ભાસ્કર વિશેષ:ઓનલાઇનમાં પણ આપદા, ઇન્ટરનેટ કેબલ તૂટતાં અધ્યાપકોને અન્ય બિલ્ડિંગમાંથી લેકચર લેવા પડે છે

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મ.સ.યુનિ.ના કોમર્સ ગર્લ્સ બિલ્ડિંગ અને બીબીએ બિલ્ડિંગમાં 3 મહિનાથી નેટ ઠપ

એમ.એસ.યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટી ગર્લ્સ બિલ્ડિંગ અને બીબીએ બિલ્ડિંગ ખાતે ઇન્ટરનેટ કેબલ તૂટી જતા છેલ્લા ત્રણ મહિનાથી પીજી બિલ્ડિંગમાં જઇને અધ્યાપકોને ઓનલાઇન અભ્યાસ કરાવવાનો વારો આવ્યો છે.ડોનર્સ પ્લાઝા ખાતે આવેલા કોમર્સ ફેકલ્ટીની ગર્લ્સ બિલ્ડિંગ નજીક બની રહેલા ફાર્મસી બિલ્ડિંગના બાંધકામના પગલે ઇન્ટરનેટ કેબલમાં ભંગાણ સર્જાયું હતું. જેના પગલે છેલ્લા ત્રણ મહિનાથી ગર્લ્સ બિલ્ડિંગ ખાતે વાઇ ફાઇ ચાલી રહ્યું નથી. જેથી એફવાય બીકોમના વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરાવવા માટે અધ્યાપકો પીજી બિલ્ડિંગ ખાતે જવાનો વારો આવ્યો છે.

ગર્લ્સ કોલેજના અધ્યાપકો પીજી બિલ્ડિંગ ખાતે જઇને વાઇફાઇનો ઉપયોગ કરી રહ્યા છે. જેનાથી તેઓ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિના ઉપરાંતના સમયથી આ પરિસ્થીતી હોવા છતાં પણ કોઇ ઉકેલ તંત્ર દ્વારા લાવવામાં આવ્યો નથી. બીબીએ બિલ્ડિંગ ખાતે પણ આ જ પરિસ્થિતીનું નિર્માણ થયું છે.

બીબીએ ખાતે પણ વાઇફાઇ કનેકશન ચાલતું ના હોવાનું જાણવા મળ્યું છે. જોકે બીબીએ દ્વારા પોતાના ડોન્ગલનો ઉપયોગ કરીને અધ્યાપકો વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. ઘણી વાર પોતાના મોબાઇલ નેટનો પણ ઉપયોગ કરવાનો વારો આવે છે. છેલ્લા કેટલાય સમયથી ઇન્ટરનેટ કેબલની ખામી સર્જાય છે. જે એક વાર રિપેર પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, જોકે તે પછી પણ સમસ્યા યથાવત રહેવા પામી હતી.

ડિજિટલ યુનિ.ની વાતો વચ્ચે સુવિધાના ધાંધિયા, ફરિયાદ છતાં નિરાકરણ નહીં
ફાર્મસી બિલ્ડિંગના બાંધકામ સમયે ગર્લ્સ કોલેજ ની ઇન્ટરનેટ પૂરું પાડતી લાઈન તૂટી ગયા પછી આ અંગેની ફરિયાદો કરી હોવા છતાં પણ સમયસર નિરાકરણ લવાયુઁં ન હતું. જેના પગલે ઓનલાઇન ક્લાસીસ લેતા સમયે અધ્યાપકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગર્લ્સ કોલેજ માં ઇન્ટરનેટ સેવા બંધ થઈ ગઈ હોવાથી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અધ્યાપકોને પીજી બિલ્ડીંગ ખાતે જઈને ઓનલાઇન અભ્યાસ કરવાનો વારો આવ્યો હતો. લાઈન રિપેર કરાયા પછી પણ ઇન્ટરનેટ કનેકટીવિટી ના ધાંધિયા ચાલુ રહેતા અધ્યાપકોની આપદા યથાવત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...