સામાન્ય ઝઘડામાં હત્યા:વડોદરાના ખોડિયારનગરમાં પડોશી સાથે મારામારી થતાં પુત્રને છોડાવવા વચ્ચે પડેલા પિતાનું મોત, પતિ-પત્ની સહિત 3 આરોપીની ધરપકડ

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક અરવિંદભાઇ રાઠોડની ફાઇલ તસવીર - Divya Bhaskar
મૃતક અરવિંદભાઇ રાઠોડની ફાઇલ તસવીર
  • આધેડને ધક્કો વાગતા પડી જતાં બેભાન થઇ ગયા, ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું

વડોદરા શહેરના ખોડિયારનગર વુડાના આવાસમાં પડોશી વચ્ચે થયેલી મારામારીમાં પુત્રને છોડાવવા વચ્ચે પડેલા પિતાનું મોત મોત નીપજ્યું હતું. ગુરૂવારે મોડી સાંજે બનેલા આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મુકી હતી. પોલીસે હુમલાખોરો સામે હત્યાનો ગુનો દાખલ કરીને પતિ-પત્ની સહિત 3 આરોપીની ધરપકડ કરી છે.

આધેડ પર હુમલો કર્યો
ખોડિયારનગર વુડાના આવાસમાં બ્લોક નંબર-14, મકાન નંબર-20માં રહેતા અરવિંદભાઇ રાઠોડ અને પડોશમાં રહેતા દિનેશ રાઠોડના પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલા ઝઘડાએ એકાએક ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હતું અને દિનેશભાઇ ભીખાભાઇ રાઠોડ, પત્ની મીનાબેન રાઠોડ(બંને રહે વુડાના મકાનમાં, ન્યુ વીઆઇપી રોડ) અને ગેમાભાઇ સુખાભાઇ રાઠોડે આધેડ અરવિંદભાઇ રાઠોડ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં અરવિંદભાઇ રાઠોડ (ઉં.54)નું મોત નીપજ્યું હતું.

લોકોના ટોળા એકઠા થઇ ગયા
વુડાના આવાસમાં મોડી સાંજે બનેલા મારામારીના આ બનાવમાં આધેડનું મોત નીપજતાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. દરમિયાન આ બનાવની જાણ બાપોદ પોલીસને થતાં પી.આઇ. યુ.જે. જોષી સ્ટાફ સાથે દોડી ગયા હતા અને અમિત અરવિંદભાઇ રોઠાડની ફરિયાદના આધારે દિનેશ રાઠોડ તેની પત્ની સહિત ત્રણ વ્યક્તિ સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ પોલીસે લાશનો કબજો લઇ પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.

પુત્રને છોડાવવા વચ્ચે પડેલા પિતાનું મોત
બાપોદ પોલીસ મથકના પી.આઇ. યુ. જે. જોષીએ જણાવ્યું હતું કે, અમિત રાઠોડને પડોશી દિનેશ રાઠોડના પરિવારજનો સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં દિનેશ રાઠોડ અને તેના પરિવારજનોએ અમિત ઉપર લાકડીઓથી હુમલો કર્યો હતો. દરમિયાન આ બનાવની જાણ અમિતના પિતા અરવિંદભાઇને થતાં તેઓ દોડી આવ્યા હતા અને છોડાવવા વચ્ચે પડ્યા હતા. જેમાં અરવિંદભાઇને ધક્કો વાગતા પડી જતાં બેભાન થઇ ગયા હતા.

સારવાર દરમિયાન આધેડનું હોસ્પિટલમાં મોત
અરવિંદભાઇ રાઠોડ બેભાન થઇ જતાં તુરંત જ તેઓને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાલ બાપોદ પોલીસે ઝઘડામાં મોતને ભેટેલા અરવિંદભાઇ રાઠોડના પુત્ર અમિત રાઠોડની ફરિયાદના આધારે દિનેશ રાઠોડ અને તેની પત્ની સહિત ત્રણ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને પતિ-પત્ની સહિત 3 આરોપીની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...