ગોરવા, ગોત્રી, સુભાનપુરા, લક્ષ્મીપુરા સહિતના લોકોને કેટલીક જગ્યાએ પ્લોટ પર ફેન્સિંગને લીધે રસ્તાઓ પણ બંધ રહેતા રોજના હજારો લોકોને એકથી બે કિલોમીટરના ફેરા મારવાનો વારો આવતો હતો. નવી ટીપી સ્કીમોની જાહેરાત બાદ બુધવારે બપોરે પાલિકાએ આપેલી નોટિસને પગલે બે સ્થળોએ ખેડૂતોએ જાતે પોતાના કબ્જા હેઠળની જમીનના પ્લોટના ફેન્સિંગ તોડી પ્લોટ પર સફાઇ કરી રસ્તો ખોલી આપ્યો હતો. છેલ્લા 30 વર્ષથી આ રસ્તા બંધ હતા. હવે 30 હજાર લોકોને રાહત થશે.
ગોરવા આઇટીઆઇ પાસે બરોડા સ્કાય ફ્લેટ્સથી લક્ષ્મીપુરા જવાનો રસ્તો 30 વર્ષથી બંધ હતો. લગભગ 10 હજાર ચોરસફૂટ વિસ્તારનો આ પ્લોટ જેનો અગાઉ હતો તે ખેડૂત રાજેશ પટેલે ખોલી નાંખ્યો હતો. રાજેશ પટેલે જણાવ્યું કે, ‘પાલિકાની નોટિસ આવી તેના બે દિવસમાં જ મેં લોકોના હિતમાં જાતે જ ખોલી દીધો છે. રાજેશભાઇ આયરેએ પણ આ માટે 25 વર્ષથી લડત ચલાવી છે. જે સફળ થઇ.’ ગોરવાને સુભાનપુરા સાથે જોડતો આર્શ ડુપ્લેક્સથી પંચવટી તરફના સીધા રસ્તા પર અડચણરૂપ એક પ્લોટ પણ ખેડૂત દ્વારા ખોલવામાં આવ્યો હતો.
આ પ્લોટ વિશે વર્ષોથી લડત ચલાવતા પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરેએ જણાવ્યું કે ગુરુવારે સવારે ગોત્રી નારાયણ ગાર્ડનથી ગોરવાને જોડતો લોટ્સ પ્લાઝાવાળો રસ્તો અને સપનાના વાવેતર અને વિઠ્ઠલેશ તરફનો રોડ પણ ખોલવામાં આવનાર છે ત્યારે આ વિસ્તારોના એક લાખ જેટલા લોકોને બિનજરૂરી ચક્કરો મારવા નહીં પડે અને બળતણના રૂપિયા અને સમય બંનેની બચત થશે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.