વડોદરા અને ભરૂચ પથંકમાં ગાજવીજ સાથે માવઠું, ગરમી 4.20 ઘટી, 2 દિવસની આગાહી, ખેડૂતો ચિંતામાં મૂકાયા

ભરૂચમાં વાદળછાયુ વાતાવરણ
X

  • વાદળછાયા વાતાવરણને પગલે ઠંડક પ્રસરી ગઇ હતી
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર: ગરમીનો પારો 33 ડિગ્રી થયો

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 01:42 AM IST

વડોદરાઃ હોળી-ધુળેટીના તહેવાર બાદ ગરમીની ઋતુ શરૂ થઈ જતી હોય છે. પરંતુ વર્ષ 2019ના ચોમાસા બાદથી વાવાઝોડા અને કમોસમી વરસાદ બાદ વાતાવરણમાં મોટાપાયે ફેરફાર આવ્યો છે. જે હજુ પણ ચાલુ જ છે. માર્ચ મહિનો પૂરો થવા આવ્યો ત્યાં સુધી ગરમી શરૂ થઈ નથી જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી 25-26 અને 27 માર્ચના રોજ કમોસમી વરસાદની આગાહી થઈ છે.જેના પગલે 25 માર્ચના રોજ વડોદરામાં સવારથી જ ગાજવીજ સાથે જુદાં જુદાં સ્થળો પર વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. જેના પગલે ગરમીનો પારો 4.2 ડિગ્રી ગગડીને 33 ડિગ્રી નોંધાયો હતો.

પવનની દિશા બદલાતા વરસાદ ખાબક્યો
હવામાનશાસ્ત્રી અંકિત પટેલના જણાવ્યા અનુસાર, ગુરુવારે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. મોટાભાગે શુક્રવારે બપોરે કે પછી શનિવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ ગયા બાદ વાતાવરણ સાફ થશે. ત્યાં સુધી વરસાદી ઝાપટાં પડી શકે છે. બીજી તરફ હવામાન વિભાગનું માનીએ તો વાતાવરણના ઉપલા લેવલે પવનની દિશા સતત બદલાતાં માર્ચ મહિનામાં પણ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો હતો. જ્યારે એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં જ ગરમીની અસર શરૂ થઈ શકે છે.

કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા
વર્ષ 2019ના ચોમાસા બાદ પૂર તેમજ કમોસમી વરસાદના કારણે વડોદરા જિલ્લાના ખેડૂતોની કમર તૂટી ગઈ છે. પહેલાં તો કમોસમી વરસાદના કારણે સરકારે ખેડૂતોને વળતર આપ્યું હતું. પરંતુ તે પછી માગ ઓછી થતાં શાકભાજીના ભાવ ગગડી ગયા હતા. જેનાથી ખેડૂતોને પોતાની શાકભાજીના ભાવ ન આવતાં ઢોરોને ખવડાવવાનો વારો આવ્યો હતો. જ્યારે પાછો કમોસમી વરસાદ પડતાં ખેડૂતોને પોતાના પાક નિષ્ફળ જવાની ચિંતા પેઠી છે.

2015માં માર્ચમાં  વરસાદ પડ્યો હતો
હવામાનશાસ્ત્રી અંકિત પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2015માં માર્ચ મહિનામાં 12 મિ.મી વરસાદ પડ્યો હતો. ત્યારે પણ વર્ષ 2020 જેમ જ માર્ચ મહિનો ઠંડો રહ્યો હતો. જ્યારે એપ્રિલ મહિનાથી ગરમીની શરૂઆત થઈ હતી.

ભરૂચ અને જંબુસર પંથકમાં કમોસમી વરસાદ
ભરૂચ અને જંબુસર પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા. વાદળછાયા વાતાવરણના કારણે ઠંડક પ્રસરી ગઇ હતી જોકે ખેડૂતો ચિંતામાં મૂકાઇ ગયા હતા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી