રાજ્યમાં વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતામાં મૂકાઇ ગયો છે, ત્યારે વડોદરા જિલ્લાના ડેસર પંથકના ખેડૂતોમાં મેઘરાજાના રીઝવવા અનોખી પરંપરા છે. એક લોકવાયકા મુજબ ગામે ગામને હિલ્લોળે ચઢાવીને હલ્લેક હલ્લેકના પોકારો કરીને ઘરે-ઘરે અનાજ અને લોટ માગી લાવીને પશુ-પક્ષીઓને ખવડાવવાથી દેવ રિઝાય છે અને જાગે છે, ત્યારે તેઓ મેઘરાજાને જગાડે છે, ત્યાર બાદ વરસાદ આવ્યાના દાખલા ગામડાના ગ્રામજનો અને ખેડૂતો વાગોળી રહ્યા છે.
અનાજ અને લોટ પશુ-પક્ષીઓને ખવડાવે છે
વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના જાંબુગોરલ ગ્રામ પંચાયતના કેવડા માતાના મુવાડાના ખેડૂતોએ છેલ્લા બે દિવસથી તાલુકો હિલ્લોળે ચઢાવ્યો છે. ખેડૂતો રોજ સાંજે 7 વાગ્યાના અરસામાં ભેગા થઇને જોરશોરથી હલ્લેક હલ્લેકની બૂમો પાડીને અનોખી વેશભૂષા ધારણ કરીને પાંચ ગામ ફરે છે અને ઘરે-ઘરે અનાજ લોટ માગીને લાવે છે અને તે અનાજ અને લોટ પશુ-પક્ષીઓને ખવડાવે છે અને કૂતરાઓને રોટલા કરીને રોજ ખવડાવે છે.
વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં સતત વધારો થયો
છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસવાનું નામ લેતો નથી. જેથી ખેડૂતોની ચિંતામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મોંઘા બિયારણ લાવીને સખત મજૂરી કર્યાં બાદ વાવણી કરી હોવાથી પાક નિષ્ફળ જશે તેવો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. ડાંગર, કપાસ, તુવેર, તલ, તમાકુ, મરચી, દિવેલા, શાકભાજી સહિતના પાક વરસાદ નહીં વરસે તો નિષ્ફળ જશે, તેવું હાલનું વાતાવરણ જોતાં લાગી રહ્યું છે, ત્યારે આવનારા દિવસોમાં ગામેગામ ચોરી લૂંટફાટના બનાવો બને તેમાં પણ કોઈ શંકાને સ્થાન નથી તેવુ ખેડૂતો જણાવી રહ્યા છે.
ખેડૂતો ગામેગામ ફરીને મેઘરાજાને મનાવવાના પ્રયત્ન કરે છે
છેલ્લા બે વર્ષથી કોરોનાએ ગામડાના ગ્રામજનો અને ખેડૂતોની કમર ભાંગી નાખી છે, તેમાંથી કળ હજુ વળી નથી, ત્યારે કુદરતે પડતા ઉપર પાટુ મારી વરસાદમાં વિલંબ કરતા રાત્રિ દરમિયાન ખેડૂતોના માનસ પટ પર ચિંતાના વાદળો રોજ ઘેરાય છે, ત્યારે તેઓ બાપ-દાદાઓના ચીંધેલા માર્ગે દેવોને મનાવવા ખેડૂતો હિલ્લોળે ચઢ્યા છે. આદીઅનાદીથી ચાલતી પ્રથા પ્રમાણે દેવોને જગાડવા માટે હલ્લેક હલ્લેકના પોકારો કરીને ગામેગામ ફરીને મેઘરાજાને મનાવવાના પ્રયત્ન કરી રહ્યા છે.
દાયકા પહેલા મેઘરાજાને મનાવતા મુશળાધાર વરસાદ થયો હતો
લક્ષ્મણભાઈ ભઇજીભાઇ પરમાર જણાવે છે કે, દાયકા અગાઉ આ પ્રમાણેનું વાતાવરણ થતાં મેઘરાજાને મનાવવાની શરૂઆત અમારા ગામથી કરવામાં આવી હતી, તે પછી ગામે ગામના ખેડૂતોને પ્રેરણા મળતા જાગૃત થઇને મેઘરાજાને મનાવવા નીકળ્યા હતા. માત્ર 30 કલાકના સમયગાળામાં આકાશમાં કાળાડિબાંગ વાદળો ચઢી આવ્યા હતા અને મુશળધાર વરસાદ વરસ્યો હતો. તે દાખલો આજે પણ ખેડૂતો વાગોળી રહ્યા છે.
ભગવાન પર ભરોસો રાખી ખેડૂતો નીકળ્યા છે
15 ઓગસ્ટથી શરૂઆત કરી છે, તેમાં મહીજીના મુવાડા, જાંબુગોરલ, બારીયાના મુવાડા, બૈડપ, દાજીપુરા અને કુનપાડ જેવા ગામોમાં ફર્યા છે. વરસાદ જરૂર આવશે તેવી અપાર શ્રદ્ધા રાખીને ખેડૂતો ધુળાભાઇ ચૌહાણ, ડેપ્યુટી સરપંચ જામ્બુગોરલ લક્ષ્મણભાઈ પરમાર, અર્જુનભાઈ રાઠોડ, કલ્પેશભાઇ રાઠોડ, ભરતભાઈ પરમાર, રતિલાલ પરમારની અધ્યક્ષતામાં ભગવાન ઉપર ભરોસો રાખીને નીકળ્યા છે.
(અહેવાલઃ ઝાકીર દિવાન, ડેસર)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.