વાઈરલ:મહારાણી રાધિકા રાજેએ જૈન ધર્મ સ્વીકાર્યાનો ફેક વીડિયો વાઇરલ

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખોટો વીડિયો વાઇરલ થતાં રાજવી પરિવારે સ્પષ્ટતા કરવી પડી કે, વીડિયોમાં દેખાતાં સાધ્વી અન્ય કોઈ છે

વડોદરાના રાજવી કુટુંબનાં મહારાણી રાધિકારાજે ગાયકવાડે જૈન ધર્મની દીક્ષા લીધી છે અને તેમણે જૈન ધર્મ સ્વીકારી લીધો છે, તેવા સોશિયલ મીડિયા પર મેસેજિસ ફરી રહ્યાં છે. જેની જાણ રાજવી પરિવારને થતાં તેમણે આ કથિત વીડિયોમાં દેખાતાં સાધ્વી રાધિકારાજે નથી એવી સ્પષ્ટતા કરી છે.

એક અઠવાડિયાથી સોશિયલ મીડિયા વોટ્સએપમાં ચાલી રહેલા આ મેસેજ મુજબ લૂંચન વિધિ ચાલી રહી છે, જેમાં રાધિકારાજે જેવા ચહેરાવાળી યુવતી છે. આ બાબતે રાજવી પરિવારમાં પણ વિવિધ શહેરમાંથી પૂછપરછ કરાઈ રહી છે. રાજવી કુટુંબ સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું કે, ‘ગાયકવાડ રાજવી પરિવારના એક મહિલા સભ્ય દ્વારા કોલકાતાથી પણ આ અંગે પૂછવામાં આવ્યું હતું. જોકે તેમને પણ હકીકતથી વાકેફ કરવામાં આવ્યાં હતા.’ રાજવી પરિવારે સપષ્ટતા કરતા જણાવ્યું છે કે, છેલ્લા ઘણા દિવસથી વોટ્સએપ મેસેજ ફોર્વર્ડ કરવામાં આવી રહ્યાં છે કે, રાધિકારાજે ગાયકવાડે દીક્ષા લીધી છે અને જૈન ધર્મનો સ્વીકાર કર્યો છે.

અમે સ્પષ્ટતા કરીએ છીએ કે તેમને આ ધર્મ માટે ખૂબ આદર છે. આવો કોઇ પ્રસંગ બન્યો નથી અને વીડિયોમાં જે સન્માનીય સાધવી છે તે રાધિકારાજે ગાયકવાડ નથી.’ ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વિશ્વ પ્રસિદ્ધ ફોર્બ્સ મેગેઝિન દ્વારા પણ રાધિકારાજેને સૌથી સુંદર મહિલા રાજવી તરીકે જાહેર કરાયાં છે, તે પણ ખોટી બાબત છે તેવી પણ સ્પષ્ટતા પણ તેઓ કરી ચૂક્યાં છે.