કાર્યવાહી:રેલવેની મહિલા કર્મી સામે લેન્ડગ્રેબિંગનો ગુનો દાખલ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાડાના ઘર પર કબજો જમાવવાનું ભારે પડ્યુઁં
  • ક્વાર્ટર મળશે​​​​​​​ પછી ખાલી કરવાનું કહી ફરી ગયાં

રેલવે તંત્રમાં નોકરી કરતી મિત્રની પત્નીને ભાડે મકાન આપવાનું નવાયાર્ડના રહીશને ભારે પડ્યું હતું. મકાન ખાલી કરવાનું ના કહેતાં માલિકની રજૂઆત બાદ લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધી ફતેગંજ પોલીસે તપાસ હાથ ધરી છે. ફતેગંજ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નવાયાર્ડમાં જૂની આશાપુરીમાં રહેતા 69 વર્ષિય કાંતિભાઈ ખુશાલભાઈ મકવાણા અગાઉ રેલવેમાં ફીટર તરીકે કામ કરતા હતા. તેમનું અન્ય મકાન ધર્મદેસાઈ માર્ગ પર વિહળધામ સોસાયટીમાં છે. કાંતિભાઈના મિત્ર પ્રકાશ પાઉલભાઈ પરમાર પણ રેલવેમાં નોકરી કરતા હતા. દરમિયાન પ્રકાશ પરમારનું 2001માં અકસ્માતમાં મોત થયું હતું.

તેમના મરણ બાદ તેમનાં પત્ની ઉષાબેન પરમારને વારસાઈ ધોરણે રેલવેમાં નોકરી મળી હતી. પતિનું મોત થતાં ઉષાબેનને રહેવા માટે મકાનની જરૂર હોઈ કાંતિભાઈને મકાન ભાડે આપવા કહ્યું હતું અને ક્વાર્ટર્સ મળશે પછી ખાલી કરી દઇશ તેમ કહ્યું હતું. 2007માં મકાન ભાડે આપ્યા બાદ 2008માં મકાન ખાલી કરવા કાંતિભાઈએ જણાવતાં ઉષાબેને મકાન ખાલી કરવા સ્પષ્ટ ના કહી દીધી હતી.

આખરે કાંતિભાઈએ કલેક્ટર કચેરીમાં અરજી કરતાં લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધાયો હતો.કાંતિભાઈ મકવાણાની ફરિયાદના આધારે ફતેગંજ પોલીસે ઉષાબેન સામે લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એ ડિવિઝનના એસીપી ડી.જે.ચાવડાએ ફરિયાદના સંબંધમાં તપાસ હાથ ધરી છે. અત્રે નોંધનીય છેે કે કાંતિભાઈ મકવાણાએ બેંકમાંથી લોન લઇને મકાન બનાવ્યું હતું પરંતુ પ્રકાશભાઈ પરમાર સાથેની મિત્રતાના કારણે તેઓએ તેમની પત્ની ઉષાબેનને મકાન ભાડે આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...