બંદોબસ્ત:જૂનીગઢીના શ્રીજીનું વિસર્જન, પોલીસ 600 બોડીવોર્ન કેમેરાથી સજ્જ, 25 શખ્સ ડિટેઇન

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણીગેટના છમકલા બાદ સ્ટ્રેટેજી બદલી, શહેરમાં ફરજ બજાવી ચૂકેલા 4 અધિકારી તૈનાત
  • 7 હજાર ભક્તો​​​​​​​ જોડાશે, 1 CRPF, 1 RAF, SRPની 4 કંપની બંદોબસ્તમાં ખડેપગે

શહેરના સૌથી જૂના જૂનીગઢી વિસ્તારના શ્રીજીની મૂર્તિનું વિસર્જન ગણેશોત્સવના સાતમા દિવસે કરવાની પરંપરા છે. જેથી વિસર્જન યાત્રા પૂર્વે ભાવિકોમાં ભારે ઉત્સાહ અને જુસ્સો છે. ગત વરસે કોરોના ગાઈડ લાઈનને લીધે માત્ર 12 જણને વિસર્જન યાત્રામાં જોડાવાની મંજૂરી મળી હતી. જયારે આ વરસે 7 હજાર કરતાં વધુ ભાવિકો યાત્રામાં જોડાશે. સંવેદનશીલ વિસ્તારોમાંથી નીકળતા જૂનીગઢીના શ્રીજીની વિસર્જન યાત્રા પૂર્વે શહેર પોલીસ તંત્ર દ્વારા પોલીસ રીહર્સલ કરવામાં આવ્યું હતું.

શહેરની શાન મનાતા જૂનીગઢી ગણપતિની સ્થાપના 1948માં કરાઈ હતી જેની વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભકતો અને ટોચના રાજનેતાઓ જોડાય છે. જૂનીગઢી ગણપતિ મહોત્સવનું આયોજન કરતાં જૂનીગઢી મિત્ર મંડળના પ્રમુખ વીકી શિંદેએ જણાવ્યું હતું કે ‘આવતીકાલે સાંજે 4 વાગે આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

જેના માટે મેયર, સાંસદ, ધારાસભ્યો, શહેર ભાજપા પ્રમુુખ, સ્થાયી ચેરમેન, ડે.મેયર સહિતના આગેવાનોને આમંત્રણ અપાયું છે. ગણેશોત્સવના સાતમા દિવસે જૂનીગઢી ગણપતિ વિસર્જન યાત્રા કોઈ પણ અપ્રિય ઘટના વગર પુરી થાય તો ગણેશોત્સવ આખો શાંતિમય માહોલમાં પુરો થાય છે તેવી માન્યતાને લઇ શહેર પોલીસ દ્વારા સાંજના સમયે પોલીસ બંદોબસ્તનું રીહર્સલ કરવામાં આવ્યું હતું.

શહેર પોલીસ કમિશ્નર ડો.શમશેરસિંઘે જણાવ્યું હતું કે ‘પાણીગેટ દરવાજા પાસે ગયા સપ્તાહમાં છમકલું થયું હતું જેને લઇને પોલીસ વ્યુહરચનામાં ફેરફાર કરાયો છે.વડોદરામાં ફરજ બજાવી ચુકેલા ચાર પોલીસ અધિકારીઓને ડીજીપીની સ્પેશીયલ મંજુરી મેળવી બંદોબસ્તમાં જોતરવામાં આવશે, કારણ કે આ ચારેવ પોલીસ અધિકારીઓ વડોદરાના સંવેદનશીલ વિસ્તારોમાં ફરજ બજાવી ચુકયા છે, રહીશોને ઓળખે છે.જેમાં એસીપી એસજી પાટી, એસીપી રાઠોડ, એસીપી તેજલ પટેલ અને ડીસીપી એન્ડ્રયુ મેકવાનનો સમાવેશ થાય છે. સીઆરપીએફની 1, આરએએફની 1 અને એસઆરપીની 4 કંપનીનો સમાવેશ થાય છે.

સંવેદનશીલ વિસ્તારની ગલી-ગલી પર નજર હશે
જુનીગઢીના ગણપતિનું વિસર્જન થવાનું છે ત્યારે સીટી પોલીસે વિસર્જનની પૂર્વ સંધ્યાએ પેટ્રોલીંગ કર્યું હતું. અનીચ્છનીય ઘટના ના બને તેની અગમચેતી રખાઇ રહી છે. બંદોબસ્તની આડે આવતાં લારી-ગલ્લાંઓને પણ હટાવી દેવામાં આવ્યા હતા. પોલીસે સંવેદનશીલ વિસ્તારની ગલીએ ગલીએ નજર રાખવા માટે ખાસ વ્યવસ્થા કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

વિસર્જન પ્રક્રિયા સાંજ પહેલાં પૂરી કરી દેવાશે
ડીસીપી ઝોન-4 પન્ના મોમાયાએ જણાવ્યું કે ‘જૂનીગઢીના શ્રીજીના વિસર્જન માટે સ્થાનિક અને બહારથી આવેલી પોલીસ ફોર્સનો લોખંડી બંદોબસ્ત છે. વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ પુરી થાય તે માટે સુરક્ષાના પગલાં લેવાયા છે. સાંજ પહેલાં વિસર્જન પ્રક્રિયા પુરી કરાશે.

અન્ય સમાચારો પણ છે...