તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાયરની અંતિમ વિદાય:ગુજરાતી-ઉર્દુ કવિ ખલીલ ધનતેજવીનું વડોદરામાં નિધન, PM મોદીનું ટ્ટવિટઃ ગુજરાતી ગઝલને રસપ્રદ બનાવવામાં તેમનું યોગદાન યાદગાર રહેશે

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખલીલ ધનતેજવીને 2004માં કલાપી પુરસ્કાર અને 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો

ગુજરાતી અને ઉર્દુ ભાષાના જાણીતા કવિ ખલીલ ધનતેજવીનું 82 વર્ષની વયે આજે સવારે વડોદરામાં નિધન થયું છે. આજે બપોરે તેમના નિવાસ્થાનેથી જનાજો નીકળ્યો હતો અને તેમની દફનવિધિ કરવામાં આવી હતી.​ ખલીલ ધનતેજવી અમર થઈ ગયા. એક ઉમદા શાયર, કવિ અને લેખક, જેમની ગઝલોમાં જેટલી ઉર્દુ ખીલતી હતી એટલી જ ગુજરાતી પણ મઘમઘતી હતી. ખલીલ ધનતેજવીનો જન્મ વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં 12 ડિસેમ્બર 1938ના રોજ થયો હતો. જ્યાં તેઓએ ચાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. ગુજરાતી અને ઉર્દુ બન્ને પર ઊંડી પક્કડ ધરાવતા તેઓ એક દુર્લભ સાહિત્યકાર હતા. તેઓ કહેતા કે -

વાત મારી જેને સમજાતી નથી,
એ ગમે તે હોય ગુજરાતી નથી.

ખલીલ ધનતેજવીએ તેમની એક કવિતામાં લખ્યું છે કે, 'ખાલી ગઝલ જો હોય તો ફટકારી મારીએ આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે'. પીએમ મોદીએ ખલીલ ધનતેજવીના નિધનને પગલે ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું.

2019માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર મળ્યો હતો
ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા હતા. તેમને 2004માં કલાપી પુરસ્કાર અને 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત 2019માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

ખલીલ ધનતેજવીનો જન્મ વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં 12 ડિસેમ્બર 1938ના રોજ થયો હતો
ખલીલ ધનતેજવીનો જન્મ વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં 12 ડિસેમ્બર 1938ના રોજ થયો હતો

દિલમાં ઉઠતા લાગણીઓના ઘોડાપૂરને તેઓ ગઝલોના આકાશમાં એવી રીતે ફેલાવી દેતા જે રીતે કોઈ માતા તડકાથી બચાવવા પોતાના બાળકો પર પ્રેમભર્યો પાલવ પાથરતી હોય. આમ તો એમનું નામ ખલીલ ઈસ્માઈલ મકરાણી હતું, પણ એમના દિવાનાઓ તેમને ખલીલ ધનતેજવીના નામે ઓળખતા હતા. રવિવારની સુસ્ત સવારે આપણે પલંગથી ઉતરીને સરખી આંખ પણ નહોતી ખોલી એ સમયે આ શાયર આંખ મિંચીને હંમેશા માટે સુઈ ગયા. 82 વર્ષની ઉંમરે પણ એમનું સ્મિત અને એમની આંખો હદયને શાતા આપતી હતી. ખલીલસાહેબનો જન્મ 12 ડિસેમ્બર 1938ના રોજ વડોદરાના ધનતેજ ગામે થયેલો. એ ગામે જ તેમને ધનતેજવી બનાવી દીધા. માત્ર ચાર ચોપડી ભણેલા ખલીલસાહેબની અનેક ગઝલોને જાણીતા ગઝલ ગાયક જગજીતસિંહે પણ અવાજ આપ્યો હતો. એમની એક જાણીતી ગઝલ છે કે

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.
તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.

