તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાષ્ટ્રવિરોધી ?:નકલી આર્મીમેન પાકિસ્તાન અને J&Kના લોકો સાથે FB મેસેન્જરથી સંપર્કમાં હતો, રેલવે પોલીસે 6 દિવસના રિમાન્ડ મેળવ્યા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નકલી આર્મી મેનના રેલવે પોલીસે 6 દિવસના રિમાન્ડ મેળવ્યા
  • રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓમાં પણ સંડોવાયેલો હોવાની શંકા

શહેરના રેલવે સ્ટેશન પર શ્રમિક એક્સપ્રેસ ટ્રેનના કોચમાંથી ઝડપાયેલો નકલી આર્મી મેન તેના ફેસબુક મેસેન્જર થકી સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને જમ્મુ-કાશ્મીરના કેટલાક લોકો સાથે સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ થયો હતો. તેની પાસેથી પોલીસને 100 રૂપિયાની નકલી ચલણી નોટ પણ મળી હતી, જેથી તે રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓમાં પણ સંડોવાયેલો હોવાની આશંકા પોલીસ સેવી રહી છે. રેલવે એસઓજી પોલીસે બુધવારે તેને અદાલતમાં રજૂ કરી છ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને વિવિધ મુદ્દા પર તપાસ શરૂ કરી હતી.

મકરપુરા આર્મી બેઝની ટીમ દ્વારા બાતમીના આધારે વડોદરા રેલવે સ્ટેશન પર ઊભેલી શ્રમિક ટ્રેનમાંથી આર્મીના કપડામાં નકલી આર્મી જવાન મહંમદ સલમાન અહેમદ નુર આલમ (રહે. યુપી)ને ઝડપી લેવાયો હતો. તેની પાસેથી આર્મીનો ડ્રેસ, આર્મીનું આઇકાર્ડ તથા આર્મીનું કેન્ટીન કાર્ડ તથા 100 રૂપિયાની નકલી ચલણી નોટ સાથે મેમરી કાર્ડ અને બે મોબાઇલ સહિતની ચીજો મળી આવી હતી.  નકલી આર્મીમેન વાપી અને અમદાવાદની હોટલોમાં વેઈટર તરીકે કામ કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. રેલવે પોલીસે તેનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તે નોર્મલ જણાતાં મંગળવારે સાંજે તેની ધરપકડ કરી હતી અને બુધવારે અદાલતમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માગતાં કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

તપાસમાં બહાર આવ્યું કે, નકલી આર્મીમેન સલમાન ફેસબુક મેસેન્જરથી સાઉદી અરબ અને પાકિસ્તાન તથા જમ્મુ-કાશ્મીરના કેટલાક લોકો સાથે સંપર્કમાં હતો. તેથી ટેક્નિકલ સર્વેલન્સના આધારે કયા લોકો સાથે સંપર્કમાં હતો તેની તપાસ શરૂ કરી હતી. તેની પાસેથી 100 રૂપિયાની નકલી ચલણી નોટ મળી હતી, જેથી આ નોટ તેણે ક્યાંથી મેળવી હતી તેની તપાસ ઉપરાંત ભારતના પાડોશી દેશોમાંથી આ નકલી નોટ આયાત કરાઈ હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી હતી.
સલમાન પાસે મળેલાં બે મેમરી કાર્ડની તપાસ
નકલી આર્મીમેન સલમાન પાસેથી રેલવે પોલીસને બે મેમરી કાર્ડ મળી આવ્યાં હતાં. મેમરી કાર્ડમાં શું છે તેની તપાસ કરવાની સાથે તેની પાસેથી બે મોબાઇલ પણ મળ્યા હતા. જેથી તે કોની કોની સાથે સંપર્કમાં હતો તેની તપાસ શરૂ કરાઇ છે. ઉપરાંત રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાની શંકા સાથે પોલીસે તેની પૂછપરછ શરૂ કરી છે. ભૂતકાળમાં નકલી આર્મી મેન બનીને કોઈ ગુના આચર્યા છે કે કેમ તેની તપાસ કરાશે. તેણે આર્મીનો ડ્રેસ નાગાલેન્ડમાંથી ખરીદ્યો હોવાનું જણાવ્યું હતું તથા નકલી આઈ કાર્ડ અને આર્મીનું  કેન્ટીન કાર્ડ બલિયામાં બનાવ્યું હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે આ સ્થળોએ પણ તપાસ કરવાનું નક્કી કર્યું છે. અમદાવાદ-વાપીમાં વેઇટર તરીકે કામ કર્યું હોવાનું બહાર આવતા ત્યાં પણ પૂછપરછ કરાશે.

અન્ય સમાચારો પણ છે...