ભાસ્કર વિશેષ:વર્ષ અગાઉ પિતા સમક્ષ અંગદાનની ઇચ્છા વ્યક્ત કરનાર ડેન્ટિસ્ટ બ્રેઇન ડેડ થતાં પરિવારે ઓર્ગન ડોનેટ કર્યાં, 3ને નવજીવન મળશે

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કારેલીબાગમાં સપ્તાહ પૂર્વે અકસ્માત થયો,પોલીસે 12 મિનિટમાં અંગો દુમાડ ચોકડી પહોંચાડ્યાં

કારેલીબાગમાં સર્જાયેલા અકસ્માતમાં બ્રેઈન ડેડ થયેલી ડેન્ટિસ્ટના ઓર્ગનને અમદાવાદ લઈ જવા ગ્રીન કોરિડોર બનાવાયો હતો. જેમાં રેસકોર્સ ખાતેથી માત્ર 12 મિનિટમાં ઓર્ગનને દુમાડ ચોકડી ખાતે લઈ જઈ ત્યાંથી અમદાવાદ રવાના કર્યા હતા. ડેન્ટિસ્ટના દાન કરાયેલા ઓર્ગનથી ત્રણ લોકોને જીવતદાન મળનાર છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ અગાઉ ડેન્ટિસ્ટ યુવતીએ પિતા સાથેની વાતચીતમાં અંગદાનની ઇચ્છા વ્યક્ત કરી હતી. જેથી પરિવારે ઓર્ગન ડોનેશનનો નિર્ણય કર્યો હતો.

એક સપ્તાહ પૂર્વે કારેલીબાગમાં ભારદારી વાહનની ટક્કરે માંજલપુરના ખાનગી હોસ્પિટલમાં ડેન્ટિસ્ટ તરીકે ફરજ બજાવતી 25 વર્ષની ઋત્વી મનોજ રાવને ગંભીર ઈજા પહોંચી હતી. તેણીને એસએસજીમાં લાવ્યા બાદ ત્યાંથી રેસકોર્સ ખાતે ખાનગી હોસ્પિટલમાં રીફર કરાઇ હતી, જેના તબીબોએ ઋત્વી બ્રેઇનડેડ હોવાનું જાહેર કર્યું હતું. દરમિયાન ઋત્વીના પરિવારે તેના ઓર્ગનને યુનિટ કરવાની ઈચ્છા વ્યક્ત કરતાં હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ હતી.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોર્ડિનેટ કરી રેસકોર્સની ખાનગી હોસ્પિટલ ગુરુવારે ઋત્વીના લીવર અને કિડનીને લઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરી હતી.શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઓર્ગનને લઈ જવા ગ્રીન કોરિડોર ઊભો કરાયો હતો. સામાન્ય રીતે રેસકોર્સથી દુમાડ ચોકડી સુધીનું 14.7 કિમી અંતર કાપવા અડધો કલાક થતો હોય છે, પરંતુ ગ્રીન કોરિડોર મારફતે ઓર્ગનને દુમાડ ચોકડી સુધી માત્ર 12 મિનિટમાં પહોંચાડાયાં હતાં. ત્યાંથી પોલીસના પાઇલટિંગ વાહન સાથે અમદાવાદ જવા રવાના થયા હતા.

વર્ષ 2014માં રાવ પરિવારના એક યુવકના ઓર્ગન ડોનેટ કરાયા બાદ ઋત્વીને પ્રેરણા મળી હતી
મૃતક ઋત્વીના સંબંધી કેતન બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર 2014માં રાજપીપળાના પાટણા ગામના કીર્તન શૈલેષ રાવને વિદ્યાનગર કોલેજમાં ટ્રેનમાં અપડાઉન વેળા અકસ્માત થયો હતો. ત્યારે રાવ પરિવારે તેના લીવર-કિડનીને ડોનેટ કર્યા હતા. જેથી વર્ષ અગાઉ ઋત્વીએ પણ પિતા મનોજભાઈ સમક્ષ ઓર્ગન ડોનેશનની ઈચ્છા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...