જવાબદારી સોંપાઈ:ઇમરજન્સી સેવા બજાવતા કર્મીઓની ઇલેક્શન ડ્યૂટી રદ કરવાની કવાયત

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયરબ્રિગેડ સહિતના પાલિકાના 150 કર્મચારીને ડ્યૂટી સોંપાઇ હતી
  • 4 કાર્યપાલક ઈજનેર, 2 વહીવટી અધિકારીને પણ જવાબદારી સોંપાઈ

રાજ્યમાં ચૂંટણીની જાહેરાત બાદ સરકારી વિભાગના કર્મચારીઓને ચૂંટણીની કામગીરી કરવા અંગેની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં પાલિકાના ફાયર અને ઇમરજન્સી વિભાગના અને પાણી પુરવઠાના અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણીની જવાબદારી સોંપતા વિવાદ થયો હતો. પાલિકાના વહીવટ વિભાગે 150થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓના હુકમ રદ કરવા જણાવ્યું છે.

રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થતા જ ચૂંટણીને લગતી તમામ કામગીરી સરકારી વિભાગના અધિકારીઓ સોંપવામાં આવે છે. ચૂંટણી પૂર્વે મતદાન અને મતગણતરીની કામગીરીના ભાગરૂપે કેન્દ્ર, રાજ્ય અને પાલિકા તેમજ જિલ્લા પંચાયતના કર્મચારીઓને જવાબદારીઓ સોંપવામાં આવે છે. જોકે આ ચૂંટણીમાં પાલિકાના ફાયર અને ઇમરજન્સી વિભાગના અધિકારી અને કર્મચારીઓ તેમજ પાણી પુરવઠા વિભાગ વિતરણ અને ડ્રેનેજ સફાઈ સેવકોને પણ ચૂંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવી છે.

કેટલીકવાર ચૂંટણીની કામગીરીને કારણે નાગરિકોને મળતી પ્રાથમિક સુવિધાના પ્રશ્નનો નિકાલ વિલંબથી થતો હોવાની અનેક ફરિયાદો ઉઠે છે. ત્યારે આ વખતે એસેન્શિયલ સેવાઓની ફરજ બજાવતા વિભાગોના 150 જેટલા અધિકારી અને કર્મચારીઓને ચૂંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવતા આ હુકમ રદ્દ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.

પાલિકાના અધિકારીઓએ મ્યુનિસિપલ કમિશનરનું આ બાબતે ધ્યાન દોર્યું હતું. જેમાં ફાયર બ્રિગેડ જેવી ઇમરજન્સી સેવા અને પાણી પુરવઠા તથા ડ્રેનેજના કર્મચારીઓની ચૂંટણીની કામગીરીના પગલે અસર થઈ શકે તેમ છે. જેના કારણે કોર્પોરેશનના વહીવટ વિભાગે જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિતમાં પત્ર આપી હુકમ રદ્દ કરવા જણાવ્યું છે.

જોકે આધારભૂત સુત્રો અનુસાર ચૂંટણી અધિકારીની કચેરીએ ફાયર બ્રિગેડ અને પાણી પુરવઠાના અધિકારીઓ અને કર્મચારીઓના હુકમ રદ કરવા માટેની અરજી સ્વીકારી છે. પરંતુ ડ્રેનેજ સફાઈના કર્મચારીઓની અરજી રીસીવ ના કરી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...