આક્ષેપ:વડોદરા પાલિકાના ડિમોલિશન બાદ કાટમાળ હટાવતા પહેલાં ઝૂંપડાઓમાં આગ ફાટી નીકળી, દબાણ શાખાએ આગ લગાવી હોવાનો આક્ષેપ

વડોદરાએક વર્ષ પહેલા
કાટમાળમાં લાગેલી આગ પર ફાયર વિભાગે કાબૂ મેળવ્યો. - Divya Bhaskar
કાટમાળમાં લાગેલી આગ પર ફાયર વિભાગે કાબૂ મેળવ્યો.
  • દબાણ શાખાએ ઝૂંપડાવાસીઓના દબાણો દૂર કરવાની સોપારી લીધી હોવાના આક્ષેપો
  • ઝૂંપડાવાસીઓ દ્વારા લગાવાયેલા આક્ષેપ ખોટા અને વાહિયાતઃ અધિકારી

વડોદરા મહાનગર સેવા સદન દ્વારા રસ્તા રેષામાં આવતા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ત્યારે છાણી ટી.પી.-13 પાસેના સોમેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલા ગેરકાયદેસર બનેલા ઝૂંપડા કોર્પોરેશનની દબાણ શાખાએ ગત રોજ દૂર કર્યા હતા. આજે કાટમાળ હટાવે તે પહેલાં ઝૂંપડાઓમાં આગ ફાટી નીકળી હતી. ઝૂંપડાઓમાં રહસ્યમય લાગેલી આગ અંગે ઝૂંપડાવાસીઓએ દબાણ શાખાએ આગ લગાવી હોવાનો તેમજ દબાણ શાખાએ ઝૂંપડાવાસીઓના દબાણો દૂર કરવાની સોપારી લીધી હોવાના આક્ષેપો કર્યા હતા. દરમિયાન કેટલાકે પથ્થરમારો પણ કર્યો હતો. જેમાં જેસીબીના કાંચ પણ તૂટી ગયા હતા.

ઝૂંપડાઓમાં આગના પગેલા મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા.
ઝૂંપડાઓમાં આગના પગેલા મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા.

દબાણ શાખા પોલીસ બંદોબસ્ત સાથે ઝૂંપડાઓ દૂર કરવા માટે પહોંચી હતી
શહેરના છાણી ટી પી13 પાસેના સોમેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં 20 જેટલા પરિવારો કાચા-પાકા ઝૂંપડા બનાવીને વર્ષોથી રહે છે. વડોદરા મહાનગર સેવા સદનની દબાણ શાખા દ્વારા ઝૂંપડાવાસીઓને ઝૂંપડાઓ ખાલી કરવા માટે અગાઉ નોટિસો આપવામાં આવી હતી. પરંતુ, ઝૂંપડાવાસીઓએ ઝૂંપડા ખાલી કર્યા ન હતા. દરમિયાન ગત રોજ દબાણ શાખા પોલીસ બંદોબસ્ત સાથે ઝૂંપડાઓ દૂર કરવા માટે જે.સી.બી. સહિતના સાધનો સાથે પહોંચી હતી. દબાણ શાખા દ્વારા દબાણો દૂર કર્યા હતા.

પાલિકાની દબાણ શાખા કાટમાળ હટાવે તે પહેલા જ આગ ફાટી નીકળી.
પાલિકાની દબાણ શાખા કાટમાળ હટાવે તે પહેલા જ આગ ફાટી નીકળી.

આગ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો
આજે દબાણ શાખા દ્વારા કાટમાળ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરે તે પહેલાં ઝૂંપડાઓમાં રહસ્યમય આગ ફાટી નીકળી હતી. ઝૂંપડાવાસીઓમાં આગ લાગતા જ અફડા-તફડી મચી ગઇ હતી. જોકે, આગ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ટી.પી.-13 ફાયર બ્રિગેડના લાશ્કરો દોડી આવ્યા હતા. અને પાણી મારો ચલાવી આગને કાબૂમાં લઇ લીધી હતી. આગમાં કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ, આગમાં ઝૂંપડાવાસીઓનો માલસામાન બળીને ખાક થઇ ગયો હતો.

ઝૂંપડાવાસીઓનો માલસામાન બળીને ખાક થઇ ગયો
ઝૂંપડાવાસીઓનો માલસામાન બળીને ખાક થઇ ગયો

કોરોના અને વરસાદ વચ્ચે બેઘર થયા
વર્ષોથી પરિવાર સાથે ઝૂંપડામાં રહેતા શનીબહેન, જશીબહેને જણાવ્યું હતું કે, કોર્પોરેશનના દબાણ શાખા દ્વારા અમારા ઝૂંપડાઓમાં આગ લગાડીને અમોને બેઘર કરવામાં આવ્યા છે. હાલમાં કોરોના વાઇરસ ચાલી રહ્યો છે. સાથે બે દિવસથી વરસાદ પણ પડી રહ્યો છે. અમો ગરીબ લોકો ક્યાં જઇશું. અમે ઝૂંપડાઓ ખાલી કરી દઇશું. પરંતુ, અમોને કોર્પોરેશન દ્વારા રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી અમારી લાગણી છે.

ઉત્તર ઝોનના અધિકારીની સુચનાથી દબાણો દૂર કરવામાં આવ્યાઃ અધિકારી
અધિકારી ફતાભાઇ બારીયાએ જણાવ્યું હતું કે, કોર્પોરેશનની વહીવટી વોર્ડ નંબર-7માં સરકારી જગ્યામાં ઝૂંપડાવાસીઓ રહેતા હતા. ઉત્તર ઝોનના અધિકારી રોહિન વહીયાની સુચનાથી દબાણો દૂર કરવામાં આવ્યા છે. કોર્પોરેશનની દબાણ શાખા આજે કાટમાળ દૂર કરવા આવે તે પહેલાં જ ઝૂંપડાઓમાં આગ લાગી હતી. અમોએ ફાયર બ્રિગેડની મદદ લઇ આગને બુઝાવી નાંખી છે. ઝૂંપડાવાસીઓ દ્વારા આગ લગાવવા બાબતે દબાણ શાખા ઉપર મુકવામાં આવેલા આક્ષેપ ખોટા અને વાહિયાત છે.

કોર્પોરેશનની દબાણ શાખા કોઇના ઇશારે કામ કરી રહી હોવાનો આક્ષેપ
સ્થાનિક સામાજિક કાર્યકર વિલસન સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો છે. પરંતુ, કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા માત્રને માત્ર ગરીબોના જ ઝૂંપડાઓ દૂર કરવામાં આવી રહ્યા છે. એવું લાગે છે કે, કોર્પોરેશનની દબાણ શાખા કોઇના ઇશારે કામ કરી રહી છે. લાગે છે કે, કોર્પોરેશનની દબાણ શાખાએ ઝૂંપડાઓ દૂર કરવા માટે સોપારી લીધી છે.