પુત્રીનો બર્થ ડે ઊજવે એ પહેલાં જ પિતાનું મોત:વડોદરામાં દીકરીના જન્મદિવસે જ એપાર્ટમેન્ટના સાતમા માળેથી પડી જતાં જીવ ગુમાવ્યો, પરિવારને હત્યાની શંકા

વડોદરાએક મહિનો પહેલા

વડોદરાના વડસર વિસ્તારમાં ભાડાના ફ્લેટમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાનનું સાતમાં માળેથી નીચે પટકાતા બુધવારે સવારે મોત થયું હતું. તપાસમાં જણાવા મળ્યું છે કે એ દિવસે મૃતકની દીકરીનો જન્મ દિવસ હોવાથી તેને વહેલા વડોદરાથી અમદાવાદ જવુ હતું. જેથી તે ફ્લેટની ટાંકીમાં પાણી ભરવા ચડ્યો હતો અને ત્યાંથી નીચે પટકાયો હતો. જોકે, પરિવારજનો આ અકસ્માત નહીં પણ હત્યા હોવાની શંકા સેવી રહ્યા છે.

બે દિવસથી બાથરૂમમાં પાણી નહોતું આવતું
વડોદરા શહેરના વડસરના ડ્રીમ આત્મનવન ફ્લેટમાં રહેતા ટોનીિસ ક્રિશ્ચિયન(ઉ.વ-35) ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને તેઓ ફ્લેટમાં રૂમ રાખીને અન્ય યુવકો સાથે રહેતા હતા. છેલ્લા 2 દિવસથી તેમના રૂમમાં પાણી નહોતું આવતું. બુધવારે તેમની દીકરીનો જન્મદિવસ હોવાથી તેઓને ઓફિસમાં વહેલા કામ પતાવી વતન અમદાવાદમાં દીકરી પાસે પહોંચવાનું હતું. જેથી ટોનીસ અગાસીની ટાંકીમાં પાણી લેવા ગયો હતો તે દરમિયાન સંતુલન બગડતા તે નીચે પટકાયો હતો.

પિતાની દીકરી માટે છેલ્લી પોસ્ટ: 'હેપ્પી બર્થ ડે માય સ્વીટ હાર્ટ'
પિતાની દીકરી માટે છેલ્લી પોસ્ટ: 'હેપ્પી બર્થ ડે માય સ્વીટ હાર્ટ'

ટોનિસ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો
ફ્લેટમાં રહેતા રૂમમેટ દ્વારા ટોનિસ ઘરમાં ન જોવા મળતા બહાર તપાસ કરી તો તે સોસાયટીમાં કમ્પાઉન્ડમાં લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. જેથી તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં જઇ જવાયો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. માંજલપુર પોલીસે રૂમમેટના નિવેદનો લેતાં જણાવ્યું હતું કે ટોનિસે તેમને માત્ર બાથરૂમમાં પાણી નથી આવતું તે અંગે જાણ કરી હતી.

ટોનિસનો સાળો ધ્રુવ ગોસ્વામી.
ટોનિસનો સાળો ધ્રુવ ગોસ્વામી.

ટાંકી અને પાણી વચ્ચે ઘણું અંતર
ઘટનાને પગલે આજે વડોદરા દોડી આવેલા ટોનિસના સાળા ધ્રુવ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, મારા જીજાજી ટાંકી પરથી પડ્યા અને નીચે પટકાયા તેવું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ ટાંકી અને ધાબાની પાળી વચ્ચે ઘણું અંતર છે તેથી તેઓ પડે તો પણ ધાબામાં જ પડે. તેથી અમને શંકા છે કે કોઈએ તેમની હત્યા કરી છે. આ અંગે અમે પોલીસને પણ જણાવ્યું છે. આશા છે કે અમને ન્યાય મળશે.