• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Father Serves As Head Constable In Vadodara Son Becomes Police Inspector, Says I Will Follow In Fathers Footsteps And Do Public Service

પિતા બાદ પુત્ર પણ પોલીસ સેવામાં:વડોદરામાં પિતા હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, પુત્ર પોલીસ ઇન્સ્પેક્ટર બન્યો, કહ્યું: 'પિતાના રસ્તે ચાલીને લોકસેવા કરીશ'

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસ હેડ કોન્સ્ટેબલના પુત્રએ પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરી. - Divya Bhaskar
પોલીસ હેડ કોન્સ્ટેબલના પુત્રએ પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરી.
  • મહિપાલસિંહ કહે છે, અમદાવાદના ડીસીપી અમિત વસાવાથી મને પ્રેરણા મળી, IPS દીપક મેઘાણી મારા આદર્શ છે
  • પોલીસ ઇન્સ્પેક્ટર ટ્રેનિંગનો ઓર્ડર આવતાં GST ઇન્સ્પેક્ટરની ફરજ પરથી રાજીનામું આપી દીધું

વડોદરા શહેર પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ સોલંકીના પુત્ર મહિપાલસિંહ સોલંકીએ પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરી છે. પિતા ટ્રાફિક-પોલીસમાં હેડ કોન્સ્ટેબલ છે અને પુત્ર પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવશે.

પિતાની જેમ લોકસેવા કરવાની પુત્રની નાનપણથી ઇચ્છા હતી
પુત્ર મહિપાલસિંહની પોલીસ ઇન્સ્પેકટર તરીકે પસંદગી થતાં પિતા રાજેન્દ્રસિંહે જણાવ્યું હતું કે મારા બે દીકરા છે, મહિપાલ મારો મોટો દીકરો છે. અમારા આખા કુટુંબમાં મારા સિવાય કોઈ પોલીસ ખાતામાં નહોતું, જોકે હવે મહિપાલ પોલીસ ઇન્સ્પેક્ટર બન્યો છે. હું વડોદરા ટ્રાફિક-પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવું છું. મારી નોકરીને હજી પાંચ વર્ષ બાકી છે. મહિપાલ નાનપણથી મને જોતો કે કંઇ રીતે હું પોલીસ ખાતામાં નોકરી કરું છું. મહિપાલ પિતા રાજેન્દ્રસિંહને કહે છે, મારી પણ પપ્પા તમારી જેમ પોલીસની નોકરી કરીને લોકોને રાજ્યની સેવા કરવી છે.

પોલીસમાં ભરતી થવા માટે ખૂબ મહેનત કરતો હતો
રાજેન્દ્રસિંહે વધુમાં જણાવ્યું હતું કે મહિપાલ પોલીસમાં ભરતી થવા માટે ખૂબ મહેનત કરતો હતો. એવામાં વર્ષ-2018માં રાજ્ય સરકાર દ્વારા ડાયરેક્ટ પોલીસ ઇન્સ્પેકટરની ભરતી બહાર પાડી હતી, જેથી મહિપાલ તેની તૈયારીમાં લાગી ગયો હતો. ખૂબ મહેનત અને પરિશ્રમ બાદ તેને આ પરીક્ષામાં સફળતા મળી અને આખા મધ્ય ગુજરાતમાંથી એકમાત્ર મારા પુત્રની પસંદગી થઇ છે.

પોલીસ ઇન્સ્પેક્ટર ટ્રેનિંગનો ઓર્ડર આવતાં GST ઇન્સ્પેક્ટરની ફરજ પરથી રાજીનામું આપી દીધું.
પોલીસ ઇન્સ્પેક્ટર ટ્રેનિંગનો ઓર્ડર આવતાં GST ઇન્સ્પેક્ટરની ફરજ પરથી રાજીનામું આપી દીધું.

પહેલીવારમાં જ ક્લિયર કરી લીધી
મહિપાલસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે મેં વડોદરા શહેરની શ્રી નારાયણ વિદ્યાલયમાંથી સ્કૂલિંગ પૂર્ણ કર્યું, ત્યાર બાદ સુરતથી બી.ઇ ઇલેક્ટ્રિકલ કર્યું અને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી શરૂ કરી હતી, જેમાં જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા આપીને ફાઇનલ સુધી પહોંચ્યો, પણ સિલેક્શન ના થયું. એક તબક્કે મનમાં થોડુ દુઃખ થયું, પણ હિંમત ન હારી. દરમિયાન વર્ષ 2018માં GPSC પોલીસ ઇન્સ્પેકટર ક્લાસ-2 ડાયરેક્ટ રિક્રૂટમેન્ટની જાહેરાત થઇ હતી, જેથી પરીક્ષા આપી અને પહેલીવારમાં જ ક્લિયર કરી લીધી હતી.

