તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ICUમાંથી જનરલ વોર્ડમાં જતા દર્દીના નામનું માઇકમાં એનાઉન્સમેન્ટ કરી આત્મવિશ્વાસ વધારવાનો પ્રયોગ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આઇસીયુમાંથી વોર્ડમાં લઈ જવાતાં દર્દી - Divya Bhaskar
આઇસીયુમાંથી વોર્ડમાં લઈ જવાતાં દર્દી
  • હોસ્પિટલ દ્વારા છેલ્લા 3 દિવસમાં 60થી વધુ દર્દીઓનાં નામ જાહેર કરાયાં

કોરોનાના સંક્રમણનો ભોગ બનીને દર્દી આઇસીયુમાં જાય છે કે સારવાર લેતા હોય છે ત્યારે દર્દી જ નહીં તેના પરિવારમાં ઊંડે ઊંડે ફફડાટ પેસી જાય છે. આવા દર્દીનો ભય દૂર કરવાની સાથે આત્મવિશ્વાસ ઊભો કરવા ભાઇલાલ અમીન હોસ્પિટલમાં આઇસીયુમાંથી વોર્ડમાં શિફ્ટ થતાં દર્દીના નામ હોસ્પિટલની એનાઉન્સમેન્ટ સિસ્ટમ પર જાહેર કરવાનો અનોખો પ્રયોગ શરૂ કરાયો છે. વડોદરાની હોસ્પિટલોમાં આ સંભવત: પહેલો પ્રયોગ છે.

આઇસીયુમાંથી જે દર્દી વોર્ડમાં જાય તેમના નામ જાહેર કરવાની સાથે હોસ્પિટના સ્ટાફ એન્કર દ્વારા આઇસીયુમાં જેમની સારવાર ચાલે છે તે દર્દીઓ પણ ટૂંક સમયમાં સાજા થશે અને તેમને પણ શિફ્ટ કરાશે તેવી શુભેચ્છા આપી વિશ્વાસ વધારાય છે. 3 દિવસથી આ પ્રયોગ શરૂ કરાયો છે. તબીબો કહે છે કે, ‘સાજા થતા દર્દીનાં નામ જાહેર કરવાથી પોતે કોરોનાને હંફાવીને સાજા થશે તેવો આત્મવિશ્વાસ રેડાય છે, જે સારવારમાં અને રિકવરીમાં મદદરૂપ થાય છે. હોસ્પિટલમાં 3 દિવસમાં આવા 60થી વધુ નામો જાહેર કર્યા છે.

સ્ટાફ દ્વારા વોર્ડમાં શિફ્ટ આઉટ થતાં દર્દીઓનું અભિવાદન
હોસ્પિટલમાં આઇસીયુમાંથી જ્યારે દર્દી વોર્ડમાં શિફ્ટ થતો હોય ત્યારે હાજર સ્ટાફ દર્દીની ખુશીમાં સહભાગી બનવા એકત્ર થાય છે અને દર્દીનું અભિવાદન કરે છે. એટલું જ નહીં જે દર્દીઓ આઇસીયુમાં દાખલ છે તેઓ પણ ઝડપથી સાજા થઇને તેમના પરિવાર પાસે પહોંચે તેવી ભાવના સાથે સ્ટાફ દ્વારા વિશ્વશાંતિ પ્રાર્થના કરાય છે. હોસ્પિટલ સ્ટાફ કહે છે કે તાળી પાડીને અભિવાદન કરાતું નથી. કારણ કે અન્ય દર્દીઓ જેમની સ્થિતિ ખૂબ જ ક્રિટિકલ હોય તેમના પરિવારજનોની ઉપસ્થિતિને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...