પંચાયત સેવાના વિવિધ સંવર્ગોની પરીક્ષા:વડોદરાના 54 પરીક્ષા કેન્દ્રો પર 5 જૂને પરીક્ષા યોજાશે, ગેરરીતિઓ અટકાવવા CPએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પરીક્ષા કેન્દ્રની અંદર મોબાઇલ સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઇ જવા પર પ્રતિબંધ

આગામી તારીખ 5 જૂૂનના રોજ પંચાયત સેવાના વિવિધ સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષા રાજ્યભરમાં યોજાવાની છે, ત્યારે વડોદરા શહેરના કુલ 54 પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર આ પરીક્ષા દરમિયાન ગેરરીતિનું આચરણ ન થાય તેમજ પરીક્ષા મુક્ત, ન્યાયી અને સરળ સંચાલનથી યોજાય તે માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

5 જૂનના રોજ મુખ્ય સેવિકા સંવર્ગની પરીક્ષા વડોદરા શહેરના કુલ 30 પરીક્ષા કેન્દ્ર ઉપર તેમજ ગ્રામ સેવક સંવર્ગની પરીક્ષા વડોદરા શહેરના કુલ 24 પરીક્ષા કેન્દ્રો ઉપર લેવામાં આવનાર છે. આ પરીક્ષા દરમિયાન કોઇ ગેરરીતિઓ ન થાય, પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા, જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે તેમજ પરીક્ષા મુક્ત, ન્યાયી અને સરળ સંચાલન માટે પ્રતિબંધો ફરમાવતું વડોદરા શહેર પોલીસ કમિશરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

જાહેરનામા અંતર્ગત જે તે પરીક્ષા કેન્દ્રોની શાળાઓના પરીક્ષા ખંડની અંદર 5 જૂનના રોજ સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્રની અંદર કોઇ પણ વ્યક્તિએ સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકીટોકી, કોર્ડલેસ ફોન, મોબાઇલ ફોન, વાયરલેસ સાહિત્ય વગેરે લઇ જવા ઉપર કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઇ જવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. તેમજ પરીક્ષા કેન્દ્રની બહાર આજુબાજુમાં 100 મીટરના અંતરમાં પરીક્ષા દરમિયાનમાં 4 કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવું નહીં તથા પરીક્ષા કેન્દ્રની બહાર 100 મીટરના અંતરમાં ઝેરોક્ષ મશીન ચાલુ રાખી શકાશે નહીં કે લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં.

જોકે, પરીક્ષા ફરજમાં રોકાયેલા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધિકૃત અધિકારીઓ પોતાની વિધિસરની ફરજો દરમિયાન ફોનનો ઉપયોગ કરી શકશે. જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ પર ભારતના ફોજદારી અધિનિયમ-1860ની કલમ-188 હેઠળ સજાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...