• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Even Today At The Age Of 74, Bapu's Bones Are Preserved In The Baroda Museum, He Came To The City 3 Times But Did Not Do The Rally meeting!

સન્ડે બિગ સ્ટોરીકેમ ગાંધીજી વડોદરામાં કદી સભા કરી ન શક્યા?:આજે 74 વર્ષે પણ બાપુનો અસ્થિકળશ બરોડા મ્યુઝિયમમાં છે, 3 વાર શહેરમાં આવ્યા પણ રેલી-સભા તો ના જ કરી!

વડોદરા2 મહિનો પહેલાલેખક: મેહુલ ચૌહાણ

આજે મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતીની વિશ્વભરમાં ઉજવણી થઇ રહી છે. ગુજરાતનાં ગામેગામને બાપુએ તેમના જીવનકાળમાં ક્યારેક ને ક્યારેક તો ખૂંદી લીધાં હશે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે, 1948માં બાપુના નિધન બાદ 74 વર્ષથી તેમનો અસ્થિકળશ જે વડોદરામાં સચવાયેલો છે, ત્યાં બાપુએ જીવનકાળમાં એક પણ સભા કરી નહોતી. આઝાદીના આંદોલન દરમિયાન તેમણે વડોદરામાં કદી કોઈ કૂચ પણ કરી નહોતી. અરે ત્યાં સુધી કે, ઐતિહાસિક દાંડીયાત્રા દરમિયાન પણ બાપુએ વડોદરામાં પગ સુદ્ધાં મૂક્યો નહોતો.

ગાંધીજીએ કેમ વડોદરામાં સભા ન કરી?
ના.. તમે સમજો છો એવું નથી.. મહાત્મા ગાંધીને વડોદરા પ્રત્યે લગીરે અણગમો નહોતો. એમ.એસ. યુનિવર્સિટીના સયાજી પ્રતિષ્ઠાનના કો-ઓર્ડિનેટર ડૉ. બંસીધર શર્માએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીની વડોદરા શહેરમાં ક્યારેય કોઈ સભા કે રેલી યોજાઇ નથી. તેનું કારણ એ પણ છે કે, સર સયાજીરાવ ગાયકવાડ બરોડા સ્ટેટના શાસક હતા. આમ તો તેમને ગાંધીજી પ્રત્યે ખૂબ આદર હતો. પરંતુ વડોદરામાં અંગ્રેજોનો ખૂબ પ્રભાવ હતો. ગાયકવાડી શાસન હોવા છતાં અંગ્રેજો ઇચ્છતા હતા કે, એવી કોઇ વ્યક્તિ સ્ટેટમાં ન આવે જે અંગ્રેજ સરકાર સામે બોલે. તેથી પણ કદાચ ગાંધીજીએ વડોદરામાં આવી સભા કે રેલી નહીં કરી હોય.

બરોડા મ્યુઝિયમમાં છે ગાંધીજીનો અસ્થિ કળશ
બરોડા મ્યુઝિયમના ક્યુરેટર કિરણ વરિયાએ જણાવ્યું હતું કે, મ્યુઝિમમાં મહાત્મા ગાંધીનો તાંબા-પિત્તળમાંથી બનેલ અસ્થિકળશ સંગ્રહિત કરવામાં આવ્યો છે. જેના પર હે રામ! અંકિત કરવામાં આવ્યું છે. કળશની આજુબાજુમાં ગાંધીજીના જીવનકાળના ફોટોગ્રોફ્સ પણ દર્શાવાયા છે. ઉલ્લેખનીય છે કે મહાત્મા ગાંધીનાં અસ્થિ નર્મદા સંગમ ખાતે વિસર્જિત કરાયાં બાદ આ કળશ અહીં સંગ્રહિત કરાયો છે. આજે પણ તે એ જ અવસ્થામાં અકબંધ છે.

ગાંધીજી 3 વખત વડોદરા આવ્યા ને જતા રહ્યા
ડૉ. બંસીધર શર્માએ કહ્યું કે, ગાંધીજી ત્રણ વખત વડોદરા શહેરમાં આવ્યાના ઉલ્લેખ જોવા મળે છે. જેમાં સ્વદેશી આંદોલન દરમિયાન વડોદરામાં જ્યુબિલી બાગ પાસે સોમાભાઇ પટેલની સ્વદેશી કપડાની દુકાનનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા. આ વખતે ચળવળકારોને હતું કે બાપુ અહીં સભા કરશે પણ તેમ ન થયું. ત્યારબાદ ગાંધીજીએ માણેકરાવ અખાડાની મુલાકાત લીધી હતી. ત્યારે એ અખાડો 1920ના ગાળામાં સિર્કેના વાડામાં હતો. ત્યાં તેમણે અખાડાની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું.

આર્યકન્યા વિદ્યાલયની મુલાકાત પણ લીધી હતી
આ દરમિયાન પંડિત આત્મારામે કારેલીબાગમાં એક છાત્રાલયમાં આર્યસમાજના ગુરુકુળમાં મળે તેવું શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું. જેમાં દલિત વિદ્યાર્થીઓને સવાર-સાંજ હવન કરાવવો, મંત્રોનો શુદ્ઘ ઉચ્ચાર અને અધ્યયન કરવું વગેરે શીખવવામાં આવતું. આ છાત્રાલય એટલું પ્રખ્યાત થઇ ગયું હતું કે બહારથી વડોદરા આવનાર વ્યક્તિ તેની મુલાકાત અવશ્ય લેતા. આ છાત્રાલયની મુલાકાત એકવાર મહાત્મા ગાંધીજીએ પણ લીધી હતી. ગાંધીજીએ કહ્યું હતું કે, રાષ્ટ્રઉદ્ઘાર અને સ્વરાજ્ય પ્રાપ્ત કરતા પહેલાં દલિતોના ઉદ્ઘારની પ્રવૃત્તિ કેટલી મહત્ત્વની છે તેનો અનુભવ અને પ્રેરણા મને અહીં પ્રાપ્ત થાય છે. પંડિતજી તમે મારા ગુરુ અને માર્ગદર્શક છો.

