ઠગાઈ:વડોદરામાં નંદલાલ જ્વેલર્સના પિતા-પુત્રની ત્રિપુટીએ દાગીના બનાવવાના મશીનોની ખરીદી 1.25 કરોડની છેતરપિંડી કરી

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ બ્રાંચે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
ક્રાઈમ બ્રાંચે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર)
  • વેપારીને પ્રોફિટની લાલચ આપીને છેતરપિંડી કરી હતી

વડોદરા શહેરના કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સમાં આવેલ નંદલાલ જ્વેલર્સના પિતા, પુત્રની ત્રિપુટીએ વેપારીને પ્રોફિટની લાલચ આપી સોનાના દાગીના બનાવવા માટેના મશીનોની ખરીદી માટે રૂપિયા 1.25 કરોડ પડાવી છેતરપિંડી કરી હોવાનો બનાવ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયો છે.

કારેલીબાગ સોનારિકા સોસાયટીમાં રહેતા 62 વર્ષિય વૃદ્ધ રાજકુમાર રમેશચંદ્ર જૈનની ફરિયાદ અનુસાર, તેઓ ઓમ શિવા એન્ટરપ્રાઈઝ અને એવીએસ હોસ્પિટાલિટી સર્વિસના નામથી કેટરિંગ અને લેબર સપ્લાયરનું કામ કરે છે. કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સમાં આવેલા નંદલાલ જ્વેલર્સમાંથી વૃદ્ધ પ્રસંગોપાત દાગીના ખરીદતા હોવાથી જ્વેલર્સના માલિક નંદલાલ સોની અને તેના દીકરાઓ નિલેષ સોની અને નિમેશ સોનીને તેઓ વર્ષ 2010થી ઓળખે છે.

વૃદ્ધનો આક્ષેપ છે કે, વર્ષ 2013માં પિતા-પુત્રોએ ભેગા મળીને જણાવ્યું હતું કે, તેમને સોનાના દાગીના બનાવવા માટે મશીનો લાવવાનાં છે. જેથી અમારા ધંધામાં રોકાણ કરો તો સારો પ્રોફિટ આપીશું. પિતા-પુત્રે ધંધામાં રૂા.2 કરોડનું રોકાણ કરવા માટે જણાવ્યું હતું. વૃદ્ધે પિતા-પુત્રો પર વિશ્વાસ મૂકીને નંદલાલ જ્વેલર્સ પેઢીમાં વર્ષ 2013 થી 2018 સુધીમાં ટુકડે-ટુકડે રોકડા તેમજ ચેકથી કુલ રૂા.1.25 કરોડ રકમ આપી હતી. રોકાણ કર્યા બાદ વૃદ્ધે પ્રોફિટની વાત કરતાં પિતા-પુત્રોએ પૂરું રોકાણ કરો ત્યાર બાદ પ્રોફિટ આપીશું તેમ જણાવ્યું હતું. જોકે વૃદ્ધે અવાર-નવાર પ્રોફિટ આપવાની વાત કરતાં તેઓ વાયદાઓ કર્યા કરતા હતા.

આખરે 22 એપ્રિલ, 2021ના રોજ પિતા-પુત્રો દુકાન બંધ કરીને જતા રહ્યા હતા. તેમના મોબાઇલ નંબરો પણ બંધ આવતાં આખરે રાજકુમાર જૈન દ્વારા નંદલાલ જ્વેલર્સના નંદલાલ સોની અને તેના દીકરાઓ નિલેષ સોની અને નિમેશ સોની વિરુદ્ધ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી.

85 લાખ રોકડા અને ચેક અપાયેલા
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા રાજકુમાર જૈન અલગ અલગ કંપનીઓમાં કેટરિંગનું કામ તથા લેબર સપ્લાયરનું કામ કરે છે. વર્ષ 2010 દરમિયાન કારેલીબાગ વિસ્તારના આમ્રપાલી કોમ્પ્લેક્સ માં આવેલા નંદલાલ જ્વેલર્સ ખાતે દાગીનાની ખરીદી વખતે નંદલાલ સોની તથા તેઓ ના દીકરા નિલેશ સોની અને નિમેષ સોની સાથે પરિચય થયો હતો. વર્ષ 2013 દરમિયાન પિતા-પુત્રની ત્રિપુટીએ જણાવ્યું હતું કે, અમારે ધંધો સારો ચાલે છે સોનાના દાગીના બનાવવા માટે મશીન લાવવાના છે. તમે ધંધામાં રોકાણ કરશો તો સારો પ્રોફિટ આપીશું તેવી લાલચ આપી હતી. જેથી રાજકુમાર જૈને ટુકડે ટુકડે 85 લાખ રોકડા તેમજ 40 લાખના ચેક આપ્યા હતા.

લેટરપેડ પર કબૂલાત કરી હોવા છતાં રૂપિયા ન આપ્યાં
કુલ 1.25 કરોડ નંદલાલ જ્વેલર્સ નામની પેઢીના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યાં હતાં. જે અંગે પિતા-પુત્રની ત્રિપુટીએ પેઢીના લેટરપેડ ઉપર 1.25 કરોડ સ્વિકાર્યા હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ કોઈ લાભ ન મળતાં રકમ પરત માંગી હતી. ત્યારબાદ પિતા-પુત્રના મોબાઈલ નંબર બંધ થઈ જતા અને દુકાને તાળા વાગી જતા પોતે છેતરાયા હોવાની વિગતો સપાટી પર આવી હતી. ફરિયાદના આધારે પોલીસે નિમેષ નંદલાલ સોની ,નિલેશ નંદલાલ સોની અને નંદલાલ લાલજી ભાઈ સોની (રહે - પોલીસની ફરિયાદમાં માત્ર દુકાનનું સરનામું છે ) વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

નંદલાલ જ્વેલર્સના સંચાલકોએ બીજા કોની પાસેથી નાણાં ખંખેર્યાં તેની તપાસ
પોલીસ દ્વારા નંદલાલ જ્વેલર્સ દ્વારા વૃદ્ધ ઉપરાંત બીજા કેટલાના રૂપીયા ખંખેર્યાં હતાં તેની પણ તપાસ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત નંદલાલ જ્વેલર્સના સંચાલકોના ઘરે પણ પોલીસ તપાસ કરશે. પોલીસ આરોપીઓના મોબાઈલ લોકેશનના આધારે પણ તેમની શોધખોળ માટે તજવીજ હાથ ધરી છે.

બચતના રૂપિયા બિઝનેસમાં લગાવ્યા હતા
નંદલાલ જ્વેલર્સમાં મેં બચતના રૂપિયા ધંધાર્થે લગાવ્યા હતા. જ્વેલર્સના સંચાલકોએ મારા રૂપિયા ચાઉં કરતાં પિતા-પુત્રો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. > રાજકુમાર જૈન, ફરિયાદી