લોકદરબાર:પિતાનો વલોપાત, પુત્રે વ્યાજખોરો પાસે રૂપિયા લીધા, ત્રાસને કારણે 2 વર્ષથી ઘરે નથી આવ્યો

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકદરબાર / 27 નાગરિકોએ ફરિયાદ કરી, વૃદ્ધોની ફરિયાદ ઘરે જઇ લેવાની પો.કમિશનરની ટકોર

છેલ્લા એક સપ્તાહથી શહેરમાં વ્યાજખોરીને લઈને વિવિધ પોલીસ સ્ટેશનોમાં લોક દરબારનું આયોજન થઇ રહ્યું છે. જેમાં લોકો રજૂઆતો કરી રહ્યા છે અને તેની સામે પોલીસ પણ કડક પગલા ભરી રહી છે. ગુરુવારે ગાંધીનગર ગૃહમાં લોક દરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 27 નાગરીકોએ પોતાની સમસ્યા રજૂ કરી હતી. લોકોની દુવિધાઓ દુર કરવા માટે બેન્કના અધિકારીઓનું ડેસ્ક પણ ગોઠવાયું હતું. લોકદરબારમાં સિનિયર સિટીઝનની રજૂઆત આવતા પોલીસ કમિશ્નરે માનવતાનું વલણ અપનાવતા કહ્યું હતું કે, પોલીસ અધિકારી તેઓના ઘરે જઈને તેઓની ફરિયાદ લેશે.

મારા પિતાએ વ્યાજખોરોના ત્રાસને કારણે આત્મહત્યા કરી લીધી
​​​​​​​20 સપ્ટેમ્બર 2022ના રોજ વહેલી સવારે નિવૃત્ત કારકુન કનુ વસાવાએ પોતાના બેડ રુમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. બીજા દિવસે તેમના થેલા માંથી એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં તેઓએ પોતાની આત્મહત્યાનું કારણ લખ્યું હતું. જેમાં તેઓએ 5 વ્યાજખોરો આકાશ પટેલ, નિલેષ, જમના ઉર્ફે અઘોરીબાબા, ભાવેશ અને ગોવિંદ ભરવાડના નામ લખ્યા હતા. આ તમામ લોકો કનુભાઈને રૂપિયા માટે માનસિક ત્રાસ આપતા હતા. પોલીસ વિભાગમાંથી નિવૃત થયેલા ગોવિંદ ભરવાડ પાસેથી કનુભાઈએ રૂપિયા લીધા નહોતા છતા તે કનુભાઈ પાસેથી માંગતો હતો. આ તમામના ત્રાસના કારણે કનુભાઈએ આત્મહત્યા કરી હતી. કનુભાઈએ પુત્રે લોકદરબારમાં આ અંગે રજૂઆત કરી હતી.

વ્યાજખોરે મને ફસાવી, જેના કારણે મને 1 વર્ષની સજા થઈ
લોક દરબારમાં વાડી વિસ્તારની એક મહિલા ભાવી ધુમાડે રજૂઆત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તે કરુણા કહાર જે વ્યાજે નાણા ધીરવાનું કામ કરે છે તેમની ત્યાં રુપિયાની લેવડ-દેવડનું કામ કરતી હતી. દરમિયાન કોઈ લેણદારે કરૂણાને રૂપિયા આપ્યા નહોતા. આ બાબતે કરુણાએ ભાવીને ફસાવીને તેના નામે બેંકમાં ચેક નાખીને તેની સામે 138 હેઠળ કોર્ટમાં કેસ કર્યો હતો. કરુણાએ કોર્ટમાં ભાવીના વકિલને પણ પોતાની બાજૂ કરી લીધો હતો. જેના કારણે ભાવીને 1 વર્ષની સજા થઈ હતી. તે 9 દિવસ જેલમાં રહીને આવી અને 2 દિવસ પહેલા જ જામીન પર બહાર આવી હતી.

વ્યાજખોરે બેંકમાં મારા પરિવારના 6 ખાતાં ખોલાવી લોનો લઇ લીધી
​​​​​​​પ્રશાંત પટેલે નિલેશ અને અનુજ હિંગુ પાસે વ્યાજે નાણા માંગતાં નિલેષે જણાવ્યું કે અમે જે બેંકમાં કહીએ ત્યાં ખાતું ખોલાવવુ પડશે અને પ્રશાંત પટેલના પરિવાર સહિતના ધી બરોડા ટ્રેડસ. કો.ઓ.બેંકમાં 6 ખાતા ખોલાવ્યા હતા. જેની ચેકબુક આવતા 36 કોરા ચેક નિલેશ અને અનુજે લીધા હતા. ઘરના 6 વ્યક્તિના શ્રી ગોકુલેશ સહકારી મંડળીમાં ખાતા ખોલાવ્યા હતા જેમાં મેનેજર ગોકુલેશ શાહે દરેક ખાતાની 1 લાખની લોન પાસ કરી હતી. નિલેષ-અનુજ હિંગુએ 6 લાખ રુપિયા ઉપાડ્યા હતા. બેન્કમાં લોનના હપ્તા ના ભરતા બેન્કે તેમની વિરુદ્ધ 138ની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

મકાન વેચીને વ્યાજ ભર્યું છતાં વ્યાજખોરનો માનસિક ત્રાસ છે
સિટી વિસ્તારમાં રહેતા જૂનૈદાબેને 6 વર્ષ પહેલા નુરઝહાબીબી સૈયદ પાસેથી 2 લાખ રુપિયા 20 ટકા વ્યાજે લીધા હતા. સામે 5 લાખ ચુકવી દીધા હતા. તેમ છતા નુરઝહાએ તેમની વિરુદ્ધ 138 કલમ હેઠળ કોર્ટમાં કેસ કર્યો હતો. જેના કારણે તેઓઓ 2 લાખ દંડ પણ ચુકવ્યો હતો. અત્યાર સુધી જૂનૈદાબેને 2 લાખની સામે તેમના પતિની રીક્ષા અને મકાન વેચીને 7 લાખ આપી દીધા હતા. તેમ છતા નુરઝહા તેઓને માનસિક ત્રાસ આપતી હતી હતી. જૂનૈદાબેન આ અંગે સમાધાન કરવા માંગતા હોવા છતા નુરઝહા તેઓને ધમકી આપતી હતી કે તારી સામે માનહાનીનો કેસ કરીશ.

દીકરાએ આત્મહત્યાનો પ્રયાસ કરવો પડ્યો હતો
વૃદ્ધ રશ્મિકાંત દવેએ પોલીસ કમિશ્નરને અરજી કરી હતી કે, મારો દિકરો મકાન બાંધકામનો ધંધો કરતો હતો. વેપાર માટે તેણે રુપિયા લીધા હતા અને અદાંજીત બેથી અઢી કરોડ રુપિયા લીધા હતા. પણ વ્યાજ ખોરોનો ત્રાસને કારણે મારા દિકરાએ એક વાર આત્મહત્યા સુધીનો પ્રયાસ કર્યો હતો. તે સમયે તેના ખિસ્સામાંથી ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં વ્યાજખોરોના નામ લખ્યા હતા. આ બાદ પણ વ્યાજખોરોનો ત્રાસ ચાલુ જ રહ્યો હતો. જેના કારણે 14 ઓક્ટોબર 2021થી મારો દિકરો ઘરે આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...