સ્કૂલની છત ધરાશાયી:વડોદરાના સુંદરકુવા ગામની પ્રા.શાળામાં ફાઇબરની છત તૂટી પડી, રિસેસનો સમય હોવાથી 25 વિદ્યાર્થીઓનો બચાવ

વડોદરા25 દિવસ પહેલા

વડોદરા જિલ્લાના ડભોઈ મહુડી ભાગોળમાં આવેલી સુંદરકૂવા પ્રાથમિક શાળામાં 2001માં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ખાનગી કંપની દ્વારા બનાવવામાં આવેલી ફાઇબર રૂમની છત ધરાશાયી થઈ ગઈ હતી. સદભાગ્યે રિસેસનો સમય હોવાના કારણે 25 જેટલા વિદ્યાર્થીઓ રૂમની બહાર હોવાથી આબાદ બચાવ થયો હતો. આ બનાવના પગલે વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. આ ઘટનામાં જવાબદાર તંત્રની સ્પષ્ટ નિષ્કાળજી સામે આવી છે.

એક બાજુ કૂવો, બીજી તરફ ખાઈ જેવો ઘાટ
ડભોઇ મહુડી ભાગોળ પાસે સુંદરકૂવા પ્રાથમિક શાળા આવેલી છે. આ સ્કૂલમાં ધોરણ-1થી 8નાં વર્ગો છે. સ્કૂલમાં 5 જેટલા જૂના જર્જરીત રૂમ છે. તેમાં પણ વિદ્યાર્થીઓ જીવના જોખમે બેસીને અભ્યાસ કરી રહ્યા છે. 2001માં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સર્વ શિક્ષા અભિયાન હેઠળ ખાનગી કંપની દ્વારા ફાઇબરના રૂમો બનાવી આપવામાં આવ્યા હતા. તેવા ફાઇબરના રૂમોમાં પણ જિલ્લાની અનેક સ્કૂલોમાં વિદ્યાર્થીઓને બેસાડી અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. સ્કૂલના રૂમો જર્જરીત હોવાથી સ્કૂલના સંચાલકોને વિદ્યાર્થીઓને ફાઇબરના રૂમોમાં બેસાડીને અભ્યાસ કરાવવા સિવાય બીજો કોઇ વિકલ્પ હોતો નથી. જેથી વિદ્યાર્થીઓ માટે તો "એક બાજુ કૂવો અને બીજી તરફ ખાઈ" જેવો ઘાટ છે.

ફાઇબરના રૂમની છત પડતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ગભરાટ.
ફાઇબરના રૂમની છત પડતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ગભરાટ.

રિસેસ હોવાથી દુર્ઘટના ટળી
સુંદરકૂવા પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશભાઇ વસાવાએ ઘટના અંગે જણાવ્યું હતું કે, સ્કૂલમાં ધોરણ 1થી 5નાં વર્ગો છે. સ્કૂલમાં જર્જરીત થઈ ગયેલા રૂમો છે અને સરકાર દ્વારા બનાવી આપવામાં આવેલા ફાઇબરના રૂમો પણ છે. સ્કૂલમાં જુના જર્જરીત રૂમો તેમજ ફાઇબરના રૂમોમાં વિદ્યાર્થીઓને બેસાડી અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. નવા રૂમો બનાવવા માટે કાર્યવાહી ચાલી રહી છે. ફાઇબરના રૂમની છત પડતા હવે તે રૂમ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ફાઇબરની રૂમમાં ધોરણ-5ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હતા. રૂમની છત પડી ત્યારે 25 જેટલા વિદ્યાર્થીઓ રિસેસમાં હોવાથી રૂમમાં કોઇ હાજર ન હતું.

રિસેસનો સમય હોવાથી વિદ્યાર્થીઓ રૂમની બહાર હતા.
રિસેસનો સમય હોવાથી વિદ્યાર્થીઓ રૂમની બહાર હતા.

આચાર્ય પાસે ખુલાસો માંગવામાં આવશે
વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિન પટેલે (વકીલ) જણાવ્યું હતું કે, સુંદરકૂવા સ્કૂલમાં ફાઇબરની છત પડવાની બનેલી ઘટના ગંભીર છે. આવી દુર્ઘટનાઓ ન સર્જાય તે માટે વડોદરા જિલ્લાની પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વર્ષ-2015માં એક ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાની જે કોઈ પ્રાથમિક શાળામાં ફાઇબરના રૂમ હોય તે રૂમોનો ઉપયોગ કરવો નહીં. એટલે કે વિદ્યાર્થીઓને બેસાડીને અભ્યાસ કરાવવો નહીં. સુંદરકૂવા પ્રાથમિક શાળામાં જે ઘટના બની છે તે સ્કૂલના સંચાલકો પાસે ખુલાસો લેવામાં આવશે અને આ ઘટના બાદ પુનઃ એકવાર વડોદરા જિલ્લાની જે કોઇ પ્રાથમિક શાળામાં ફાઇબરના રૂમો હશે તે તાત્કાલિક ધોરણે બંધ કરાવવા માટે કડક સુચના આપવામાં આવશે.

છતનો કાટમાળ વિદ્યાર્થીઓની બેગો ઉપર પડ્યો.
છતનો કાટમાળ વિદ્યાર્થીઓની બેગો ઉપર પડ્યો.

તપાસ કરવામાં આવશે
સર્વ શિક્ષા અભિયાનના વડોદરા જિલ્લા પ્રોજેક્ટ એન્જિનિયર કનુભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લામાં 1052 પ્રાથમિક શાળાઓ આવેલી છે. આ શાળાઓ પૈકી 400 જેટલી શાળાઓમાં રાજ્યના શિક્ષણ વિભાગની સૂચના અનુસાર સર્વ શિક્ષા અભિયાન પ્રોજેક્ટ અંતર્ગત ખાનગી કંપની દ્વારા ફાઇબરના રૂમો બનાવવામાં આવ્યા હતા. જોકે, ફાઇબરના રૂમો બંધ કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 2015માં બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ છતાં, ડભોઇ સ્થિત સુંદરકૂવા પ્રાથમિક શાળામાં ફાઇબરના રૂમની છત પડવાની બનેલી ઘટના અંગે તપાસ કરવામાં આવશે.

ફાઇબરની પટ્ટીઓ લટકી પડી.
ફાઇબરની પટ્ટીઓ લટકી પડી.

ઠરાવ કર્યો મોનીટરીંગ ન થયું
ઉલ્લેખનિય બાબત એ છે કે, વડોદરા જિલ્લામાં ડભોઇની સુંદરકૂઇ પ્રાથમિક શાળા સહિત એવી અનેક શાળાઓમાં વર્ષો જુની સ્કૂલોના હયાત રૂમો જર્જરીત થઇ ગયા છે. અને જર્જરીત રૂમોમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે ઘટના બને છે ત્યારે તંત્રનો એક જ જવાબ હોય છે કે, નવિન રૂમો બનાવવા માટે મંજૂરીની રાહ જોવાઇ રહી છે. ફાઇબરના રૂમો બંધ કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વર્ષ-2015માં ઠરાવ કરી આચાર્યોને સત્તા આપી દેવામાં આવી હતી. પરંતુ, કેટલી સ્કૂલોના આચાર્યોએ તેનો અમલ કર્યો તે અંગે સમિતિ દ્વારા કોઈ મોનીટરીંગ કરવામાં આવ્યું ન હતું. સુંદરકૂવા પ્રાથમિક શાળામાં ફાઇબરના રૂમની છત પડતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિન પટેલે (વકીલ) પુનઃ કડક સૂચના આપવાની વાત દોહરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...