વાનમાં આગ:વડોદરાના અમિતનગર સર્કલ પાસે વાનમાં આગ લાગી, ચાલકે કહ્યું: 'નિર્ણય લેવામાં મોડું થયું હોત તો અજુગતુ થઇ જાત, ભગવાને બચાવી લીધા'

વડોદરાએક મહિનો પહેલા
અમિતનગર સર્કલ પાસે મારૂતિ વાનમાં આજે સવારે એકાએક આગ ફાટી નીકળી હતી.
  • આગની દુર્ઘટનામાં વાનમાં બેઠેલા શ્રમજીવીનો આબાદ બચાવ થયો હતો

વડોદરાના અમિતનગર સર્કલ પાસે મારૂતિ વાનમાં એકાએક આગ ફાટી નીકળતા ચાલક અને વાનમાં સવાર શ્રમજીવીનો આબાદ બચાવ થયો હતો. ભડભડ સળગી ઉઠેલી વાનના પગલે અફરાતફરી મચી ગઇ હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો તુરંત જ સ્થળ પર દોડી ગયા હતા અને આગ ઉપર પાણીમારો ચલાવી આગ કાબુમાં લઇ લીધી હતી. જોકે, આગ કાબુમાં આવે તે પહેલાં વાન બળીને ખાખ થઇ ગઇ હતી. વાન ચાલકે જણાવ્યું કે, નિર્ણય લેવામાં મોડું થયું હોત તો અજુગતુ થઇ ગયું હોત. ભગવાને બચાવી લીધા હતા.

વાનમાંથી ધુમાડા નીકળતા માલિક અને મજૂરો ઉતરી ગયા
વડોદરા શહેરના વારસીયા રિંગ રોડ ઉપર આવેલી એ-14, ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઇ પ્રજાપતિ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. સવારે તેઓ પોતાની વાનમાં મજૂરને લઇને સમા-સાવલી રોડ ઉપર આવેલી તેમની સાઇટ ઉપરથી કન્સ્ટ્રક્શનને લગતા સાધનો લઇને અમિતનગર સર્કલ પાસે અન્ય સાઇટ પર જઇ રહ્યા હતા. દરમિયાન અમિતનગર સર્કલથી એરપોર્ટ જવાના રસ્તા ઉપર વાનમાંથી ધુમાડા નીકળતા મહેન્દ્રભાઇ અને તેમનો મજૂર વાનમાંથી ઉતરી બહાર નીકળી ગયા હતા.

આગની દુર્ઘટનામાં વાનમાં બેઠેલા શ્રમજીવીનો આબાદ બચાવ થયો હતો
આગની દુર્ઘટનામાં વાનમાં બેઠેલા શ્રમજીવીનો આબાદ બચાવ થયો હતો

વાન ભડભડ સળગી ઉઠી હતી
વાનમાલિક કોન્ટ્રાક્ટર મહેન્દ્રભાઇ અને તેમનો મજૂર વાનમાંથી બહાર નીકળતા જ વાન ભડભડ સળગી ઉઠી હતી. વાનમાં આગ પકડતા જ મહેન્દ્રભાઇએ ફાયર બ્રિગેડને જાણ કરતા લાશ્કરો આવી પહોંચ્યા હતા અને ગણતરીની મિનિટોમાં વાનમાં લાગેલી આગ ઉપર પાણીમારો ચલાવી આગને કાબુમાં લઇ લીધી હતી. જોકે, આગ સંપૂર્ણ કાબુમાં આવે તે પહેલાં વાન બળીને ખાખ થઇ ગઇ હતી. મુખ્ય માર્ગ ઉપર વાનમાં આગ લાગતા જ અફરાતફરી મચી ગઇ હતી.

ફાયર બ્રિગેડે આગ પર પાણીમારો ચલાવી આગ કાબુમાં લઇ લીધી હતી
ફાયર બ્રિગેડે આગ પર પાણીમારો ચલાવી આગ કાબુમાં લઇ લીધી હતી

ભગવાને અમને બચાવી લીધા હતા
વાનચાલક મહેન્દ્રભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સમા-સાવલી રોડ ઉપરથી મજૂરને લઇ પરત ફરી રહ્યો હતો. તે સમયે વાનના બોનેટમાંથી બળાવની વાસ આવતા તપાસ કરી હતી. તુરંત જ હું અને મજૂર વાનમાંથી નીચે ઉતરી ગયા હતા. નીચે ઉતરતાની સાથેજ વાન ભડભડ સળગવા લાગી હતી. જો નિર્ણય લેવામાં મોડું થયું હોત તો કંઇક અજુગતું થયું હોત. જોકે, વાન ભલે સળગી ગઇ, પણ ભગવાને અમને બચાવી લીધા હતા. આ વાન જૂની હતી અને વાનમાં 10 લીટર પેટ્રોલ હતું.

અન્ય સમાચારો પણ છે...