• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Father Of Two Made A Mischievous Fashion Designer A Virgin Mother, Saying You Are A Tribal Bhildi, Don't Adorn Our House In Vadodara

લગ્નની લાલચે દુષ્કર્મ:વડોદરામાં બે સંતાનના પિતાએ દુષ્કર્મ આચરી ફેશન ડિઝાઇનર યુવતીને કુંવારી માતા બનાવી, કહ્યું: 'તું આદિવાસી છે, અમારા ઘરમાં ન શોભે'

વડોદરા3 મહિનો પહેલા
  • પતિ-પત્ની અને તેના મિત્રએ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી
  • કુંવારી માતા બનેલી યુવતીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

વડોદરા શહેરમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર બે સંતાનના પિતા સામે કુંવારી માતા બનેલી ફેશન ડિઝાઇનર યુવતીએ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, લગ્નની વાત છુપાવીને બે સંતાનોના પિતાએ દુષ્કર્મ આચર્યું હતું. પુત્રને જન્મ આપ્યા બાદ યુવાન અને તેની પત્ની અને તેના મિત્રએ "તું આદિવાસી છે, તું અમારા ઘરમાં ન શોભે" તેમ જણાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

વડોદરામાં યુવક અને યુવતી વચ્ચે પરિચય થયો
વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પ્રિતીબહેન(નામ બદલ્યું છે) નર્મદા જિલ્લામાં પરિવાર સાથે રહે છે. વર્ષ-2010માં પ્રિતી અપડાઉન કરીને વડોદરામાં ફેશન ડિઝાઇનરનો કોર્સ કરવા માટે આવતી હતી. તે સમયે તેનો પરિચય છોટાઉદેપુર જિલ્લાની કવાંટ એપીએમસી સામે નસવાડી રોડ પર રહેતા પ્રદિપકુમાર ઉર્ફ પપ્પુ રામસમુજ જયશ્વાલ સાથે થયો હતો. દરમિયાન બંને વચ્ચે મોબાઇલ ફોન પર વાતો થતાં એકબીજાના નજીક આવ્યા હતા. પ્રિતીબહેન સુરત નોકરી કરવા ગઇ હતી, ત્યારે પણ પ્રદિપ ઉર્ફ પપ્પુ અવાર-નવાર પ્રિતી સાથે મોબાઇલ ફોન પર વાતચિત કરતો હતો.

લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર બે સંતાનના પિતા સામે કુંવારી માતા બનેલી ફેશન ડિઝાઇનર યુવતીએ ફરિયાદ નોંધાવી(પ્રતિકાત્મક તસવીર)
લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર બે સંતાનના પિતા સામે કુંવારી માતા બનેલી ફેશન ડિઝાઇનર યુવતીએ ફરિયાદ નોંધાવી(પ્રતિકાત્મક તસવીર)

યુવકે યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવી
દરમિયાન પ્રિતીના પિતાનું અવસાન થયા બાદ પ્રદિપ ઉર્ફ પપ્પુ જયશ્વાલે ફરીથી પ્રિતીબહેનને ફોન કરવાનું ચાલુ કર્યું હતું અને પ્રિતીબહેનના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પ્રદિપ ઉર્ફ પપ્પુ જયશ્વાલે તેનો લાભ લઇને પ્રિતીને લગ્નની લાલચ આપી પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. પ્રદિપ ઉર્ફ પપ્પુએ જણાવ્યું કે, તને અને તારા પરિવારને કોઇ પણ જાતની તકલિફ પડવા નહીં દઉં. તેમ જણાવી પ્રિતીને વિશ્વાસમાં લીધી હતી.

યુવકે લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું
ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ-2014માં પ્રદિપ ઉર્ફ પપ્પુએ પ્રિતીને વડોદરાના માંડવી ખાતે બોલાવી હતી અને ત્યાંથી સુરસાગર પાસેની એક હોટલમાં લઇ ગયો હતો અને ત્યાં તેને પ્રિતીને લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ પ્રદિપ ઉર્ફ પપ્પુ સાથે પ્રિતી વડોદરા આવતી હતી, ત્યારે પ્રદિપ તેને વાઘોડિયા રોડ પર મકાનોમાં લઇ જતો હતો. તે ઉપરાંત ઉજ્જૈન, શેરડી, મહારાષ્ટ્ર વિગરે સ્થળે લઇ દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે પ્રદિપે ઉર્ફ પપ્પુએ વર્ષ-2015માં વાઘોડિયા રોડ ઉપર મકાન ભાડે રાખ્યું હતું. અને ત્યાં પ્રિતીને રાખી હતી. પ્રદિપ ત્યાં અવાર-નવાર આવતો હતો અને રાત્રિ રોકાણ કરતો હતો અને પ્રિતી સાથે પત્ની જેવું સુખ માણતો હતો.

