• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Extra Buses Will Be Operated From Vadodara Depot On Holi And Dusteti Parva, Allocation Of 37 More Buses For The Convenience Of Passengers.

વડોદરાના સમાચાર:કોટંબી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ 3 માર્ચથી 6 માર્ચ દરમિયાન પ્રેક્ટિસ કરશે, હોળી-ધૂળેટી પર્વે વડોદરા ડેપોથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.

બરોડા ક્રિકેટ એસોસિયેશન દ્વારા વડોદરા શહેર નજીક આવેલા કોટંબી ખાતે નવું આંતરરાષ્ટ્રીય કક્ષાનું ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું છે, ત્યારે હવે IPLની ગુજરાત ટાઇટન્સની ટીમ 3 માર્ચથી 6 માર્ચ દરમિયાન પ્રેક્ટિસ સેશન યોજશે. અત્રે ઉલ્લેનિય છે કે, આગામી મહિનાઓમાં કોટંબી ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની મેચો યોજાય તેવી પણ શક્યતા છે. તેમજ માર્ચ મહિનામાં BCCIના નિષ્ણાતોની આ સ્ટેડિયમનું નિરીક્ષણ પણ કરવાની છે.

હોળી અને ધૂળેટી પર્વે વડોદરા ડેપોથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે
હોળી-ધૂળેટીનો પર્વ ઉજવવા મોટી સંખ્યામાં લોકો માદરે વતન જતા હોય છે, ત્યારે મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખીને દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા એસટી વિભાગે વધારાની બસો દોડાવવાનું આયોજન કર્યું છે. હોળી પર્વ નિમિત્તે વધારાના ટ્રાફિક તેમજ મુસાફરોને વધારે સુવિધા મળી રહે તે હેતુસર ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા વડોદરા વિભાગને વધારાની બસો ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તા. 03/03/2023થી તા. 07/03/2023 સુધી વડોદરા વિભાગના તમામ ડેપો પરથી સરકારી બસોના એક્સ્ટ્રા સંચાલનનો નિર્ણય જી. એસ. આર. ટી. સી. દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

વધારાની બસોની ફાળવણી વડોદરા ડેપો ખાતે આવતીકાલે તા. 03/03/2023ના રોજ સવારે 11 કલાક સુધીમાં કરી આપવામાં આવશે. વડોદરા ડેપોથી તા. 03/03/2023ના રોજ વધારાની પાંચ બસ, તા. 04/03/2023થી તા. 07/03/2023 સુધી દરરોજ વધારાની આઠ બસનું એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવશે. એટલે કે હોળી પર્વના આ પાંચ દિવસ દરમિયાન મુસાફરોની સુવિધા અને સરળતા માટે વડોદરા ડેપો રોજિંદી ઉપરાંત 37 વધારાની બસોનું સંચાલન કરશે.

વડોદરા વિભાગમાં સમાવિષ્ટ વડોદરા, બોડેલી, છોટા ઉદેપુર, ડભોઈ, કરજણ, પાદરા તથા વાઘોડિયા ડેપોને પણ વધારાની બસો ફાળવી એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવશે. તા. 03/03/2023થી તા.07/03/2023 સુધીમાં જીએસઆરટીસી, વડોદરા વિભાગ દ્વારા કુલ 235 વધારાની સરકારી બસોનું એક્સ્ટ્રા સંચાલન કરાશે.

ખાનગી શાળાના શિક્ષકોએ સરકારી શાળાની મુલાકાત લીધી
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અમલમાં મૂકાયેલા વડોદરા જિલ્લા વહીવટી તંત્રના બહુઆયામી જ્ઞાન સંગમ પ્રોજેક્ટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોન્ચિંગ કરાયા બાદ આજથી ક્લાસરૂમ કોઓર્ડિનેશનનો પ્રારંભ થયો છે. શહેર અને જિલ્લાની કુલ 10 ખાનગી શાળાના શિક્ષકો દ્વારા સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત લઇ સ્થાનિક શિક્ષણ પદ્ધતિથી અવગત થવાના કાર્યની શરૂઆત થઇ છે.

વડોદરા શહેરની ચાર અને જિલ્લાની છ મળી કુલ 10 સરકારી પ્રાથમિક શાળામાં ખાનગી શાળાઓના શિક્ષકોએ મુલાકાત લીધી હતી. નવા શિહોરા, ડભોઇ કન્યા શાળા, ડબકા, કરજણ જલારામનગર પ્રાથમિક શાળા, બિલ, લીમડા અને દુમાડ ગામની પ્રાથમિક શાળા ઉપરાંત શહેરની કવિ દુલા કાગ, સયાજીગંજ, સમા પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં કેજીઆઇટી, નોબલ, જૈન સ્કૂલ, નવરચના, અંબે વિદ્યાલય, ઊર્મિ સ્કૂલ, એમિકસ શાળાના શિક્ષકો આ જ્ઞાન સંગમ પ્રોજેક્ટમાં જોડાયા હતા.

