વિચિત્ર ઘટના:ગુજરાતીમાં ૨૭ અને અંગ્રેજીમાં 29ના ફેરમાં આર્કિટેક્ટને પકડવા ગયેલી પોલીસ અટવાઇ, પડોશીના ઘરે પહોંચી જતાં પરિવાર ગભરાઇ ગયો

વડોદરા6 મહિનો પહેલા
  • પોલીસ ફરિયાદમાં ભૂલથી મકાન નં-29ને બદલે મકાન નં-27 લખી દેવાયો

વડોદરામાં વુડાના મહિલા અધિકારીને ધમકી આપવા મામલે આર્કિટેક્ટ કિરીટ પટેલની અટકાયત કરવા પહોંચેલી કારેલીબાગ પોલીસ પણ ગુજરાતી અને અંગ્રેજીના આંક ફેરમાં એવી અટવાઇ હતી કે પાડોશીના ઘરે પહોંચી ગઇ હતી. પોલીસને જોઇને પડોશી પણ ગભરાઇ ગયા હતા. જો કે બાદમાં સમગ્ર મામલે ખુલાસો થતાં પોલીસ કિરીટ પટેલના ઘર ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, સમગ્ર કિરીટ પટેલ સામે નોંધાયેલ FIR ગુજરાતીમાં જ છે અને તમામ આંકડા પણ ગુજરાતીમાં જ લખાયા છે.

મકાન શોધવામાં પોલીસ અટવાઇ ગઇ
ગુજરાતી અને અંગ્રેજીના આંકડા લખવામાં અને સમજવામાં ફેર થાય તો વિદ્યાર્થીઓ કે શિક્ષકો અટવાઇ પડે અને ગેરસમજ થાય તેવી ઘટનાઓ આપણે સાંભળી હશે. પણ ગુજરાતી અને અંગ્રેજીના આંક ફેરમાં વડોદરાની પોલીસ પણ એવી અટવાઇ કે આરોપીની અટકાયત કરવા પહોંચે કારેલીબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પડોશીના ઘરે પહોંચી ગયો.

આર્કિટેક્ટ કિરીટ પટેલનું મકાન નં-29
આર્કિટેક્ટ કિરીટ પટેલનું મકાન નં-29

પોલીસ મકાન નં-29ના બદલે મકાન નં-27માં પહોંચી
સમગ્ર ઘટના એવી છે કે વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (VUDA)ના મહિલા અધિકારીએ આર્કિટેક્ટ કિરીટ પટેલ સામે અભદ્ર વ્યવહાર અને તમને જોઇ લઇશ તેવી ધમકી આપ્યાની ફરિયાદ ગત સોમવાર રાત્રે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. સમગ્ર ફરિયાદ ગુજરાતીમાં નોંધાઇ હતી તેથી તેમાં કિરીટ પટેલના ઘરનું સરનામું ૨૭ મેઘધનુષ સોસાયટી, જે.પી.રોડ, વડોદરા લખાયું હતું. જેથી કાર્યવાહીના ભાગરૂપે કારેલીબાગ પોલીસ ગત રાત્રે કિરીટ પટેલની તેમના ઘરેથી અટકાત કરવા મેઘધનુષ સોસાયટી પહોંચી હતી અને સીધા 27 નંબરના ઘરે પહોંચ્યા હતાં.

જેથી આ ઘરમાં રહેતા લોકો પોલીસને જોઇને ગભરાઇ ગયા હતા અને શું થયું છે તે અંગે પૂછપરછ કરી હતી. દરમિયાન સમગ્ર મામલો સ્પષ્ટ થયો હતો કે આ ઘર કિરીટ પટેલનું નહીં પણ તેમના પડોશીનું છે. કિરીટ પટેલનો ઘર નંબર અંગ્રેજીમાં 29 છે. જેથી પોલીસે કિરીટ પટેલના 29 નંબરના ઘરમાં જઇને તેમની અટકાયત કરી હતી. પોલીસ ફરિયાદમાં પણ ભૂલથી મકાન નં-29ને બદલે મકાન નં-27 લખી દેવાયો છે.

કારેલીબાગ પોલીસ સ્ટેશન
કારેલીબાગ પોલીસ સ્ટેશન

મકાન માલિકની પત્ની પોલીસ જોઇને ગભરાઇ
અત્રે નોંધવું રહ્યું કે આજે સવારે દિવ્યભાસ્કર ડિજીટલના પત્રકાર મેઘધનુષ સોસાયટી ખાતે પહોંચ્યા ત્યારે જોવા મળ્યું હતું કે ઘર નંબર 27 નહીં પણ ઘર નંબર 29 બહાર કિરીટ પટેલની નેમ પ્લેટ લાગેલી છે અને તેના ફોટો-વીડિયો લીધા હતા. દરમિયાન ઘર નંબર 27માં રહેતા રહીશ આવ્યા હતા અને પૂછવા લાગ્યા હતા કે, કોના ઘરે જવું છે. તેથી જણાવવામાં આવ્યું હતું કે કિરીટ પટેલના ઘરે. જેથી રહીશે કહ્યું હતું કે, ગઇકાલે ભૂલથી મારા ઘરે પોલીસ આવી ગઇ હતી જેથી મારી પત્ની ગભરાઇ ગઇ હતી. બાદમાં પોલીસને ઘર નંબર 29માં રહેતા કિરીટ પટેલના ઘરે મોકલી હતી. ફરિયાદમાં 27થી 29 નંબર થઇ જાય તેવુ કંઇક કરોને. આમ ફરિયાદમા ગુજરાતી અને અંગ્રેજીના આંકફેરના કારણે એક પરિવારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

RTPCR રિપોર્ટની રાહમાં રાત પોલીસ સ્ટેશનમાં વીતી
વડોદરાના આર્કિટેક્ટ કિરીટ પટેલની વુડાના મહિલા અધિકારીને ધમકી મામલે કારેલીબાગ પોલીસે મંગળવાર રાત્રે અટકાયત કરી હતી. કિરિટ પટેલનો કોરોના ટેસ્ટ (RTPCR)કરવામાં આવ્યો હતો. જેથી તેનો રિપોર્ટ ન આવે ત્યા સુધી તેમને કારેલીબાગ પોલીસ સ્ટેશનના 10 બાય 10ના રૂમમાં પસાર કરવી પડી છે. રિપોર્ટ આવ્યા બાદ તેમની સત્તાવાર ધરપકડ દર્શાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસ ફરિયાદમાં ભૂલથી મકાન નં-29ને બદલે મકાન નં-27 લખી દેવાયો છે
પોલીસ ફરિયાદમાં ભૂલથી મકાન નં-29ને બદલે મકાન નં-27 લખી દેવાયો છે
અન્ય સમાચારો પણ છે...