હોસ્પિટલો સીલ:વડોદરામાં ફાયર NOC વિનાની વધુ 6 હોસ્પિટલ સીલ: IMAએ કહ્યું અયોગ્ય કામગીરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાયર સેફ્ટી વિનાની હોસ્પિટલોના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો - Divya Bhaskar
ફાયર સેફ્ટી વિનાની હોસ્પિટલોના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો
  • હાઇકોર્ટની ઝાટકણી બાદ 2 દિવસમાં 14 હોસ્પિટલોને સીલ કરી દેવાઈ
  • હોસ્પિટલ સત્તાધીશો દ્વારા એનઓસી માટે બાકી રહેલી પૂર્તતા કરવા દોડધામ
  • આઇએમએ કહે છે, આ ઇમરજન્સી સેવા છે, સીલ મારવું અંતિમ ઉકેલ નથી

ફાયર સેફટી અંગે હાઇકોર્ટ દ્વારા કડક અમલ કરાવવા રાજ્ય સરકારની ઝાટકણી કર્યા બાદ તંત્ર દ્વારા ાયર એનઓસી વિનાના કોમર્શિયલ બિલ્ડિંગની સાથે હવે હોસ્પિટલોને પણ સીલ મારવાનું શરૂ કરાયું છે, જે અંગે શુક્રવારે સતત બીજા દિવસે વધુ 6 હોસ્પિટલોને સીલ મરાયાં હતાં. 2 દિવસમાં કુલ 14 હોસ્પિટલોને સીલ મારવામાં આવ્યાં છે.આઇએમએ આ કામગીરીને અયોગ્ય ગણાવી છે.

કોરોના હોસ્પિટલોને નવા દર્દી દાખલ નહીં કરવા અંગે કરાયેલા આદેશ બાદ ફાયરબ્રિગેડ દ્વારા હોસ્પિટલોની સીલ કરવાનું શરૂ કરાયુ છે, જે પૈકી શુક્રવારે સાંજે ફાયરબ્રિગેડની 2 ટીમ દ્વારા ફાયર ઓફિસર હર્ષવર્ધન પુવાર અને અમિત ચૌધરીના વડપણ હેઠળ કારેલીબાગ, દાંડિયા બજાર, હાથીખાના, સમા અને છાણી વિસ્તારની 6 હોસ્પિટલોને સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેને પગલે હોસ્પિટલ સત્તાધીશો દ્વારા બાકી રહેલી પૂર્તતા કરવા દોડધામ કરાઇ હતી. બીજી તરફ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના અગ્રણી પરેશ મજમુદારે જણાવ્યું હતું કે, હોસ્પિટલ એ ઇમરજન્સી સર્વિસમાં આવે છે, હોસ્પિટલને સીલ મારવું તે મેડિકલ એથિક્સ પ્રમાણે પણ યોગ્ય નથી. સીલ મારવું તે અંતિમ ઉકેલ નથી. ફાયરબ્રિગેડ દ્વારા વચલો રસ્તો કાઢવો જોઈએ.

ફાયર સેફ્ટી વિનાની હોસ્પિટલોનો સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો
કોરોનાકાળ દરમિયાન વડોદરા સહિત અનેક હોસ્પિટલોમાં નાના-મોટા આગના બનાવો બન્યા હતા અને આગમાં લોકોના મોત નીપજ્યાં હતા. ઉપરાછાપરી આગની બનેલી ઘટનાઓ બાદ હાઇકોર્ટે ફાયર સેફ્ટી બાબતે ટકોર કરી હતી. પરિણામે વડોદરા ફાયરબ્રિગેડ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉપલબ્ધ ન કરનાર મિલકતો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફ્ટી અંગે શરૂ કરવામાં આવેલી કામગીરીના પગલે ફાયર સેફ્ટી વિનાની હોસ્પિટલોના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સીલ મારી તે હોસ્પિટલ બીજા નવા દર્દીઓને દાખલ કરી શકે નહીં
વડોદરામાં કુલ 646 હોસ્પિટલો આવેલી છે. જે પૈકી 96 હોસ્પિટલો પાસે ફાયર NOC નથી. આ હોસ્પિટલોને ફાયર NOC લેવા માટે નોટિસો આપવામાં આવી હતી. આમ છતાં, હોસ્પિટલો દ્વારા ફાયર NOC લેવામાં ન આવતા આજે વડોદરા ફાયરબ્રિગેડની વિવિધ ટીમો દ્વારા વડોદરા શહેરની હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાથી સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી જ્યાં હોસ્પિટલો ફાયર સેફ્ટી NOC નહીં લે ત્યાં સુધી ચાલુ રહેશે. આ કામગીરી માટે ચાર ટીમો બનાવવામાં આવી છે. હોસ્પિટલને સીલ મારવાની કામગીરીમાં જે હોસ્પિટલને સીલ મારવામાં આવી હોઇ, તે હોસ્પિટલ બીજા નવા દર્દીઓને દાખલ કરી શકે નહીં.

નોટિસો આપ્યા બાદ પણ ફાયર સેફ્ટની NOCની ન લેનાર હોસ્પિટલો સામે કાર્યવાહી હાથ ધરી
નોટિસો આપ્યા બાદ પણ ફાયર સેફ્ટની NOCની ન લેનાર હોસ્પિટલો સામે કાર્યવાહી હાથ ધરી

ડી.જી. સેટ વગરની હોસ્પિટલો પર તવાઇ
કોર્પોરેશનના ફાયરબ્રિગેડ દ્વારા માત્ર ફાયર સિસ્ટમ નહીં, પરંતુ ડીજી સેટ પણ ન હોય તેવી હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સીલ મરાયેલી હોસ્પિટલો પૈકી કેટલી હોસ્પિટલો પાસે ફાયર સીસ્ટમ છે, પરંતુ, જનરેટર સેટ ન હોવાને પગલે સીલ મરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

કઈ હોસ્પિટલને સીલ મરાયાં?

  • સિદ્ધિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, દાંડિયા બજાર
  • ગુજરાત સર્જિકલ હોસ્પિટલ, સમા
  • ચાર્મી હોસ્પિટલ, છાણી
  • હિમાલયા કેન્સર હોસ્પિટલ, જેતલપુર રોડ
  • આદીત હોસ્પિટલ, દીવાળીપુરા
  • મુસ્લિમ મેડિકલ સેન્ટર, હાથીખાના

કોમ્પ્લેક્સની હોસ્પિટલમાં સાધનો છતાં NOC નહીં
હોસ્પિટલ એસોસિયેશન સાથે સંકળાયેલા એક તબીબે જણાવ્યું હતું કે, મારી હોસ્પિટલ કોમ્પ્લેક્સમાં આવેલી છે. મેં તમામ સિસ્ટમ નખાવી છે, કર્મચારીઓને ટ્રેનિંગ પણ આપી છે. અઢી મહિનાથી ફાઇલ મૂકી છે, પરંતુ મારા કોમ્પ્લેક્સ પાસે એનઓસી ન હોવાથી મારી હોસ્પિટલને એનઓસી આપવામાં આવતી નથી. અગાઉ એનઓસી અપાતી હતી, પણ તાજેતરમાં જ બંધ કરવામાં આવી છે. આખા કોમ્પ્લેક્સની જવાબદારી ડોક્ટર કેવી રીતે લઈ શકે?

અન્ય સમાચારો પણ છે...