પોલીસ ખાતામાં ભરતી થવા 2016થી તૈયારી શરૂ કરી હતી
મારી આ સિદ્ધિ પાછળ સૌથી મોટી પ્રેરણા મને મારા પિતા તરફથી મળી, નાનપણથી પિતાને પોલીસ ખાતામાં નોકરી કરી લોકસેવા કરતા જોતો આવ્યો છે, જેથી મેં પણ લોકસેવા કરવાનું મન બનાવી લીધું હતું. પોલીસ ખાતામાં ભરતી થવા માટે વર્ષ-2016થી તૈયારી શરૂ કરી હતી. એમ.એસ.યુનિવર્સિટીની AISC લાઇબ્રેરીમાં બેસી વાચન કરતો, જ્યાં મારી સાથે અમિત વસાવા UPSCની તૈયારી કરતા હતા.

IPS અધિકારીઓને આદર્શ માને છે
અમિતભાઇને જોઇ તેમની પર્સાનલિટીથી લઇને અનેક વસ્તુઓ મારી માટે પ્રેરણારૂપ બની હતી. પરીક્ષાની તૈયારી સમયે અમિતભાઇનું માર્ગદર્શન મળતું અને તેમના જ કારણે હું આજે અહીં સુધી પહોંચી શક્યો છું. અમિત વસાવા અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી છે. વધુમાં મહિપાલસિંહ જણાવે છે કે મારા જીવનમાં પોલીસ અધિકારી તરીકે હું IPS દીપક મેઘાણી (વડોદરા ડીસીપી ઝોન-1)ને મારા આદર્શ તરીકે માનું છું.

મહિપાલસિંહ કહે છે, અમદાવાદના ડીસીપી અમિત વસાવાથી મને પ્રેરણા મળી, IPS દીપક મેઘાણી મારા આદર્શ છે.
મહિપાલસિંહ કહે છે, અમદાવાદના ડીસીપી અમિત વસાવાથી મને પ્રેરણા મળી, IPS દીપક મેઘાણી મારા આદર્શ છે.

પહેલી ઓગસ્ટથી મારી ગાંધીનગર કરાઇ ખાતે ટ્રેનિંગ શરૂ થશે
મહિપાલસિંહે જણાવ્યું હતું કે આગામી પહેલી ઓગસ્ટથી મારી ગાંધીનગર કરાઇ ખાતે ટ્રેનિંગ શરૂ થશે, જ્યાં એક વર્ષની ટ્રેનિંગ બાદ એક વર્ષ ફિલ્ડ ટ્રેનિંગ અને ત્યાર પછી કમાન્ડો ટ્રેનિંગ આમ કુલ 27 મહિના સુધી ટ્રેનિંગ ચાલશે. વર્ષ-2018માં જીપીએસસીની પ્રીલિમીનરી પરીક્ષા આપી, પછી ફિઝિકલ અને મેઇન્સ એક્ઝામ બાદ ઇન્ટરવ્યુ અને આખરે ફાઇનલ સિલેક્શન. વર્ષ 2018માં પોલીસ ઇન્સ્પેકટરની પરીક્ષાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી, પરંતુ કોરોનાના કારણે મોડું થતાં હમણાં મારો ઓર્ડર આવ્યો છે.

યુવાનો જો વિદેશમાં જ રહેવાનું પસંદ કરશે તો દેશની સેવા કોણ કરશે?
તે આગળ જણાવે છે, આજની યુવા પેઢી વિદેશમાં અભ્યાસ કરવાનું અને પછી ત્યાં જ રહેવાનું પસંદ કરે છે, પરંતુ ભારતમાં જન્મેલી વ્યક્તિએ દેશ અને લોકસેવા માટે પણ વિચારવાની જરૂર છે. દેશની યુવા પેઢી ભારતમાં જન્મી મોટી થઈ જો વિદેશમાં જ રહેવાનું પસંદ કરશે તો દેશની સેવા કોણ કરશે?

પોલીસ ઇન્સ્પેક્ટર ટ્રેનિંગનો ઓર્ડર આવતાં GST ઇન્સ્પેક્ટરની ફરજ પરથી રાજીનામું આપી દીધું
મહિપાલસિંહ અત્યારસુધી GST ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા હતા. જોકે તેમની પોલીસ ઇન્સ્પેકટર તરીકે પસંદગી થઈ જુલાઇ મહિનામાં ઓર્ડર આવતાં તેણે GST ઇન્સ્પેકટરની ફરજ પરથી રાજીનામું આપી દીધું અને હવે પોલીસ ઇન્સ્પેકટરની ટ્રેનિંગ પૂર્ણ કરી પિતાની જેમ લોકસેવા કરશે.

અન્ય સમાચારો પણ છે...