પતિ-પત્ની અને તેના મિત્રએ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી(પ્રતિકાત્મક તસવીર)
પતિ-પત્ની અને તેના મિત્રએ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી(પ્રતિકાત્મક તસવીર)

યુવતીને ખબર પડી કે, યુવક બે સંતાનનો પિતા છે
ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ-2015માં પ્રદિપ ઉર્ફ પપ્પુ જીપ લઇને વડોદરા આવ્યો હતો અને પ્રિતીને લઇને અંબાજી ગયો હતો. અંબાજીમાં માતાજીની સામે પ્રિતીના સેંથીમાં સિંધુર ભરી પત્ની તરીકે સ્વિકાર કરી હતી. તે બાદ હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. હોટલમાં ગયા બાદ પ્રદિપે પ્રિતીને જણાવ્યું કે, મારી પત્ની મિતા(નામ બદલ્યું છે) છે અને બે સંતાનો છે. પત્ની મીતા સાથે છૂટાછેડા લીધા બાદ તને કાયદેસરની પત્ની બનાવીશ. હાલમાં પત્ની સાથે ઝઘડા ચાલે છે. તે વખતે પ્રિતીને ખબર પડી કે, પ્રદિપ ઉર્ફ પપ્પુ પરિણીત છે.

યુવતીએ પુત્રને જન્મ આપ્યો
અંબાજીથી પરત ફર્યા બાદ પ્રદિપ ઉર્ફ પપ્પુએ પ્રિતીને બે વર્ષ સુધી અલગ-અલગ જગ્યાએ મકાનો ભાડે રાખીને રાખી હતી. દરમિયાન પ્રિતી ગર્ભવતી બની હતી અને વડોદરાના વાઘોડિયા રોડ પરની હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો. જે પુત્રના પિતા તરીકે પ્રદિપકુમાર ઉર્ફ પપ્પુ જયશ્વાલ નામ લખાવ્યુ હતું. પુત્રને જન્મ આપ્યા બાદ પ્રદિપની પત્ની મીતાએ પ્રિતીને પોતાના ઘરે બોલાવી હતી અને પ્રદિપ સાથે સબંધ કાપી નાખવા માટે ધમકી આપી હતી કે, તું પ્રદિપનો પીછો નહીં છોડે તો તને કાપીને કેનાલમાં ફેંકી દઇશ. કોઇને ખબર પણ પડશે નહીં. તું આદિવાસી છે. તું અમારા ઘરમાં ન શોભે. આવી જ ધમકી પ્રદિપ ઉર્ફ પપ્પુ જયશ્વાલના મિત્ર મનોજ સુરેશભાઇ જોષીએ(રહે, 862, રામનગર વિભાગ-2, નસવાડી રોડ, કવાંટ) પણ પ્રિતીને આદિવાસી જેવું સંબોધન કરીને ધમકી આપી હતી.

યુવતીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
ફરિયાદમાં જણાવ્યું છે કે, પ્રિતીએ પોતાને લગ્નની લાલચ આપી માતા બનાવનાર પ્રદિપકુમાર ઉર્ફ પપ્પુ જયશ્વાલ તેની પત્ની અને મનોજ જોષી સામે અરજી આપી હતી. જે અરજી બાદ તેઓએ સમાધાન કરવા માટે પ્રયાસો કર્યાં હતા. પરંતુ, સમાધાન થયું ન હતું. દરમિયાન કુંવારી માતા બનેલી પ્રિતીએ લગ્નની લાલચ આપી જિંદગી બરબાદ કરનાર પ્રદિપકુમાર ઉર્ફ પપ્પુ જયશ્વાલ, તેની પત્ની મીતાબહેન અને મનોજ જોષી સામે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

યુવકે યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવી હતી(પ્રતિકાત્મક તસવીર)
યુવકે યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવી હતી(પ્રતિકાત્મક તસવીર)

પોલીસે દંપતી સહિત 3ની શોધખોળ શરૂ કરી
મળેલી માહિતી પ્રમાણે લગ્નની લાલચ આપીને યુવતીને કુંવારી માતા બનાવનાર પ્રદિપકુમાર ઉર્ફ પપ્પુ જયશ્વાલ અનાજ કરીયાણાની દુકાન ચલાવે છે અને તે કવાંટ વેપારી મહાજન મંડળનો પ્રમુખ પણ છે. પ્રદિપકુમાર ઉર્ફ પપ્પુ જયશ્વાલ સામે કુંવારી માતા બનેલી પ્રતિએ ફરિયાદ નોંધાવતા તાલુકા પંથકમાં ચકચાર મચી ગઇ છે. બીજી બાજુ વડોદરા રાવપુરા પોલીસે જયશ્વાલ દંપતી સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.