આ ઝાપટાવાળી ગઝલના એક એક શેરે આખાને આખા મુશાયરા રીતસરના લૂંટી લીધા છે. ગઝલો યાદ રાખવા માટે તેઓ કોઈ કાગળના મોહતાજ નહોતા. પોતાના મગજમાં જ તેઓ ગઝલોનો પટારો સંગ્રહી રાખતા અને જ્યારે યાર-દોસ્તોની મહેફિલ જામે ત્યારે એ પટારામાંથી ગઝલ નીકળી આવતી. એમની ગઝલોમાં મહોબ્બતનો ઈઝહાર હતો. પ્રેમની પ્યાસ હતી. શેરોમાં એક જિદ્દી આશિકનો બેફિકરો અંદાજ હતો. એક ખુદ્દારી અને ખુમારી હતી. એક ગઝલમાં તેઓ લખે છે કે -

હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહીં આવું,
કે દર્પણ તોડી ફોડીને તને મળવા નહીં આવું.
ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,
હું મારી ટેવ છોડીને તને મળવા નહીં આવું.

ખલીલ ધનતેજવી ગઝલો મનમાં જ રચતા હતા
ખલીલ ધનતેજવી શરૂઆતમાં ગઝલો મનમાં જ રચતા હતા અને એમને એ યાદ રહી જતી હતી અને એ યાદના સહારે જ તેઓ ગઝલ પાઠ મિત્રોને સંભળાવતા હતા. આ શક્તિ મોટી ઉંમરે મુશાયરાઓમાં પણ કાયમ રહી હતી. પહેલો ગઝલ સંગ્રહ બહાર પાડ્યો, ત્યારે 100થી વધારે ગઝલો લખી હતી. ઉર્દૂમાં પણ ઘણી ગઝલો લખી હતી અને ગઝલ ગાયક જગજીતસિંહના કંઠે ગવાઈ છે.

લેખક, સંપાદક અને તંત્રી રહી ચૂક્યા હતા
ખલીલ ધનતેજવી ગુજરાતી ગઝલનું ટોચનું નામ છે. ગઝલ લેખન અને રજૂઆત બન્નેમાં તેમણે મહારથ હાંસલ કરી છે. તેઓ લેખક, સંપાદક અને તંત્રી રહી ચૂક્યા હતા. ફિલ્મો લખી હતી અને નિર્દેશિત પણ કરી હતી. તેમની વિવિધ કૃતિઓને અનેક એવોર્ડથી સન્માનિત કરાઈ હતી. કરોડો ચાહકોના હૃદયમાં તેમણે સ્થાન મેળવ્યું હતું. આ પુસ્તક તેમની જીવનકથા છે. તેમાં ખેતરના શેઢેથી ગઝલના શિખર સુધી અને ફિલ્મના પરદા સુધી પહોંચવાની રોમાંચક ગાથા છે.

ખલીલ ધનતેજવીને 2004માં કલાપી પુરસ્કાર અને 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો
ખલીલ ધનતેજવીને 2004માં કલાપી પુરસ્કાર અને 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો

ગામના નામ પરથી અટક રાખી ધનતેજવી

ખલીલ ધનતેજવીનું વતન અને જન્મ સ્થળ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાનું ધનતેજ ગામ. પોતાના ગામના નામ પરથી તેમણે અટક રાખી ધનતેજવી. તેમના દાદા તાજમહમદે તેમનું નામ ‘ખલીલ’ પાડેલું. ‘ખલીલ’નો અર્થ મિત્ર. તેમના પિતા ઈસ્માઈલ મૌલવી પાસે ગયા અને દાદાએ સૂચવેલું ‘ખલીલ’ નામ કહ્યું. મૌલવી સાહેબને એકલું ખલીલ અધુરું લાગ્યું અને તેમણે ખલીલની આગળ ઈબ્રાહીમ જોડવાનું કહ્યું. એ પછી તેમનું નામ પડ્યું ઈબ્રાહીમ ખલીલ.

5 વર્ષના હતા, ત્યારે પિતાનું અવસાન થયું હતું
ખલીલ ધનતેજવીનું બાળપણ (આમ તો આખું જીવન) ખુબ જ મુશ્કેલીઓ, પડકારો અને સંઘર્ષ વચ્ચે વીત્યું છે. તેઓ પાંચ વર્ષના હતા અને મહારાષ્ટ્રના નંદુરબાર ફોઈ-ફૂઆને ધંધામાં મદદ કરવા ગયેલા તેમના પિતાજીનું શીતળા નીકળતાં અવસાન થયું હતું.

