વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા શહેરમાં ટિફિન બેઠકનો દોર શરૂ કરાયો છે. દર શનિ-રવિએ વોર્ડના શક્તિ કેન્દ્ર ઉપર ટિફિન બેઠક યોજાઇ રહી છે. ગત રવિવારે છાણી ટીપી -13 માં યોજાયેલી ટિફિન બેઠકમાં વોર્ડ નંબર 1 ના પૂર્વ મહામંત્રીની હાજરી નો વર્તમાન મહામંત્રીએ વિરોધ કરતાં બેઠક બાદ રામાકાકાની ડેરી પાસે બંને વચ્ચે ઝઘડો થતાં મામલો તંગ બન્યો હતો. જેમાં વાત મારામારી સુધી પહોંચી હતી. પરાગ શાહે અગાઉ સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટને લઇને વિવાદ થયો હોવાનું મનાય છે.
ભાજપ માં ચાલતી ચર્ચા મુજબ ટિફિન બેઠકનું આયોજન વોર્ડ નંબર 1 ના મહિલા મોરચા ના પ્રમુખ મીનાબેન ઉપાધ્યાય કર્યું હતું. બેઠકમાં હાલના મહામંત્રી પરાગ શાહ હાજર હતા ત્યારે વોર્ડના પૂર્વ મહામંત્રી દક્ષેશ ગાંધી આવી પહોંચતા તેમને કેમ બોલાવવામાં આવ્યા છે તેવો સવાલ પરાગે ઉઠાવ્યો હતો.
ટિફિન બેઠક પૂરી થયા બાદ દક્ષેશ ગાંધીઅે ફોન કરીને પરાગને રામાકાકાની ડેરી પાસે બોલાવ્યા હતા. જ્યાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી પરાગે અપશબ્દો ભાંડતા ઉશ્કેરાયેલા દક્ષેશ ગાંધીએ છુટ્ટા હાથની મારામારી કરી હતી. જેથી પરાગે કંટ્રોલરૂમમાં ફોન કરી પોલીસની મદદ માંગી હતી. સમગ્ર ઘટનામાં મધ્યસ્થી તરીકે કેતન શેઠ દ્વારા ભૂમિકા ભજવી બંને જણને શાંત પાડી સમાધાન કરાવ્યું હતું.જયારે શહેર ભાજપ પ્રમુખ અને મહામંત્રીએ ઘટનાથી અજાણ હોવાનું કહ્યું હતું.
સમાધાન થઈ ગયું છે, હવે કશું નથી
હું મારા કામથી છાણી ટીપી 13ની બેઠકમાં ગયો હતો , સમાધાન થઈ ગયું છે. હવે કશું છે નહીં. > દક્ષેશ ગાંધી, પૂર્વ મહામંત્રી વોર્ડ નંબર 1
મામલો ઉગ્ર બનતાં પોલીસ બોલાવી
દક્ષેશે ટિફિન બેઠકમાં આવવાનો પ્રયાસ કરતાં મામલો ઉગ્ર જણાયો હતો જેથી પોલીસ બોલાવી હતી ટિફિન બેઠકમાં 40થી 45 લોકો હતા. > પરાગ શાહ, મહામંત્રી વોર્ડ નંબર 1
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.