વડોદરા કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા પ્રદર્શન મેદાન ખાતે અગ્નિશમન સેવા દિન ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે માર્ચ પાસ્ટ યોજી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી .સાથે અત્યાધુનિક ફાયર વાહનોનું ડેમોસ્ટ્રેશન નિહાળવા નગરજનો ઉમટી પડ્યા હતા.
ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, વર્ષ 1944માં મુંબઈ ખાતે બ્રિટિશ જહાજમાં આગ લાગતા મુંબઈ ફાયર બ્રિગેડના 66 જવાનોએ દેશહિતમાં પોતાનું બલિદાન આપ્યું હતું. તેમને યાદ કરતા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે વડોદરામાં શહીદ થયેલા ફાયરના જવાનોને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કુદરતી આફતોમાં ફાયરના જવાનો પોતાના જીવની ચિંતા કર્યા વગર સેવા બજાવે છે. ત્યારે ફાયરબ્રિગેડનું ગૌરવ વધારનાર નામી-અનામી જવાનોની શહીદીને માન આપવા દર વર્ષે 14 એપ્રિલે અગ્નિ શમન સેવા દિન ઉજવવામાં આવે છે. આ દરમિયાન માર્ચ પાસ્ટ યોજવામાં આવી હતી. અને અત્યાધુનિક વાહનોનું ડેમોસ્ટ્રેશન પણ થયું હતું. જેને નિહાળવાની તક નગરજનો ચૂક્યા ન હતા.
આ પ્રસંગે મેયર દ્વારા ફાયર વિભાગ માટે 81 મીટર ઊંચાઈ ધરાવતું અત્યાધુનિક વાહન વસાવવાની જાહેરાત કરવામાં આવી હતી. સાથે બદામડી બાગ ખાતે ફાયર લાશકરો માટે ફાયર સ્ટેશન પણ બનશે. આ પ્રસંગે વર્ષ 2021 22 દરમ્યાન પ્રસંશનીય કામગીરી કરનાર ફાયર જવાનોને રોકડ અને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ફાયર જવાનોએ અશોક ચક્ર બનાવ્યા બાદ અત્યાઆધુનિક વાહનોનું ડેમોસ્ટ્રેશન થયું હતું. જેમાં તેલના કુવામાં આગ લાગ્યા બાદ તેની પર કાબૂ મેળવવાનું દિલધડક ડેમોસ્ટ્રેશન નાગરિકોએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરની વસ્તી સાથે વિસ્તાર વધતા ઔદ્યોગિક એકમો શહેરમાં આવી રહ્યા છે. જેની ચિંતા ફાયર લાશ્કરોને સતાવી રહી છે. જેથી ફાયર વિભાગને અત્યાધુનિક બનાવવા તરફ પ્રયાસ રહેશે. આ પ્રસંગે હું ગર્વ અનુભવું છું કે કોવિડ મહામારીમાં જ્યારે લોકો ગભરાતા હતા. અને કોવિડથી અજાણ હતા. તેવા સમયે પ્રથમ કોવિડનો મુદ્દે સ્મશાન સુધી ફાયર વિભાગના કર્મચારીઓએ પહોંચાડ્યો હતો. આગ લાગવાની ઘટના હોય કે પછી કુદરતી કુત્રિમ હોનારત હોય ફાયર વિભાગ હંમેશા નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવે છે. મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ફાયર સેફટી માટે પણ રહેણાંક બીન રહેણાંક ઇમારતોમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.આ દરમિયાન ચૂંટાયેલી પાંખના હોદ્દેદારો, કોર્પોરેશનના અધિકારીઓ, કોર્પોરેટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.