યાદગીરી:ફેરિયાએ કહ્યું,અહીં કોઈ જાણકાર ન હોવાથી અત્તર વેચાતું નથી, લલ્લુ બહાદરે બધી શીશી ખરીદી તેનાથી સ્નાન કર્યું

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
માંડવી ચાર દરવાજા પાસે અત્તરની પહેલી દુકાન તેના જૂના વૈભવની યાદગીરી સાથે. - Divya Bhaskar
માંડવી ચાર દરવાજા પાસે અત્તરની પહેલી દુકાન તેના જૂના વૈભવની યાદગીરી સાથે.
  • ફેરિયાના કટાક્ષ પર મહારાજાએ કલકત્તા-યુપીથી અત્તરના વેપારીઓને તેડાવી વડોદરામાં વસાવ્યા
  • ​​​​​​​વડોદરાની પહેલી પર્ફયૂમ શોપ વર્ષ 1870ના દાયકામાં માંડવી વિસ્તારમાં ખૂલી હતી, જે આજે પણ હયાત

વડોદરામાં 1870ના દાયકા સુધીમાં અત્તરની એક પણ દુકાન ન હતી. કેટલાક ફેરિયાઓ વડોદરામાં નિયમિતપણે પોતાની પેટીઓ સાથે આવતા અને લોકોને મનપસંદ અત્તર વેચતા હતા. એ જમાનામાં વડોદરા શહેરમાં લલ્લુ બહાદર (જેમને બહાદૂરનો ખિતાબ અપાયો હતો પણ લોકજીભે બહાદર જ નામ હતુ)નામની એક શરાફી પેઢી હતી. તે સમયે માંડવી વિસ્તારમાં પેટી લઇને એક અત્તરવાળો અત્તર વેચવા આવ્યો હતો. તેની પાસે એકથી એક ચઢિયાતા અત્તર હતા. વડોદરામાં તે ઘણુ ફર્યો હશે પણ નસીબ વાંકુ હોવાથી આ અત્તરિયાના અત્તરનો કોઇ લેવાલ મળ્યો ન હતો.

છેવટે તેણે લલ્લુ બહાદરને ત્યાં નસીબ અજમાવવાનું નક્કી કર્યું. ત્યારે શેઠે આ અત્તરવાળાને સવાલ પૂછયો - કેટલું અત્તર વેચાયું ? પેલા ફેરિયાએ શેઠને રોકડુ પરખાવ્યું. વડોદરામાં અત્તરના કોઇ જાણકાર જ નથી. મારી એકેય શીશી વેચાઇ નથી. વાત વડોદરાની આવી એટલે લલ્લુ બહાદર પણ ભીતરથી સમસમી ગયા. આ ટોણો સાંભળ્યો છતાં તેમણે ઠંડા મગજે ફેરિયાને કહ્યું.- બધી જ શીશી આપી દે.પેલાએ બધી જ શીશી વેચી દીધી. પણ આ લલ્લુ બહાદર હતા. પોતાની હવેલીના બાથરૂમમાં ગયા, અત્તરથી નાહ્યા અને બાકીની અત્તરની શીશીઓ નોકરોને બોલાવીને વડોદરાની ખુલ્લી ગટરોમાં રેડવાની સૂચના આપી. સૂચનાનું પાલન થયું. પછી લલ્લુ બહાદરે આ રજૂઆત તે સમયના મહારાજા ખંડેરાવને કરી.

મહારાજાએ પણ રસ લઇને વડોદરામાં અત્તર બનાવનારાઓ અને અત્તરના વેપારીઓને વડોદરા બોલાવ્યાં. શરૂઆતના તબક્કે કલકત્તા ( હાલનું કોલકાતા ) અને યુપીથી બોલાવવામાં આવ્યાં. એટલું જ નહીં માંડવીની આસપાસ જ હાલના જમનાબાઇ હોસ્પિટલની પાછળના વિસ્તારમાં રહેણાંક માટે જમીનો આપવામાં આવી હતી. પર્ફયૂમની પહેલી દુકાન કોલકાતાથી આવેલા ઇબ્રાહિમ અત્તરવાલાએ ખોલી હતી. તેમના પ્રપૌત્ર અકબરભાઇ કહે છે કે, ‘1880ના દાયકામાં તેમને માંડવી પાસેના રાધાકૃષ્ણના મંદિરની આગળ જ તેમને દુકાન અપાઇ હતી. આ દુકાન આજે પણ છે.

