"તું 500 રૂપિયામાં ધંધો કરીશ તો પણ તું 2 વર્ષ સુધી જ કરી શકીશ, પછી તારું શું થશે તે, મારા શક્તિ જોડે છુટાછેડા કરાવી સારું કર્યું નથી" તેવી ફોન ઉપર ધમકી આપનાર મહિલા સામે હરણી પોલીસ મથકમાં ધમકીથી ગભરાઇ ગયેલી ખાનગી કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતી મહિલાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
હરણી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે વિગત એવી છે કે, છૂટાછેડા થયા બાદ એકલા રહેતા કાજલબેન (નામ બદલ્યું છે) વાઘોડિયા ખાતેની ખાનગી કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર (પર્ચેઝ)તરીકે નોકરી કરે છે. અગાઉ તેઓ કાલોલ ખાતેની ખાનગી કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર (પર્ચેઝ) તરીકે જ નોકરી કરતા હતા. જ્યાં તેઓની સાથે તેઓના સિનિયર શક્તિ નામના વ્યક્તિ પણ નોકરી કરતા હતા.
ફરિયાદમાં કાજલબેને જણાવ્યું છે કે, દોઢ માસ પહેલા રાત્રિના સમયે ઘરે એકલી હતી. ત્યારે એક મહિલાનો ફોન આવ્યો હતો અને તેઓએ પોતાનું નામ ડિમ્પલ (નામ બદલ્યું છે) જણાવ્યું હતું.જે શક્તિના પત્ની હતા. ફોન પર તેઓએ જણાવ્યું કે "તું 500 રૂપિયામાં ધંધો કરીશ તો પણ તું બે વર્ષ સુધી કરી શકીશ. પછી તારું શું થશે. તે મારા શક્તિ જોડે છુટાછેડા કરાવી સારું કર્યું નથી. તું લોકોને કહે છે કે, ડિમ્પલ અને શક્તિના છૂટાછેડા કરાવવામાં મને બહુ મહેનત પડી છે. હું વડોદરા આવીશ તો તને ઘરમાં અને ઘરની બહાર પણ રહેવા લાયક છોડીશ નહીં, બદનામ કરી દઈશ" તેવી ધમકી આપી અપશબ્દો બોલ્યા હતા.
ફરિયાદમાં જણાવ્યું છે કે, ડિમ્પલ તેના છૂટાછેડા માટે મારા ઉપર શંકા રાખી અવારનવાર ફોન કરી બિભત્સ અપશબ્દો બોલી ધમકી આપે છે. હરણી પોલીસે કાજલની ફરિયાદના આધારે મોબાઇલ ફોન પર ધમકી આપનાર ડિમ્પલ સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.