પ્રથમ તબક્કામાં શિક્ષકો વચ્ચે પરસ્પર પરિચય કેળવવામાં આવ્યો હતો અને બાદમાં શિક્ષણ એક વર્ગની શિક્ષણ પદ્ધતિ અને તેના મોડ્યુલને સમજવામાં આવ્યા હતા. બાળકો સાથે પણ આ શિક્ષકો દ્વારા સંવાદ સાધીને તેની ક્ષમતાના મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. શાળામાં સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા સંસધાનો પ્રત્યે ખાનગી શાળાના શિક્ષકોએ સંતૃષ્ટિ વ્યક્ત કરી હતી.

આજના દિવસે કલેક્ટર અતુલ ગોર અને જિલ્લા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્ર પટેલ વડોદરા શહેરની સમા પ્રાથમિક શાળામાં જ્ઞાન સંગમ પ્રોજેક્ટનું અમલીકરણ જોવા માટે પહોંચી ગયા હતા. અહીં એક અનોખી વાત એ જોવા મળી કે, આ બન્ને મહાનુભાવોએ શાળામાં અભ્યાસની પ્રવૃત્તિને ખલેલ ના પહોંચે એ માટે પોતાના વાહનો શાળા પરિસરની બહાર રાખ્યા હતા. આ ઉપરાંત, પોતાના સુરક્ષાકર્મીઓને પણ બહાર રહેવા માટે સૂચના આપી હતી. જેથી શાળામાં ઔપચારિક્તા ના રહે. તેઓ એક વિદ્યાર્થીની જેમ વર્ગખંડમાં બેસી શિક્ષણ પદ્ધતિનું નિરીક્ષણ કર્યું હતું.

બન્ને મહાનુભાવોએ શિક્ષકો અને અંબે વિદ્યાલયના શિક્ષકો સાથે સંવાદ સાધીને જ્ઞાન સંગમ પ્રોજેક્ટ ઉપર પોતાના વિચારો સ્પષ્ટ કરી સંપૂર્ણ પ્રતિબદ્ધતાથી શિક્ષણકર્મ કરવા શીખ આપી હતી.

દુમાડ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં ઊર્મિ સ્કૂલના ત્રણ શિક્ષકો નિયત સમયે આવી પહોંચ્યા હતા. જ્યાં પ્રાથમિક શાળાના ગુરુગણ સાથે પરિચય કેળવી તેમણે વર્ગ ખંડોની મુલાકાત લઇ શૈક્ષણિક કાર્યથી માહિતી મેળવી હતી. આ શાળામાં આ પ્રોજેક્ટથી છાત્રો અને શિક્ષકોમાં ઉત્સાહ જોવા મળતો હતી. મજાની વાત તો એ છે કે, એક ખાનગી શાળાના કર્મીએ કહ્યું કે, અમને એવો ખ્યાલ નહોતો કે રાજ્ય સરકાર દ્વારા આટલી સરસ સુવિધાઓ સરકારી પ્રાથમિક શાળામાં પૂરી પાડવામાં આવી રહી છે. સરકારી શાળાઓ અંગે અમારી જે સમજણ હતી, તે બદલાઇ છે. હવે જો મારા સંતાનોને સરકારી શાળામાં અભ્યાસ કરવા માટે મૂકવા ખચકાઉ નહીં. તેમની આ વાત સાંભળીને સરકારી શાળાના શિક્ષકોના ચહેરા ઉપર ગર્વની લાગણી ઉપસી આવી હતી.

જ્ઞાન સંગમ પ્રોજેક્ટ અંતર્ગત 300થી વધુ છાત્રો ધરાવતી વડોદરા શહેરની 60 અને જિલ્લાની 83 શાળાઓ મળી કુલ 143 સરકારી પ્રાથમિક શાળાઓ અને ખાનગી શાળાઓ વચ્ચે શૈક્ષણિક પદ્ધતિઓનું આદાનપ્રદાન કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં શહેરની 29 અને ગ્રામ્યની 18 સહિત કુલ 47 ખાનગી શાળાઓના શિક્ષકો પોતાની આવડત અને કૌશલ્યનો લાભ સરકારી પ્રાથમિક શાળાને આપવાના છે.

અન્ય સમાચારો પણ છે...