ઠરાવ વિના લાભ:મુદત-કામ બંનેનું વિસ્તરણ કરી આપ્યું

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વીપર મશીનના ઇજારાની વિવાદી દરખાસ્તને મહોર
  • મુલતવી રખાયેલી દરખાસ્ત મંજૂર થતાં કોન્ટ્રક્ટરને બખ્ખા

શહેરના 4 ઝોનમાં રોડ સ્વીપર મશીનના ઓપરેશન અને મેન્ટેનન્સનો ઇજારો અગાઉ મુલતવી રખાયા બાદ તેને મંજૂરી આપતાં વિવાદ થયો છે. રોડના ડિવાઈડર સાફ કરવાની કામગીરીનો ઇજારો 6 મહિના માટે આપવા સાથે અલગ ખર્ચ સાથે ઝોનના નક્કી કરેલા આખા રોડની સફાઈની કામગીરી સોંપી ફાયદો પહોંચાડવામાં આવ્યો હોવાની ગણતરી ગણાઈ રહી છે. જોકે વધારાના કામનો કેટલો ખર્ચ થશે તેની કોઈ માહિતી ઠરાવમાં આપવામાં આવી નથી, જે બાબત પણ શંકા ઉપજાવે તેવી છે અને તેના કારણે આ બાબત લોકોમાં હાલ ભારે ચર્ચાનો વિષય પણ બની છે.

પાલિકાએ 4 નંગ રોડ સ્વીપર મશીનના ઓપરેશન અને મેન્ટેનન્સના ત્રિ-વાર્ષિક ઇજારાના કામે સ્થાયી સમિતિમાં રજૂ કરેલી દરખાસ્ત અગાઉ મંજુર કરવામાં આવી હતી. ત્યારબાદ 6 મહિનાની મુદ્દત પૂર્ણ થતા મે. ઓમ સ્વચ્છતા કોર્પોરેશનનો 30 માસ માટે ઇજારો લંબાવવામાં આવ્યો હતો. 30 મહિનાની સમય મર્યાદા એપ્રિલ 2022માં પૂર્ણ થઇ હતી. ત્યારબાદ ઓમ સ્વચ્છતા કોર્પોરેશનની 15.44 ટકા વધુના ભાવે કામ કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિએ યોગ્ય કામગીરી નહીં કરતો હોવાની અનેક ફરિયાદો મળતા મુલતવી કરી હતી.

જોકે ત્યારબાદ હવે ફરીથી આ સપ્તાહે સ્થાયી સમિતિના એજન્ડામાં આ દરખાસ્તને ફરીથી ચઢવવામાં આવી હતી. ગુરુવારે સવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં આ દરખાસ્તને 6 મહિના માટે મંજુર કરવામાં આવી છે. જોકે આ કામ મ્યુનિ. કમિશનર નક્કી કરે તે ફૂટપાથ અને ડિવાઈડર સિવાયના રોડને ત્રણ મહિના સુધી પ્રાયોગિક ધોરણે ઓમ સ્વચ્છતા કોર્પોરેશનને આપવાનું સોપાયું છે.

જેમાં જરૂરિયાત મુજબના સફાઇ સેવકો, ટ્રેકટર, ડમ્પરનો જે ખર્ચ થાય તેને પણ મંજૂરી આપવાનું ઠરાવવામાં આવ્યું છે. જોકે કોન્ટ્રાક્ટરને વધારાના કેટલા રૂપિયા આપવામાં આવશે તેનો ઠરાવમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેટલું જ નહીં અલગથી ખર્ચ અંગેની અલાયદી દરખાસ્ત લાવવી જોઈએ તેવો ભારે ગણગણાટ શરૂ થયો છે.

અન્ય સમાચારો પણ છે...