અમારી વ્હોરા કમ્યૂનિટીના લોકો મોગરા, ગુલાબ, હિના(મેહંદી), જૂઇ, કેવડા,માટી વગેરેમાંથી અત્તર બનાવીને વેચતા હતા. ટૂંક સમયમાં જ વડોદરા જ નહીં સમગ્ર વિસ્તારમાં આ અત્તરવાળાઓના અત્તરની માગમાં જોરદાર વધારો થઇ ચૂક્યો હતો. વિવિધ વ્યંજનો ખાસ કરીને પુલાવ, બિરયાની અને દૂધમાંથી બનતી કેટલીક વાનીઓમાં વિશેષ સુગંધ માટે અત્તર રેડાય છે. હવે વડોદરામાં કોઇ પ્રાકૃતિક અત્તર બનાવતું નથી પણ યુપીના કનૌજથી અત્તર મગાવીને પોતાના દ્રવ્યો ઉમેરીને વેચે છે. હાલમાં ઇબ્રાહીમભાઇની ચોથી પેઢીના ત્રણ ભાઇઓ સહિતનો પરિવાર અત્તર વેચે છે. લલ્લુ બહાદર અને અત્તરવાળાની વાત આજે પણ અત્તરના જૂના વેપારીઓની જીભે રમે છે.

150 વર્ષ જૂની બોટલ, અત્તર કરતાં પણ હવે મોંઘી
વડોદરાના કેટલાક અત્તરના જૂના વેપારીઓ પાસે અત્તરની જૂની બોટલો છે. આ બોટલોને ઘસતાં આજે પણ નવી જેવી લાગે છે. એટલું જ નહીં આ બોટલોના ઢાંકણ પણ વિશેષ શૈલીના છે. વેપારીઓના મતે આ બોટલો 100થી 150 વર્ષ જૂની છે પણ તેમાં મૂકવામાં આવતા અત્તર કરતા તેની કિંમત વધુ છે. જોકે વેપારીઓ જૂની યાદગીરી તરીકે પોતાની પાસે જ આ રાખે છે.

114 વર્ષ અગાઉ એક તબીબ પણ અત્તર મેકર બન્યાં હતા
વડોદરામાં અત્તર મેકર તરીકે વોરા સમુદાયના કેટલાક અત્તરિયાઓ ઉપરાંત એક મહારાષ્ટ્રીયન તબીબે પણ અત્તરના ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. આ તબીબ હતા ડો. ખંડેરાવ અરગડે. તેમણે શરૂઆતમાં આયુર્વેદિક હેર ઓઇલ બનાવ્યા પછી બદામ,ચંદનના લાકડા અને અન્ય વનસ્પતિ-ફળોમાંથી શરબતો તૈયાર કર્યા અને છેવટે અત્તરના ધંધામાં પણ ઝંપલાવ્યું અને જબરી લોકપ્રિયતા હાંસલ કરી હતી. આજે તેમની ચોથી પેઢીના સભ્યો પણ અત્તરનો કારોબાર કરે છે.

અગાઉ લોકો દેશી અત્તરનો ફાયો કાનમાં ખોસવા લઇ જતા હતા
અત્તરના વેપારી પરિતોષ અરગડે કહે છે કે, તેમને વડોદરાના વોરા સમુદાયના લોકોએ અત્તર કેવી રીતે બને તેનો નુસ્ખો શીખવ્યો હતો. હજી 15થી 20 વર્ષ અગાઉ લોકો દેશી અત્તરનો ફાયો (કાનમાં ખોસવાનું અત્તર રેડ્યું રૂ) માગતા હતા, જેને અમે પણ બે રૂપિયાની નજીવી કિંમતે વેચતા હતા. જો કે હવે વિદેશી પર્ફયૂમ અને ચાઇનીઝ બનાવટના સ્પ્રેના ક્રેઝમાં હવે પ્રાકૃતિક અને દેશી અત્તરની માગ ઘટી ગઇ છે. જેને લઇને હવે અત્તરની દુકાનો સીમિત રહી ગઇ છે.

આજવા પાસે આખંુ કેવડાનું વન ઊભું કરાયું હતું
રાજવીઓ દ્વારા વસાવેલા અત્તરના વેપારીઓને ફુલ નિયમિતપણે મળતા રહે તે માટે રાજવી દ્વારા આજવા પાસે એક જમીન આપવામાં આવી હતી, આ જમીન પર કેવડાનું વન હતું. કેવડાના છોડ આજવા તળાવની પાળને પણ ધોવાણથી સુરક્ષિત રાખતા હતા.

અન્ય સમાચારો પણ છે...