વર્તમાનનો વસવસો:વડોદરામાં નિયત સ્થળોએ ઉત્સવોની મોજ હવે યાદગીરી બની ગઇ છે

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
સમરજિતસિંહ ગાયકવાડ
મહારાજા - Divya Bhaskar
સમરજિતસિંહ ગાયકવાડ મહારાજા
  • ‘હાલમાં ઝડપથી બદલાતા જતા સમયમાં પરંપરાઓ, માન્યતાઓ અને ગરિમાને પણ અસર થઇ છે’

વડોદરા સમગ્ર ભારતમાં એકમાત્ર એવું શહેર છે જે સંસ્કારી નગરી છે, શિક્ષણનગરી છે અને કલાનગરી પણ છે. આ ઉપનામોના સંબોધનો તેને એકાદ બે દાયકામાં મળ્યા નથી. પણ છેલ્લી 15 સદીઓથી આ ભૂમિ પર રહેતા એ લાખો-કરોડો વડોદરાવાસીઓને આભારી છે. જેમણે આ શહેરને પોતાની ક્ષમતા, શક્તિ અને કૌશલ્ય વર્ષો સુધી આપ્યા છે.

હા ! એટલું ચોક્કસ છે કે, 18મી, 19મી અને 20મી સદીના પહેલા 50 વર્ષોમાં ખાસ કરીને મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમયમાં વડોદરામાં તેમણે નવા સેંકડો ટેલેન્ટેડ વ્યક્તિઓને સમાવ્યા અને તેનો લાભ વડોદરાને સીધો કે પરોક્ષ રીતે મળ્યો છે. વડોદરા એવું શહેર છે જ્યાં મેં રણજી મેચોથી માંડીને ઇન્ટરનેશનલ મેચો જોઈ છે. ક્રિકેટમાં જે બદલાવ આવ્યાં છે તેમાં તેનું કમર્શિયલાઇઝેશન થયું છે જે ક્રિકેટ માટે સારુ છે. મેં વડોદરા માટે રણજી ટ્રોફિની મેચો રમી છે પણ તે સમયે 21 વર્ષની વયે અભ્યાસ અને ક્રિકેટ વચ્ચે અભ્યાસ અવરોધાય નહીં તે જોવાનું હતું. મને ક્રિકેટમાં ખૂબ રસ હતો. વડોદરાના સ્થાપત્યનો ઉલ્લેખ થાય તો મારા મતે ન્યાયમંદિર શ્રેષ્ઠ છે. વડોદરાની મારી સૌથી વધુ પ્રિય જાહેર ઇમારત છે.

વર્ષો સુધી અન્ય શહેરોની કોર્ટ કરતાં વડોદરાનું ન્યાયમંદિર સરસાઇ ભોગવતું હતું. સ્વચ્છતા, પ્રકૃતિપ્રેમ અને વહીવટી કુશળતા જેવી વડોદરાની આગવી વિશેષતા હવે પરિવર્તન થતાં નવી ઊર્જાને ઝંખે છે. આજે વૃક્ષનિકંદન કરતાં વૃક્ષારોપણની વધુ જરૂર છે. આજથી ત્રણ દાયકા અગાઉ અમે કોલેજ જતા ત્યારે વિશ્વામિત્રી નદીમાં પાણી થોડું વહેતું હતું પણ સ્વચ્છ હતું. કિનારા સાફ-સુઘડ કહી શકાય તેવા હતા. વર્ષ દરમિયાન નક્કી કરેલા સ્થળે વિવિધ ઉત્સવોની મોજ ભૂતકાળ બની ગઇ છે. ઝડપથી બદલાતા જતાં સમયમાં પરંપરાઓ,માન્યતાઓ અને ગરિમાને પણ અસર થઇ છે.

પોળોની નવરાત્રીની ભક્તિમય ગરિમા સાથે હવે પાર્ટીપ્લોટ્સ અને મેદાની આયોજનો લોકોને આકર્ષે છે. શ્રીજીના તહેવારોમાં સ્થાપનો વરસોવરસ વધતા જાય છે. સુરસાગરમાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન એક ભવ્યતા હતી. ત્રણ-ચાર અગાઉના દાયકાઓ સુધી વડોદરામાં સમગ્ર પ્રજાજનો જુદા જુદા તહેવારો ચોક્કસ સ્થળોએ માણી શકતા હતા. ગઇ કાલથી આજ કાંઇ નવા જોમ-ઉત્સાહ સાથે નવું કરવાના અરમાન સાથે ઝડપથી પસાર થતા સમયને વર્તમાનની જરૂરિયાતો મુજબ બદલાવું પડી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...