ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા સાથે સીબીએસઇની પણ પરીક્ષાઓ ચાલુ છે. ત્યારે સીબીએસસીના ધોરણ 12ના ઈકોનોમિક્સના પેપરની કોપી ઓછી આવતાં અનેક વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં બેસી રહેવું પડ્યું હતું. જેના કારણે વાલીઓમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો હતો.
બોર્ડના સેન્ટર બ્રાઇટ સ્કૂલ પરથી પ્રશ્નપત્રની ઝેરોક્ષ કાઢવામાં આવતા વાલીઓ દ્વારા પ્રશ્નપત્રની વિશ્વસનિયતા પર સવાલો ઉઠાવાયા હતાં. ઝેરોક્ષ કાઢ્યા બાદ કોઈપણ અનિચ્છનિય સ્થિતી સર્જાઈ તો જવાબદાર કોણ રહેશે તેવા પણ વાલીઓ દ્વારા સવાલો કરાયા છે.
સીબીએસઇ દ્વારા વિદ્યાર્થીઓની સંખ્યા કરતા ઓછા પેપર મોકલવામાં આવતા કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષાનો સમય સવારે 10 વાગ્યાનો હતો જેના બદલે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે બપોરના 12 વાગ્યાથી 3.10 વાગ્યા સુધી બેસી રહેવું પડ્યુ હતું. વિદ્યાર્થીઓનો પરીક્ષાનો સમય સવારે 10 વાગ્યાનો હોય છે.
જેના કારણે વિદ્યાર્થીઓ 9 વાગ્યાથી ઘરેથી નીકળ્યા હતા અને 3 વાગ્યા બાદ પરીક્ષા સેન્ટરમાંથી બહાર નીકળી શક્યા હતા. તો સાથે જ વાલીઓને પોતાના બાળકને લેવા માટે 3 વાગ્યે આવે તેવી જાણકારી પણ વોટ્સએપ મેસેજ દ્વારા કરવામાં આવી હતી. તો વાલીઓ આ બાબતે બોર્ડની બેદરકારી જણાવી રહી છે. પેપર મોડુ આપવાના કારણે વિદ્યાર્થીઓમાં ચિંતા પણ જણાતી હતી. તો બોર્ડના સેન્ટર બ્રાઈટ સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓના નાસ્તા અને ભોજન માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.