બીડીની ચિનગારી આગ બની:વડોદરામાં મકરપુરા GIDCની કંપનીમાં ભીષણ આગની જ્વાળાઓમાં વૃદ્ધા ભડથું થઈ ગયાં, બીડી પીતી વખતે આગ લાગી

વડોદરાએક મહિનો પહેલા
શ્રી સાંઈનાથ ઇલેક્ટ્રો પ્લાસ્ટર્સ કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી.
  • વડોદરા શહેરમાં 2 દિવસમાં 60 સ્થળે આગ લાગી હતી

વડોદરા શહેરના મકરપુરા જી.આઈ.ડી.સી.માં આવેલી શ્રી સાંઈનાથ ઇલેક્ટ્રો પ્લાસ્ટર્સ કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ બનાવમાં કંપનીમાં રહેતી એક વૃદ્ધા આગમાં ભડથું થઇ ગયાં હતાં. આ બનાવની જાણ ફાયરબ્રિગેડને થતાં એના જવાનો સ્થળ પર દોડી ગયા હતા અને પાણી મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

આગની જ્વાળાઓમાં લપેટાઈ જતાં વૃદ્ધા ભડથું થઇ ગયાં
મકરપુરા જી.આઈ.ડી.સી.માં હનુમાન મંદિર પાસે આવેલી 884/14, શ્રી સાંઈનાથ ઇલેક્ટ્રો પ્લાસ્ટર્સ કંપનીમાં વહેલી સવારે આગ ભભૂકી ઊઠી હતી. એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ ચારે બાજુથી લાગવાના કારણે કંપનીમાં રહેતાં 70 વર્ષીય સંતુબેન પોતાને બચાવી શક્યાં નહોતાં અને આગની જ્વાળાઓમાં લપેટાઈ જતાં ભડથું થઇ ગયાં હતાં.

કંપનીમાં આગ શોર્ટસર્કિટ અથવા ફટાકડાને કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન.
કંપનીમાં આગ શોર્ટસર્કિટ અથવા ફટાકડાને કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન.

વૃદ્ધા બે વર્ષથી કંપનીની દેખભાળ રાખતાં હતાં
ફાયરબ્રિગેડમાંથી મળેલી માહિતી પ્રમાણે, આગમાં ભસ્મીભૂત થઈ ગયેલાં સંતુબેન છેલ્લાં બે વર્ષથી કંપનીમાં રહેતાં હતાં અને કંપનીની દેખભાળ રાખતાં હતાં. વહેલી સવારે લાગેલી આગમાં સંતુબેન ભડથું થઇ જતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આગના બનાવની જાણ માંજલપુર પોલીસ તેમજ જીઇબીને થતાં પોલીસકાફલો અને જીઇબીની ટીમ તરત જ દોડી ગઇ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. આ કંપનીના માલિક બિપિનભાઈ પટેલ છે.

70 વર્ષીય વૃદ્ધા બીડી પીતાં હતાં એ વખતે આગ લાગી હોવાનું અનુમાન
વહેલી સવારે લાગેલી આગ કેવી રીતે લાગી એનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ 70 વર્ષીય વૃદ્ધા બીડી પીતાં હતાં એ વખતે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. આ બનાવ અંગે માંજલપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

કંપનીમાં રહેતાં એક વૃદ્ધા આગમાં ભડથું થઇ ગયાં હતાં.
કંપનીમાં રહેતાં એક વૃદ્ધા આગમાં ભડથું થઇ ગયાં હતાં.

2 દિવસમાં 60 સ્થળેએ આગ લાગી
ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસ દરમિયાન ફટાકડા તેમજ શોર્ટસર્કિટને કારણે આગના નાના-મોટા 60 બનાવો ફાયરબ્રિગેડના ચોપડે નોંધાયા હતા, જેમાં એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બનાવોમાં માલ મિલકતોને મોટે પાયે નુકસાન થયું છે. આગના આ બનાવમાં મોટા ભાગના બનાવ ફટાકડાને કારણે બન્યા હોવાનું કહેવાય છે.

ડાયમંડ પાર્ક કંપનીમાં આગ લાગી
વડોદરાની મકરપુરા જીઆઇડીસીની ડાયમંડ પાર્ક કંપનીમાં આગ લાગી હતી. આ ઉપરાંત સયાજી ટાઉનશિપ રોડ મારુતિ નગર ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગી હતી. પાદરાની બાજુમાં ગર્લ સ્કૂલની બાજુમાં સ્ટેશન રોડ લાકડાના પીઠામાં આગ લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...