હું, અપને ખેતોં સે બિછડને કી સઝા પાતા હું, રજૂ થતાં શ્રોતાઓ ડોલી ઉઠતા
ગઝલની કોઇ મહેફિલમાં જગજિતસિંઘ જ્યારે અબ મૈં રાશન કી કતારોં મેં નઝર આતા હું, અપને ખેતોં સે બિછડને કી સઝા પાતા હું...એ ગઝલ રજૂ કરતા ત્યારે શ્રોતાઓ ડોલી તો ઊઠતા, પણ જો એ સભાગૃહમાં કોઇ ગુજરાતી શ્રોતા પણ હોય તો એના હાથની તાલીનું જોર અને અવાજ જરાક વધારે રહેતો. કારણ કે, આ ગઝલ ગુજરાતના શાયર ખલીલ ધનતેજવીએ લખી હતી.

તો બીજી તરફ સામાજિક મુદ્દાઓ પર પણ નીડર થઈને લખાણો લખી જાણતા. ખલીલસાહેબે જીવનમાં બીજું કંઈ જ ન લખ્યું હોત અને હિન્દુસ્તાનના મધ્યમવર્ગની વેદનાને વાચા આપતી અને શહેરીકરણના ચક્કરમાં ખેતરથી વિખુટા થયેલા ખેડૂતની વાત કહેતી માત્ર આ એક ગઝલ લખી હોત તો પણ એ અમર થઈ ગયા હોત કે -

અબ મૈં રાશન કી કતારો મેં નઝર આતા હું,
અપને ખેતો સે બિછડને કી સઝા પાતા હું.
ઈતની મહેંગાઈ કે બાઝાર સે કુછ લાતા હું,
અપને બચ્ચો મેં ઉસે બાંટ કે શરમાતા હું.
અપની નિંદો કા લહુ પોંછને કી કોશિષ મેં,
જાગતે જાગતે થક જાતા હું, સો જાતા હું.

તો કોઈ ગઝલમાં તેઓ કહે છે કે -

તું ડગ ભરવાની હિમ્મત કર, ઊતરતા ઢાળ જેવો છું,
મનાવી લે મને, હું સાવ નાના બાળ,જેવો છું.
આ દરિયાની ગહનતા માપવાનું સાવ છોડી દે,
તું મારામાં ઊતર, હું સાતમા પાતાળ જેવો છું.

અનેક ગઝલો અને લેખો લખી ચૂકેલા ખલીલ ક્યાંય નથી ગયા. જેઓ તેમને ચાહતા હતા, એમને વાંચતા હતા એમના દિલમાં તેઓ અમર થઈ ગયા છે. એમની આ પંક્તિઓ હંમેશા આપણા મનમાં ગુંજતી રહેશે...

હું ખલીલ આજે મર્યો છું એ પ્રથમ ઘટના નથી,
જિંદગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો.

ખલીલ ધનતેજવીના કેટલાક જાણીતા શેર
તમે મન મુકીને વરસો ઝાપટું આપણને નહીં ફાવે
અમ રહ્યા હેલીના માણસ માવઠું આપણને નહીં ફાવે
તમાચો ખાઇ લઇશ ગાંધીગીરીના નામ પર પણ
પત્નીને બા કહીને બોલાવવું આપણને નહીં ફાવે

નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારાં પગલાંથી, ઘણી પગદંડીઓ ફૂટી પછીતો એજ રસ્તાથી.

હશે મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ, ઘણા મિત્રોએ સળગાવ્યોછે દીવો મારા દીવાથી.

રદીફ ને કાફીયા સાથે ગજબની લેણાદેણી છે, મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી.

તેમના ગઝલસંગ્રહ
-સાદગી
-સારાંશ (2008)
-સરોવર (2018)

નવલકથા
-ડો. રેખા (1974)
-તરસ્યાં એકાંત (1980)
-મીણની આંગળીએ સૂરજ ઊગ્યો (1984)
-લીલા પાંદડે પાનખર (1986)
-સન્નાટાની ચીસ (1987)
-સાવ અધૂરા લોક (1991)
-લીલોછમ તડકો (1994)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો