વડોદરાના સાવલી તાલુકાના રાણીયા ગામની હદમાં આવેલ યુનિવર્સલ મેડી કેપ નામની ઇન્જેક્શનના રબર પેકિંગ બનાવતી કંપનીમાં આગ લાગતા ભારે દોડધામ મચી ગઇ હતી. 6 જેટલા ફાયર ફાઈટર આગને કાબુમાં લેવા જોતરાયા હતાં. ફાયર વિભાગે આંશિક મેજર કોલ જાહેર કર્યો હતો. સદભાગ્યે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.
6 ફાયર બંબા કામે લાગ્યા
મળેલી માહિતી પ્રમાણે સાવલી તાલુકાના ભાદરવા સાકરદા રોડ પર રાણીયા ગામની હદમાં આવેલી યુનિવર્સલ મેડીકેપ નામની કંપનીમાં બપોરના સમયે આગ લાગી હતી. આગના પગલે કંપનીના સમગ્ર પ્લાનમાં ધુમાડાના ગોટે ગોટા દેખાતા હતા અને આકાશમાં પણ ધુમાડાના ગોટેગોટા જણાતા હતા. બનાવના પગલે કંપનીના કામદારોમાં દોડધામ મચી જવા પામી હતી. અને આ આગને કાબુમાં લેવા માટે વડોદરા, સાવલી નગરપાલિકા, નંદેસરી સહિતના 6 જેટલા ફાયર ફાઇટરો કામે લાગ્યા હતા.
બોટલના બૂચ બનાવે છે
આ આગ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે, આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. સદનસિબે કંપનીમાં લંચ સમયે આગ ભભૂકી ઊઠી હતી. પરિણામે કોઈપણ પ્રકારની જાનહાની થવા પામી ન હતી. આ કંપની ઇન્જેક્શનની બોટલો પર લાગતા રબર બુચ બનાવતી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ફાયર સેફ્ટીનો અભાવ
કંપનીમાં રબર તેમજ ઓઇલ સહિતનો જથ્થો હોવાથી લાશ્કરોના જવાનોએ ભારે કાળજીપૂર્વક કંપનીમાં જઈને આગને કાબુમાં લીધી હતી. સૌ પ્રથમ કંપનીના પ્રેસ વિભાગમાં આગ લાગી હતી. જોકે કંપનીમાં ફરી એકવાર ફાયર બ્રિગેડની સુવિધાઓ અભાવ જોવા મળ્યો હતો. અને આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડને બહારથી ખેડૂતોના કૂવાઓ પરથી પાણી લાવવું પડ્યું હતું.
એડોપ્ટરમાં બ્લાસ્ટ થયો
સાવલી તાલુકાની રાણીયા ગામની સીમમાં આવેલ યુનિવર્સલ મેડિકેપ કંપની રબર સ્ટોપર નામની પ્રોડક્ટ બનાવે છે જે ઇન્જેક્શન સહિતની બોટલો પર બૂચ બને છે. આજરોજ બપોરના સમયે લંચનો સમય હતો. ત્યારે પ્રેસ વિભાગમાં પેનલમાં શોર્ટ સર્કિટ થયું હતું. અને ત્યારબાદ એડોપ્ટરમાં બ્લાસ્ટ થયો હતો. જેના પગલે આગ લાગી હતી. કંપનીમાં જ્વલનશિલ ફરનેસ ઓઇલ, રબર સહિતના વિવિધ જલ્દી આગ પકડી લે તેવા મટીરીયલનો સ્ટોક હોવાથી આગ ઝડપભેર પ્રસરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.