વડોદરામાં આગથી અફરાતફરી:ફટાકડાની હવાઈ ઘૂસતાં હરણીના સદગુરુ ટીમ્બર અને જલારામ ડેપોમાં ભીષણ આગ, 12 ઘરો ખાલી કરાવાયાં

વડોદરાએક મહિનો પહેલા
  • ફાયરબ્રિગેડ દ્વારા 10 બંબા વડે પાણીનો સતત મારો, ઘટનાના 3 કલાક બાદ આગ કાબૂમાં આવી પણ ઓલવાઈ નહીં
  • ગાદલાંના ફોમ અને પ્લાયવુડને કારણે આગ વિકરાળ બની, નજીકનું અન્ય એક ગોડાઉન બચી ગયું, મામલતદાર સહિતના અધિકારીઓ દોડી આવ્યા
  • આસપાસની સોસાયટીઓના રહીશોના જીવ પડીકે બંધાયા

હરણીમાં આવેલા સદગુરુ ટીમ્બર માર્ટ તેમજ જલારામ ડેપોમાં સોમવારે રાત્રે 9 વાગે અચાનક જ ભીષણ આગ લાગતાં આગના પગલે ભારે ઉત્તેજના ફેલાઇ હતી અને સ્થળ પર મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડે મેજર કોલ જાહેર કરી 10 બંબા દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. સદનસીબે નજીકમાં આવેલા જલારામ ટીમ્બરનું ગોડાઉન બચી જતાં તંત્રે ભારે રાહત અનુભવી હતી.

આગ એટલી વિશાળ હતી કે, સલામતીના કારણોસર નજીકમાં આવેલી રાજેશ્વર રેેસિડેન્સીનાં 12 મકાન ખાલી કરાવવામાં આવ્યાં હતાં. પ્રાથમિક તપાસમાં ફટાકડાની હવાઇઘૂસી જતાં આગ લાગી હોવાનું જણાયું હતું.પ્રાપ્ત થયેલી માહિતી મુજબ હરણીના સદગુરુ ટીમ્બર માર્ટમાં સોમવારે 9 વાગે અચાનક જ આગ લાગી હતી. આગનું કારણ સ્પષ્ટ થઇ શક્યું ન હતું, પરંતુ ગોડાઉનમાં ગાદલા બનાવવા માટેના ફર્મ તેમજ પ્લાયવુડ અને લાકડાનું ભૂસંુ હોવાના કારણે આગે અચાનક જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

સદગુરુ ટીમ્બર માર્ટની બાજુમાં જ જલારામ ટીમ્બર્ટ માર્ટ આવેલું હોવાના કારણે ફાયર બ્રિગેડે તુરંત 10 બંબા દ્વારા આગને બુઝવવાની કામગીરી શરૂ કરી હતી અને તેના કારણે નજીકમાં આવેલું ગોડાઉન બચી ગયું હતું.સતત એક કલાક બાદ પણ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી શકી ન હતી. ફાયરબ્રિગેડનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, ફર્મના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેના કારણે 10 બંબા દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવતો હોવા છતાં ઝડપથી આગ પર કાબુ મેળવી શકાયો ન હતો. આગ ભીષણ હોવાના કારણે મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યાં હતા.

પાણીનો ફોર્સ એટલો હતો કે, 5 જવાનોએ પાઇપ પકડવી પડી હતી
આગ પર કાબૂ મેળવવા માટે બંબામાંથી ખૂબ જ ફોર્સથી પાણી છોડવાનું શરૂ કરાયું હતું. પાણી એટલું ફોર્સથી છોડવામાં આવતું હતું કે, પાણીના પાઇપને પકડવા માટે પાંચ-પાંચ જવાનોને કામગીરી કરવા પડી હતી. આગ લાગવાના કારણે આજુબાજુના વિસ્તારમાં લાઇટ પણ જતી રહી હતી અને તેના કારણે કામગીરીમાં થોડી અડચણ થઇ હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયરના બંબાઓ સતત દોડતા રહ્યાં હતા.

નજીકની સોસાયટીના મકાનના કાચ તૂટી ગયા
સદગુરૂ ટીમ્બર માર્ટમાં વિકરાળ આગ લાગવાના કારણએ આજુબાજુમાં ભારે ગરમી ફેલાઇ હતી અને તેના કારણે નજીકમાં આવેલી રાજેશ્વરી રેસિડેન્સીના મકાનના કાચ પણ તૂટી ગયા હતા. આગની ઘટનાના પગલે આસપાસ મોટી સંખ્યામાં લોકો એકત્રીત થઇ ગયા હોવાના કારણે પોલીસને સતત ટોળા ભેગા ન થાય તે માટે એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું. બનાવની જાણ થતાં સ્ટેન્ડિંગ કિમિટના ચેરમેન સહિતના રાજકીય અગ્રણીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં.

આ લખાઇ રહ્યું છે ત્યારે આગ લાગવાની ઘટનાના બે કલાક બાદ પણ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો ન હતો. સદ્નસીબે આગ વધુ ફેલાય તેના પર કાબૂ મેળવી શકાતા નજીકમાં આવેલી અન્ય પ્રોપર્ટી બચી ગઇ હતી. રોડ પર પણ લોકોના મોટા ટોળાં જામતાં પોલીસે તેમણે વિખેરવા પડ્યાં હતાં.