકાના દબાણ શાખાના અધિકારી ફતાભાઈ બારીયાએ જણાવ્યું હતું કે દબાણ શાખા કાટમાળ દૂર કરવા આવે તે પહેલાં જ ઝૂંપડામાં આગ લાગી હતી અને આગને બુઝાવી નાખી હતી. પરંતુ ઝૂંપડાવાસીઓ દ્વારા જે દબાણ શાખા પર આક્ષેપ મૂકવામાં આવ્યા છે તે ખોટા અને વાહિયાત છે.

અન્ય સમાચારો પણ છે...