દુર્ઘટના:કપુરાઈ પાસે CNG કારમાં આગ, ડોક્ટરનો બચાવ, કારમાં ધુમાડો નીકળતાં તબીબ બહાર નીકળી ગયા

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકોટા સ્મશાન નજીક કચરામાં આગ લાગી

શહેરની કપુરાઈ ચોકડી પાસે સોમવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં સીએનજી કારમાં આગ લાગતાં તેમાં સવાર ડોક્ટરનો આબાદ બચાવ થયો હતો. આ બનાવ અંગે જાણ થતાં દોડી ગયેલા ફાયરબ્રિગેડના લાશ્કરોએ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. બનાવને પગલે મારુતિ ઝેન કાર સંપૂર્ણ બળી ગયાનું જણાયું હતું. જ્યારે અકોટામાં કચરામાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ અંગે પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર શહેરના બાપોદ પોલીસ સ્ટેશન સામે રતનલાલ પાર્કમાં રહેતા મયુરભાઈ ઉપાધ્યાયના પુત્ર ડો.હેનીલ ઉપાધ્યાય તાલુકાના પીએચસી ખાતે ફરજ બજાવે છે.

સોમવારના રોજ તેઓ ફરજ પરથી ઘરે પરત આવી રહ્યા હતા. દરમિયાન કપુરાઈ ચોકડી પાસે કારમાંથી ધુમાડા નીકળતાં કાર થોભાવી તેઓ બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. બીજી તરફ શહેરના અકોટા સ્મશાન પાસે આવેલા કચરામાં આગ લાગતાં ફાયરબ્રિગેડ દ્વારા ચાર ફાયર એન્જિન કામે લગાડવામાં આવ્યા હતા. સાંજે 4:30 વાગ્યે લાગેલી આગ સાડા ત્રણ કલાક બાદ પણ ચાલુ રહી હતી.

લાશ્કરોના જણાવ્યા મુજબ આગને પગલે કોઇ જાનહાનિ થઈ નહોતી. જોકે કચરો થોડી થોડી વારે સળગતો હોવાને કારણે વારંવાર આગ લાગે છે. બનાવ અંગે ફાયરબ્રિગેડને જાણ કરનાર મહેમુદ પટેલે જણાવ્યું હતું કે, ત્યાં આગળ આવેલા ખાડામાં ટ્રેક્ટરવાળા કચરો અને અન્ય વસ્તુ ડમ્પિંગ કરે છે, જેને પગલે આગની ઘટના બનતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...