આનંદપ્રિયજીને બાપુએ કહ્યું હતુંઃ તમે વર્ધા આવી જાવ
આ સિવાય એકવાર વડોદરામાં આર્યકન્યા વિદ્યાલયની મુલાકાતે ગાંધીજી આવ્યા હતા અને એક દિવસ રહ્યા હતા. અહીંની કામગીરી જોઇ ગાંધીજીએ આ કામગીરી સંભાળી રહેલા આનંદપ્રિયજીને કહ્યું હતું કે, તમે મારા વર્ધા આશ્રમમાં આવો. તમે રાષ્ટ્રીય સ્તરના નેતા બની જશો. ત્યારે આનંદપ્રિયજીએ કહ્યું કે મારુ જીવન તો દયાનંદ સરસ્વતીને સમર્પિત છે. હું આ કામ સિવાય બીજું કોઇ કામ ન કરી શકું. આ સાંભળી ગાંધીજી ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે કહ્યું કે મારા આશીર્વાદ તમારી સાથે છે તમને સફળતા જરૂર મળશે.

ગાયકવાડી સ્ટેટમાં ગાંધીજીએ એક જ વાર સભા કરી
દક્ષિણ ગુજરાતના નવસારીમાં ગાયકવાડ સ્ટેટનું રાજ હતું. ત્યાં એક વખત ગાંધીજીની રેલવે પ્લેટફોર્મ પર સભા થઈ હતી પણ તેમની ધરપકડ થઈ નહોતી. સભા બાદ જ્યારે સયાજીરાવ પાસે અંગ્રેજોએ ખુલાસો માંગ્યો તો તેમણે કહ્યું કે મારા રાજ્યમાંથી કોઇ વ્યક્તિ પસાર થાય અને કશું ન બોલે તો હું કેવી રીતે તેમની ધરપકડ કરું. સભા તો રેલવે પ્લેટફોર્મ પર અંગ્રેજોની સરકારી જમીન પર થઇ હતી.

1948માં બાપુના નિધન બાદ 74 વર્ષથી તેમનો અસ્થિકળશ વડોદરામાં સચવાયેલો છે.
1948માં બાપુના નિધન બાદ 74 વર્ષથી તેમનો અસ્થિકળશ વડોદરામાં સચવાયેલો છે.

સયાજીરાવે અસ્પૃશ્યતા નિવારણની કામગીરી શરૂ કરી હતી
સર સયાજીરાવ ગાયકવાડે અસ્પૃશ્યતા નિવારણ માટે પણ કામગીરી શરૂ કરી હતી. દલિત બાળકોને ભણાવવા માટે છાત્રાલયો પણ શરૂ કર્યા હતા. અસ્પૃશ્યતા નિવારણ અને દલિતોનાં બાળકોને ભણાવવાની કામગીરીની જવાબદારી સર સયાજીરાવ ગાયકવાડે પંડિત આત્મારામ અમૃતસરીને સોંપી હતી. પંડિત આત્મારામ એ દયાનંદ સરસ્વતીના શિષ્ય હતા અને તેમનું જીવન આર્ય સમાજને સમર્પિત હતું. આત્મારામ અમૃતસરી 1908માં વડોદરા આવ્યા અને 1926 સુધી રાજકીય સેવામાં રહ્યા. પંડિત આત્મારામ અમૃતસરીને સર સયાજીરાવ ગાયકવાડે દલિતોની જેટલી પણ સ્કૂલો-છાત્રાલયો હતાં તેના ઇન્સ્પેક્ટર (નિરીક્ષક) બનાવ્યા હતા.

વડોદરા સ્થિત બરોડા મ્યુઝિયમ.
વડોદરા સ્થિત બરોડા મ્યુઝિયમ.

બધા ગાંધીજીને બાપુ કહેતા, ગાંધાજી સયાજીરાવને બાપુ કહી સંબોધતા
સર સયાજીરાવ ગાયકવાડ અને ગાંધીજી વચ્ચે સંબંધ ખૂબ સારા હતા. ત્યાં સુધી કે, ગાંધીજીને બધા બાપુ કહેતા પણ ગાંધીજી સર સયાજીરાવને બાપુ કહી સંબોધતા. ગાંધીજી દાંડીયાત્રા દરમિયાન વડોદરા સ્ટેટમાંથી પસાર થયા ત્યારે અંગ્રેજો દ્વારા સર સયાજીરાવને સૂચન કરાયું હતું કે, જો ગાંધીજી અહીંથી પસાર થાય અને કોઈ સભા કે ભાષણ કરે તો તેમની ધરપકડ કરી લેવામાં આવે. જેથી સર સયાજીરાવે ગાંધીજીને સલાહ આપી હતી કે, તમે વડોદરા સ્ટેટમાંથી પસાર થાવ ત્યારે કશું બોલતા નહીં કે સભા-ભાષણ ન કરતા. ગાંધીજીએ કહ્યુંઃ બાપુ હું એવું કશું નથી બોલવાનો જેનાથી આપના પર સંકટ આવે.

અન્ય સમાચારો પણ છે...